આજના સમયમાં હોસ્પિટલમાં જવું મોંઘું બની ગયું છે. સામાન્ય તાવ કે શરદી માટે કોઇ નાના એવા દવાખાને જઇએ તો પણ 100, 200 કે 500 રૂપિયાનો ખર્ચ થતાં જરાપણ વાર નથી લાગતી. દિવસેને દિવસે મેડિકલ ટ્રીટમેન્ટ મોંઘી થતી જાય છે.
.
કોરોનાકાળને કોણ ભૂલી શકે? એક RT–PCR ટેસ્ટ માટે 3,000, 3,500 કે 4,000 રૂપિયા સુધીની રકમ લેવાતી હતી. જ્યારે આ ઊંચી કિંમત અંગે બહુ ઉહાપોહ થયો ત્યારે સરકાર એક્શનમાં આવી અને RT–PCR ટેસ્ટના ભાવ નક્કી કરી દીધા. જેના પછી ફક્ત 400 રૂપિયામાં RT–PCR ટેસ્ટ થવા લાગ્યો હતો.
વર્ષોથી બધા જાણે છે કે મેડિકલ લાઈનમાં દવામાં કેટલો નફો મળતો હોય છે. જે દવા 1થી 2 રૂપિયામાં પડતી હોય તેના 10થી 12 રૂપિયા લેવાતા હોવાનું મનાય છે. આમ પણ દવાઓની બહુ ઊંચી કિંમત વસૂલાતી હોવાનો મુદ્દો ભૂતકાળમાં ઘણીવાર ઉઠી ચૂક્યો છે. તેવામાં આજે એક એવા મેડિકલ સ્ટોરની વાત કરીએ જે દર્દીઓને ધારણાં બહારનું ડિસ્કાઉન્ટ આપે છે.
કેસ નંબર 1
રાજકોટમાં રહેતા અને મજૂરી કામ કરતા ગોપાલભાઈ પટેલના 7 વર્ષના દીકરાને મગજની પાછળની નસ દબાતી હતી અને ઇન્ફેક્શન લાગી ગયું હતું. જેનું ઓપરેશન કરવામાં આવ્યું અને ડોક્ટરે દવા લખી દીધી. ઓપરેશન માટે જરૂરી સર્જીકલનો સામાન અને બીજી દવા લેવા ગોપાલભાઇ સદ્ભાવના મેડિકલ સ્ટોરમાં ગયા. જ્યાં બિલ બન્યું 22,613 રૂપિયાનું પણ તેમને 12,078 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું. ગોપાલ ભાઈએ ચૂકવ્યા માત્ર 10,535 રૂપિયા. ગોપાલભાઈ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે હું તો મેડિકલ સ્ટોરમાં જ ગળગળો થઈ ગયો હતો અને રડવા લાગ્યો કારણકે અન્ય મેડિકલ સ્ટોરમાં 22 હજાર રૂપિયાનું બિલ થાય તેમ હતું. હું મજૂરી કામ કરું છું. મને રોજના 700 રૂપિયા મળે છે. આ સિવાય પણ મને એક ડોક્ટરે દવા લખી દીધી હતી. 3 ઇન્જેક્શનનો કોર્સ હતો. મને અન્ય એક મેડિકલ સ્ટોરમાં 2,100 રૂપિયા કહ્યા હતા. તેના પછી બહુ ફર્યો છેવટે સદભાવના મેડિકલ સ્ટોરમાં આવ્યો જ્યાં ફક્ત 700 રૂપિયાનું બિલ જ બન્યું. આવા મેડિકલ સ્ટોર વધુને વધુ ખુલવા જોઈએ. આવા સ્ટોર ગરીબ, મધ્યમ વર્ગીય દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. દવાખાનાના ખર્ચા તો ક્યાં જઈને અટકે તે કોઈ જાણતું નથી પરંતુ આ ઉઘાડી લૂંટ લોકો ક્યાં સુધી સહન કરશે?
