હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલા પારસ કોર્પોરેશનમાં ગત મોડી સાંજથી અત્યાર સુધી IT વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે. ત્યારે અગામી સમયમાં મોટા વ્યવહારો બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
.
મળેલી માહિતી મુજબ, રાજ્યભરમાં કાલે સવારથી 36 જેટલા સ્થળે IT વિભાગની ટીમ ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે હિંમતનગરમાં પણ પોલીસ સાથે ITની ટીમ શુક્રવારે સવારે સવારે 5.30 કલાકે આવી પહોંચી હતી. ત્યારબાદ આદેશ પ્રમાણે ટીમ બગીચા વિસ્તારમાં પારસ કોર્પોરેશન આગળ પહોંચી હતી. આખો દિવસ પારસ કોર્પોરેશન નહિ ખુલતા IT ટીમ બહાર બેસી રહી હતી. સાંજે એક મહિલા આવી હતી જેને ચાવી આપ્યા બાદ પારસ કોર્પોરેશનના શટર ખુલ્યાં હતા.
શટર ખુલ્યાં બાદ IT ટીમે પોતાની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન મોડી સાંજે હિંમતનગરમાં એક ગ્રાહક રૂ. 3.50 લાખ લઈને આંગડીયુ કરવા આવ્યો હતો. દરમિયાન IT ટીમે તેની પૂછપરછ કરીને કાર્યવાહી કરી હતી. બીજી તરફ નિષ્ણાત IT ટીમના સભ્યોએ ઓફિસમાં પડેલા કોમ્પ્યુટરની તપાસ શરૂ કરી હતી અને દસ્તાવેજો પણ તપાસવાના શરૂ કર્યા હતા.
14 કલાકથી પણ વધુ સમયથી IT ટીમનું સર્ચ ચાલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં વિવિધ કૌભાંડોને લઈને દેશ વિદેશમાં પડેલા હવાલાને લઈને IT વિભાગ દ્વારા સર્ચ ચાલી રહ્યું છે. તો અગામી દિવસોમાં મોટાપાયે કાળું નાણું ઉપરાંત મોટા વ્યવહારો બહાર આવી શકે છે. જોકે હાલ IT વિભાગ દ્વારા સર્ચ ઓફિસમાં ચાલી રહ્યું છે.