રાજકોટના સદભાવના મેડિકલ સ્ટોરમાં દવાના બિલ પર 50થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે
કેસ નંબર 2
ગામડામાં રહેતા લલિતભાઈ દેસાઈના પિતાને કેન્સર ડિટેક્ટ થયું. ડોક્ટરે ગામાકોન 100 એમએલ(ઇન્જેક્શનનું નામ છે) તે 6 ઇન્જેક્શનનો કોર્સ લખી આપ્યો. લલિતભાઇએ ઘણી રઝળપાટ કરી. તેઓ ખાનગી મેડિકલ સ્ટોરમાં ગયા તો તેમને 6 ઇન્જેક્શનના ભાવ 1,20,000 કહ્યા. આટલા ઊંચા ભાવ તેમને પરવડે તેમ નહોતા. કોઈએ તેમને સદભાવના મેડિકલ સ્ટોરમાં જવાનું કહ્યું અને તેઓ સદભાવના મેડિકલ સ્ટોરમાં આવ્યા. અહીં તેમણે એ 6 ઇન્જેક્શન લીધા તો 1,20 997 રૂપિયાનું બિલ થયું પરંતુ તેમણે ચૂકવવા પડ્યા માત્ર 46,499 રૂપિયા. લલિતભાઇને અહીં 74,498 રૂપિયા એટલે કે પોણા લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. આટલું મોટું ડિસ્કાઉન્ટ મળતાં લલિતભાઈ પણ ગળગળા થઈ ગયા. તેઓ કહે છે કે અન્ય મેડિકલ સ્ટોર ઉઘાડી લૂંટ જ ચલાવે છે. કોઈ 5 કે 10 ટકા ડિસ્કાઉન્ટ આપવા તૈયાર નથી પરંતુ આ મેડિકલ સ્ટોરમાં ભારે ડિસ્કાઉન્ટ મળે છે. જે આશીર્વાદનું કામ કરે છે.
કેસ નંબર 3
કિશનભાઇ માળિયા તાલુકામાંથી આવે છે. તેમના પિતાએ બાયપાસ સર્જરી કરાવી છે. તેમણે સદભાવના મેડિકલ સ્ટોરમાંથી દવા લીધી. 10,000 રૂપિયાનું બિલ થયું પરંતુ તેમણે ચૂકવવા પડ્યા માત્ર 8,000 રૂપિયા. તેમને પણ 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું.
60 દિવસમાં 46 લાખનું ડિસ્કાઉન્ટ આપ્યું
આવા તો અનેક ઉદાહરણો મળશે જેણે રાજકોટના સદભાવના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી હોય. આ સ્ટોર ખુલ્યાને થોડો સમય માંડ થયો છે. તેણે 60 દિવસમાં દોઢ કરોડની બજાર કિંમતની દવા વેચી નાખી છે. જેમાંથી તેમણે 46 લાખ જેટલું ડિસ્કાઉન્ટ લોકોને આપ્યું છે.
આ મેડિકલ સ્ટોર નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલે છે
મોટી પ્રોડક્ટ પર ફક્ત 1થી 2 ટકા જ નફો લે છે
સદભાવના મેડિકલ સ્ટોર નહીં નફો નહીં નુકસાનના ધોરણે દવા વેચે છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાના મવા ચોકમાં આ મેડિકલ સ્ટોર આવેલો છે. જ્યાં દર્દીઓને 20થી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહે છે. કોઇ ખૂબ મોટી પ્રોડક્ટ હોય તો જ તેના પર 1થી 2 ટકા માર્જિનનો નફો રાખીને વેપાર કરે છે. આ નફાનો ઉપયોગ ફક્ત પોતાનો વહીવટી ખર્ચ ચલાવવા માટે જ કરાય છે.
જો તમે અમુક દવાઓ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી લીધી હોય અને તે જ દવા સદભાવના મેડિકલ સ્ટોરમાંથી લીધી હોય તો તેની કિંમત વચ્ચેનો ફેર જોઇને તમારી આંખો પહોળી થઇ જશે.
દિવ્ય ભાસ્કરે સદભાવના મેડિકલ સ્ટોરમાંથી મળતી દવાઓ અને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મળતી દવાઓના ભાવની સરખામણી કરી તો ચોંકાવનારા આંકડા જોવા મળ્યા.
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાનું વધારે વેચાણ
સૌથી વધુ વેચાતી દવા હોય તો તે છે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની. આજના સમયમાં ઘરે ઘરે લોકોને આ રોગ જોવા મળે છે. એકવાર આ દવા શરૂ થયા પછી તેને બંધ નથી કરી શકાતી. એટલે આ દવાનું સૌથી વધુ વેચાણ થાય છે. બ્લડ પ્રેશર માટે ઇકોસ્પ્રિન અને ડાયાબિટીસ માટે એમપિરોલ નામની દવા ખૂબ વેચાઇ રહી છે.
આ બિલમાં 4 નંબર પર એમપીરોલ દવા છે જેની MRP 18.60 રૂપિયા છે. જ્યારે ગ્રાહકને તે 1.31 રૂપિયામાં અપાઇ. 5 નંબરમાં ઇકોસ્પ્રિન દવા છે જેની MRP 60.65 રૂપિયા છે. જે ગ્રાહકને 2.94 રૂપિયામાં અપાઇ
લોહી પાતળું કરવા માટે ડોક્ટર ઇકોસ્પ્રિન લખી આપતા હોય છે. જેની 15 ગોળીની MRP 61 રૂપિયા છે. અન્ય ખાનગી મેડિકલ સ્ટોર આ દવા MRPથી જ વેચે છે. જ્યારે સદભાવના મેડિકલ સ્ટોર આ જ દવા 3 રૂપિયાના ભાવે આપે છે (તેના પર ટેક્સ અલગ).
સુરતમાં એમપીરોલ દવા 15 રૂપિયામાં મળે છે. તેની MRP 18.60 રૂપિયા છે.
આ સિવાય અમુક દવામાં તો આશ્ચર્યચક્તિ થઇ જવાય તેટલું માર્જિન જોવા મળે છે. વાસોફિક્સ (બોટલ ચડાવવાની નીડલ) જે અન્ય મેડિકલ સ્ટોરમાં લેવા જાઓ તો એની MRPથી જ વેચાય છે. તેની MRP 250 રૂપિયા છે. તેમાં કોઇ ડિસ્કાઉન્ટ પણ નથી અપાતું એટલે એ 250 રૂપિયામાં જ વહેંચાય છે. જ્યારે સદભાવના મેડિકલ સ્ટોરમાં તે માત્ર 13 રૂપિયાને 20 પૈસામાં મળી જાય છે.
આ વાસોફિક્સ (બોટલ ચડાવવાની નીડલ) છે
આ બિલમાં 3 નંબરમાં વાસોફિક્સ આઇટમ છે. જેની MRP 250 રૂપિયા છે. જ્યારે ગ્રાહકને તે 13.20 રૂપિયામાં અપાઇ હતી
અમદાવાદમાંથી ખરીદેલા વાસોફિક્સનું બિલ. જેમાં વેચાણ કિંમત 195 રૂપિયા દેખાઇ રહી છે.
6,491 રૂપિયાની દવા 5,244 રૂપિયામાં વેચાય છે
શ્વેતકણ ઓછા હોય તો ડોક્ટર ઓરોફર નામનું ઇન્જેક્શન લખી આપે છે. દિવ્યભાસ્કરે ખાનગી મેડિકલ સ્ટોરમાં તપાસ કરી તો તેનો ભાવ 6,491 રૂપિયા હોવાનું જાણવા મળ્યું. તેમાં કોઇ ડિસ્કાઉન્ટ પણ અપાતું નહોતું. પરંતુ સદભાવના મેડિકલ સ્ટોરમાં આ જ ઇન્જેક્શનની ડિસ્કાઉન્ટ બાદ 5,244 રૂપિયામાં મળે છે.
નવજાત માટેના અંડર પેડ ફક્ત 300 રૂપિયામાં મળે છે
આવી અનેક દવાઓ છે જે ગણવા બેસીએ તો સમય ટૂંકો પડે. દરેક દવામાં 10, 20 થી લઈ 50-60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલું જ નહીં પ્રસૂતિ વખતે ડોક્ટર નવજાત બાળક માટે જે અંડર પેડ લખી આપે છે તે 10 નંગના 1,500 રૂપિયા MRP છે. આ પ્રોડક્ટ ગુજરાતમાં જ બને છે. સદભાવના મેડિકલ સ્ટોરમાં આ અંડર પેડ 300 રૂપિયામાં વેચાય છે. પ્રોડક્ટ એ જ, કંપની એ જ તેમ છતાં ભાવમાં આટલો ફેર.
800 રૂપિયાના ડાયપર 270 રૂપિયામાં વેચે છે
ઘરે કોઇ બાળક હોય કે વડીલ બીમાર હોય અથવા પથારીવશ હોય તો તેમના માટે ડાયપરનો ઉપયોગ કરવો પડે છે. આવા ડાયપરનો મોટાપાયે વેપાર થાય છે. ખાનગી મેડિકલ સ્ટોરમાં 10 ડાયપર 800 રૂપિયાની કિંમતે વેચાય છે. જ્યારે સદભાવના મેડિકલ સ્ટોરમાં 270 રૂપિયામાં વેચાય છે. આ સિવાય મહિલાઓ માટે ડોક્ટર ઝોલ્ડેનેટ(zoldnenat 4 ml) ઇંજેક્શન લખી આપે છે. ખાનગી મેડિકલ સ્ટોરમાં આ ઇંજેક્શન 2,238 રૂપિયામાં વેચાય છે અને કોઇ ડિસ્કાઉન્ટ પણ નથી અપાતું પણ સદભાવના મેડિકલ સ્ટોરમાં આ જ ઇંજેક્શન 510 રૂપિયામાં મળે છે.
અન્ય મેડિકલ સ્ટોરમાં જો તમારી કોઇ ઓળખાણ હોય તો 5 કે 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. જ્યારે સદભાવના મેડિકલ સ્ટોરમાં કોઇ ઓળખાણની જરૂર નથી હોતી. કોઇપણ વ્યક્તિ આવે તેને ડિસ્કાઉન્ટ મળી રહે છે.
હવે એ જાણી લો કે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરનો ઉદભવ કઇ રીતે થયો.
દિવ્ય ભાસ્કરે મેડિકલ સ્ટોરનું સંચાલન કરનારા ભૂપતભાઇ રાદડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, સદભાવના વૃદ્ધાશ્રમ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ બળદ આશ્રમ ચલાવે છે, શ્વાન આશ્રમ ચલાવે છે, વૃદ્ધાશ્રમ ચલાવે છે. વૃદ્ધાશ્રમમાં પણ નવતર પહેલ છે કે કોઈને માતા-પિતા દત્તક લેવા હોય તો તેનો ખર્ચ ઉપાડે છે અને તેને માતા-પિતા દત્તક અપાય છે.
મેડિકલ સ્ટોરના સંચાલક ભૂપતભાઇ રાદડિયા
તેમણે ઉમેર્યું કે, આ સિવાય ટ્રસ્ટ હરિયાળી ક્રાંતિ માટે ખૂબ જ મોટાપાયે વૃક્ષારોપણ કરે છે. આખા ગુજરાતમાં કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવે છે અને થોડા સમય પહેલાં જ રાજકોટમાં 100 જગ્યાએ ઠંડા પાણીના પરબ મુકવાનું શરૂ કર્યું છે. જેથી કોઈને પાણીની તરસ લાગે તો તે કોઈપણ સ્થળે ઠંડું પાણી પી શકે. સદભાવના વૃદ્ધાશ્રમના પ્રણેતા વિજયભાઈ ડોબરિયા છે. તેઓ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
મેડિકલ સ્ટોર સ્થાપવાનો વિચાર કોરોના સમયે આવ્યો હતો
ભૂપતભાઈ કહે છે કે વિજયભાઇ સિવાય મુખ્ય પાંચ-છ ટ્રસ્ટીઓ છે. જે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. અમને ફંડ ફાળો મળતો રહે છે. દાતાઓનો સારો સપોર્ટ હોય છે. કોરોનાકાળમાં ઘણા પરિવારના માળાને વિખાતા જોયા હતા. એ સમયે દવા-ઇન્જેક્શન કોઈને મળતા ન હતા અને મળતા હતા તો કઈ રીતે મળતા હતા એ સૌ કોઈ જાણે છે ત્યારથી વિજયભાઈને અને અમને વિચાર આવ્યો કે રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાને સસ્તી દવા મળે એવું કંઈક આયોજન કરવું છે. એ સમયે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરની સ્થાપનાનો વિચાર આવ્યો અને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે લોકો સુધી દવા પહોંચાડવી તેવું નક્કી કર્યું. ધીમે ધીમે તેની પ્રોસિજર શરૂ કરી અને 15 જૂન, 2024ના રોજ રાજકોટમાં સદભાવના મેડિકલ સ્ટોરની શરૂઆત કરી. અનેક દાતાઓના ફંડ પણ છે, ઘણાનો સપોર્ટ છે. બાકી ટ્રસ્ટનું ફંડ હોય, ટ્રસ્ટીઓનો સપોર્ટ હોય છે.
15 કલાક સુધી સ્ટોર ખુલ્લો રહે છે
મેડિકલ સ્ટોરમાં કેટલા લોકોનો સ્ટાફ છે તેના વિશે તેમણે કહ્યું કે, અમારે ત્યાં 25 લોકોનો સ્ટાફ છે, લાઈટ બિલ આવે, મેન્ટેનન્સ આવે તેનો ખર્ચ કાઢવા માટે અમે અમુક દવામાં એક થી બે ટકા નફો લઈએ છીએ બાકી મોટા ભાગનો નફો અમે જતો કરી દઇએ છીએ, જે દર્દીઓને ડિસ્કાઉન્ટના રૂપમાં આપીએ છીએ. રોજ મેડિકલ સ્ટોર સવારે 8:30 થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલો રાખવામાં આવે છે. રવિવારે અડધો દિવસ સ્ટોર ખુલ્લો હોય છે.
ખાનગી મેડિકલ સ્ટોરધારકોએ વિરોધ પણ કર્યો
અન્ય મેડિકલ સ્ટોરધારકોના વિરોધ અંગે તેમણે જણાવ્યું કે, અન્ય મેડિકલ સ્ટોરધારકો અંદરખાને વિરોધ પણ કરતા હોય કે તમે આટલું ડિસ્કાઉન્ટ આપો છો તો પછી અમને પણ ધંધા વ્યવસાયમાં તકલીફ પડે છે. મોટી કંપનીઓ અમને પછી દવા પણ ન આપે એટલે સામા પવને ચાલવાની તૈયારી સાથે અમે આ શરૂઆત કરી. નાના મોટા વિઘ્નો તો આવ્યા, થોડો વિરોધ પણ થયો પણ લોકોને ઉપયોગી કામ છે તેથી અમે આગળને વધવાનો નિર્ણય કર્યો. કોઈને નુકસાન જાય તેવો અમારો ઉદ્દેશ નથી પરંતુ અમે સેવાનું કાર્ય કરવા નીકળ્યા છીએ.
અન્ય મેડિકલ સ્ટોર અને સદભાવના મેડિકલ સ્ટોરમાં કેટલો ફેર હોય છે તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, પૈસામાં 10 ટકાથી લઇને 50 ટકા સુધીનો ફેર પડે છે.
આ સ્ટોરમાંથી ગ્રાહકોને 60 દિવસમાં 46 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું છે
હજુ વિદેશી દવા નથી મળતી
તેઓ કહે છે કે, અમે કોઈ જાતનો નફો લેતા નથી એટલે પૂરેપૂરા ડિસ્કાઉન્ટ સાથે દર્દીના પરિવારને દવા આપીએ છીએ. જે ડીલરનું ડિસ્કાઉન્ટ હોય, માલિકનું ડિસ્કાઉન્ટ હોય તેવું કોઇપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ અમે નથી રાખતા. અમે દર્દીને બિલમાં મોટું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અમારા સ્ટોરમાં ગુજરાતની, ભારતની કંપનીઓની દવા મળે છે. હજુ સુધી વિદેશથી દવા મગાવવાનું શરૂ નથી કર્યું. જે દવા અમે અહીંયાથી ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ તે જ દવા ખાનગી મેડિકલ સ્ટોરમાં MRPથી વેચાય છે. નથી કંપની ફરતી કે નથી બ્રાન્ડ ફરતી કે નથી કોઈ દવા ફરતી.
દવા ન હોય તો 2 કલાકમાં જ મગાવી અપાય છે
લોકો તરફથી મળતા પ્રતિસાદ અંગે તેમણે કહ્યું કે, અમને ખૂબ જ બહોળા પ્રમાણમાં સપોર્ટ મળે છે. આજુબાજુના ગામડાના દર્દીઓના પરિવાર પણ અહીં હવે દવા લેવા આવતા થયા છે. ધીમે ધીમે પ્રચાર પ્રસાર થાય એમ લોકો આવતા જાય છે. અન્ય જેનરિક સ્ટોર છે તેમાં ચોક્કસ મર્યાદા મુજબની દવાઓ હોય છે. જે સરકારે નક્કી કરેલા ભાવે જ વેચવાની હોય છે અને અમારે ત્યાં તમામ પ્રકારની દવા મળે છે. જો દવા ન હોય તો અમે બે કલાકમાં જ કોઈપણ જાતની દવા મંગાવી આપીએ છીએ. કોઈનું નાનું-મોટું ઓપરેશન હોય તેના માટે સર્જિકલ સાધનો અને દવાઓ લેવાના હોય તો દર્દીના પરિવારને સૌથી વધુ ફાયદો થાય છે. આશરે 50થી 60 ટકા જેટલો ફાયદો થાય છે. અન્ય સ્થળે જો 30 હજારનું બિલ થાય તો અમારે ત્યાં ફક્ત 15 હજારનું જ બિલ થાય છે.
સદભાવના મેડિકલ સ્ટોરના સંચાલક સાથે વાતચીત કર્યા બાદ દિવ્ય ભાસ્કરે રાજકોટના જાણીતા ન્યૂરોસર્જન ડૉ. હેમાંગ વસાવડાનો મત જાણવા તેમનો સંપર્ક કર્યો. તેમણે દવાના ભાવ નક્કી કરતા કાયદાની ફેર વિચારણા કરવાનો સમય આવી ગયો હોવાનું કહ્યું હતું.
ન્યૂરોસર્જન ડૉ.હેમાંગ વસાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સમાચારના માધ્યમથી હમણાં જાણવા મળ્યું કે સદભાવના મેડિકલ સ્ટોર દવાના બિલ પર 60 થી 70% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. જે દર્દીઓ અને તેના પરિવાર માટે આશીર્વાદરૂપ છે. પરંતુ સવાલ એ છે કે અન્ય મેડિકલ સ્ટોર શું કામ આ ભાવે દવા ન આપી શકે? અન્ય મેડિકલ સ્ટોર વેપાર કરે છે, જ્યારે સદભાવના મેડિકલ સ્ટોર સેવા કરે છે. આપણે એવી અપેક્ષા રાખીએ કે સદભાવના મેડિકલ સ્ટોર જે ભાવે દવા આપે છે એ જ ભાવે અન્ય મેડિકલ સ્ટોર પણ દવા આપે તો તે અપેક્ષા પણ વધુ પડતી છે.
આ સ્ટોરે મેડિકલ ફિલ્ડનું પોત પ્રકાશી દીધુંઃ ડૉ. હેમાંગ વસાવડા
સદભાવના મેડિકલ સ્ટોરે મેડિકલ ફિલ્ડનું અને ફાર્માસ્યુટિકલ ફિલ્ડનું પોત પ્રકાશી દીધું છે તેવો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સદભાવના મેડિકલ સ્ટોરમાંથી ઘણી શીખ લેવા જેવી છે. સરકારે નિયમો લાદવા જોઈએ. કોઈ કંપની દવાનો બાટલો મેડિકલ સ્ટોરને 12 થી 13 રૂપિયામાં આપે છે તો એ મેડિકલ સ્ટોર ધારક શા માટે તેના 70થી 120 રૂપિયા વસૂલે છે એ નથી સમજાતું. મેડિકલ સ્ટોરધારક શા માટે તે બાટલો 15થી 16 રૂપિયામાં ન આપી શકે? એક સેફ્ટ્રેઝોન ઇન્જેક્શન કંપની 36 રૂપિયામાં વેચે છે. કોર્પોરેટ હોસ્પિટલ એ જ ઇન્જેક્શનના 150 રૂપિયા લે છે. જ્યારે મેડિકલ સ્ટોર 90 થી 100 રૂપિયા વસુલે છે. આટલા માર્જિનને ધંધો ન કહેવાય. નફામાં પણ એક મર્યાદા હોય, આ તો લૂંટ છે.
ડૉ. હેમાંગ વસાવડાએ કહ્યું કે નફામાં પણ એક મર્યાદા હોવી જોઇએ
દવાના ભાવ નક્કી કરતા કાયદાની ફેર વિચારણાનો સમયઃ ડૉ. હેમાંગ વસાવડા
તેઓ કહે છે કે, અન્ય મેડિકલ સ્ટોર અને સદભાવના મેડિકલ સ્ટોરમાંથી દવા લઈએ તો મોટો ફરક જોવા મળે છે. આપણા દવાના ભાવ નક્કી કરતા કાયદાની ફેર વિચારણા કરવાનો સમય આવી ગયો છે. પેટર્ન ડ્રગ હોય તો એટલે સમજી શકાય કે તેના નક્કી કરેલા ભાવ એ લઈ શકે પણ નોન પેટર્ન દવા વેચનારા પોતાની મરજી મુજબના ભાવ લેતા હોય છે.
ઘણા ડોક્ટરો દવા પર કમિશન લે છેઃ ડૉ. હેમાંગ વસાવડા
તેમણે કહ્યું કે, મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ અલગ અલગ ભાવના બિલ બનાવે તેવી વસ્તુ પર બ્રેક મારવાની જરૂર છે. દવાઓની દુનિયામાં નફાખોરી ખૂબ વધી છે. MRP ના પણ ધારાધોરણ નક્કી નથી. મારી તો એવી માગ છે સરકારે એક લઘુત્તમ મૂલ્ય નક્કી કરવુ જોઈએ. મેડિકલ સ્ટોરધારક કંપની પાસે પાણીના ભાવે દવા લે છે કારણ કે તે પ્રથમ કસ્ટમર છે એટલે એક પ્રકારની નાકાબંધી છે. પછી તે મેડિકલ સ્ટોરધારક MRPના ભાવે વેચે છે. ઘણા ડોક્ટરો દવા ઉપર કમિશન પણ લે છે. અંતે તો આ કમિશન મેડિકલ સ્ટોરધારક ગ્રાહક પાસેથી જ વસૂલતા હોય છે એટલે તેમાં પણ નીતિ-નિયમ અને કાયદો લઈ આવવાની ખૂબ જ જરૂર છે. સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે.
(સ્ટોરી ઇનપુટઃ દેવેન ચિત્તે, સુરત)