અમદાવાદ શહેરમાં આજે સવારે કાલુપુર મેટ્રો સ્ટેશનથી સવારે ઉપડીને ટ્રેન થલતેજ આવી રહી હતી, ત્યારે ગુરુકુળ રોડ પર ટ્રેન પહોંચતા એક યુવકે હસ્તમૈથુન કરવાની શરૂઆત કરી હતી. આ સમયે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા એક યુવકે બેથી ત્રણવાર ટકોર પણ કરી છતાં તે આ હરકત કરત
.
મહિલા સુરક્ષાને લાંછન લગાવતી આ શરમજનક ઘટનાને લઈ દિવ્ય ભાસ્કરે ગુજરાતની જાણીતી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં હાઇકોર્ટના સિનિયર વકીલ, લેખિકાઓથી લઈ પ્રોફેસર અને ડોક્ટરનો સમાવેશ થાય છે.
‘આજકાલ માનવી વધુને વધુ વિકૃતિ તરફ વળી રહ્યો છે’ હાઇકોર્ટના સિનિયર વકીલ પ્રતિભા દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઘટના અત્યંત ગંભીર છે. આજકાલ માનવી વધુને વધુ વિકૃતિ તરફ વળી રહ્યો છે. આ વ્યક્તિએ ચોક્કસપણે પોતાના મોબાઇલમાં પોર્નોગ્રાફી જોઈ હશે, જેનાથી તેનું માનસિક સંતુલન ખોરવાયું છે. કારણ કે તે જાહેરમાં આ પ્રકારની હરકત કરી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે લોકોમાં જાગૃતિ ખૂબ જરૂરી છે. જો આ ઘટના મેટ્રોના બદલે કોઈ શાંત અને એકાંતવાળા વિસ્તારમાં બની હોત અને ત્યાંથી કોઈ છોકરી અથવા બાળકી પસાર થઈ હોત, તો આ પ્રકારના લોકો છેડતી અથવા દુષ્કર્મ પણ કરી શકે છે. આવા વિકૃતિ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવો પણ આવશ્યક છે. આવા લોકો સામાજિક રીતે ખુલ્લા ફરતા હોય, તે બહેન-દીકરીઓ સુરક્ષાને જોખમમાં મૂકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય છે કે આવા લોકોની વિકૃતિ જો સામે આવે, તો તુરંત જ પોલીસને જાણ કરવી જોઈએ. પોલીસ આ મુદ્દે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.
જાહેરમાં આ હરકત કરી શકે, તો એકલામાં વધુ ભયાનક બની શકે: ડૉ.દીપ્તિ પટેલ જ્યારે સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. દીપ્તિ પટેલ કહે છે કે, જાહેરમાં આવી હરકત કરનારા લોકો માનસિક રોગી હોય છે. એવું કહેવાય છે કે 60-70 ટકા લોકો માસ્ટરબેશન કરે છે, પરંતુ તેને જાહેરમાં કરવું ખૂબ જ ખોટું છે. જાહેરમાં આવી હરકત કરનારા લોકો ફક્ત અપરાધી નહીં, પરંતુ તેઓની આ હરકત છેડતી અને દુષ્કર્મ સુધી જઇ શકે છે. આવા લોકો સામે તુરંત જ પગલા લેવા જરૂરી છે. જો જાહેરમાં આ હરકત કરી શકે છે, તો એકલામાં તે વધુ ભયાનક બની શકે છે. આ પ્રકારના લોકોને રોકવા માટે તાત્કાલિક પોલીસ કાર્યવાહી આવશ્યક છે.
‘આવી ઘટનાઓ બને ત્યારે કોઈ અવાજ કેમ ઉઠાવતું નથી?’ પ્રખ્યાત કવિયત્રી એષા દાદાવાળાએ કહ્યું કે, વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે તે વ્યક્તિના બાજુમાં એક અન્ય વ્યક્તિ શાંતિપૂર્વક બેઠો હતો. સાથે અન્ય લોકો પણ શાંતિથી બેઠા હતા. આ મુદ્દે જાહેર જાગૃતિ ખૂબ જ જરૂરી છે.
એષા દાદાવાળાએ ઉદાહરણ આપતા કહ્યું કે, જો કોઈ રોડ અકસ્માત થાય, તો લોકો તુરંત જ ઝઘડવાનું શરૂ કરી દે છે અને મારામારી સુધી પહોંચી જાય છે. પરંતુ આવી ઘટનાઓ બને ત્યારે કોઈ અવાજ કેમ ઉઠાવતું નથી? આવી ઘટનાઓ સામે લોકોનો વિરોધ થવો જોઈએ અને આવા લોકોને તુરંત જ પકડીને પોલીસ હવાલે કરવા જોઈએ. જો આવા લોકોને પોલીસ હવાલે કરવામાં આવે, તો તમે કોઈ દુષ્કર્મની ઘટના રોકી દીધી ગણાશે. વિકૃતિ માનવીઓને દુષ્કર્મ તરફ દોરી જાય છે.તેથી આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવવો અને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
આ હરકત આપણને એક સમાજ તરીકે વિચારવા મજબૂર કરે છે: પૂજા મંજુલા શ્રોફ કેલોરેક્સ અને દિલ્હી પબ્લિક સ્કૂલના ચેરપર્સન ડો.પૂજા મંજુલા શ્રોફે જણાવ્યું કે, જાહેર સ્થળોએ આ પ્રકારની હરકતો ચોંકાવી દે છે. પરંતુ આપણને એક સમાજ તરીકે વિચારવા મજબૂર કરે છે કે, યુવાઓને જવાબદારી કેવી રીતે શીખવી શકાય કે, શું યોગ્ય છે અને શું અયોગ્ય છે.
આ માનસિક નબળાઈ અને માનસિક રોગ છે: ફાલ્ગુની વસાવડા MICAના પ્રોફેસર ફાલ્ગુની વસાવડા કહે છે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે માસ્ટરબેટ કરી શકો એવી તમારામાં હિંમત આવે તેનાથી આગળ મને કંઈ શોકિંગ લાગતું નથી. આ માનસિક નબળાઈ અને માનસિક રોગ બતાવે છે. આમા સેફ્ટીનું શું? દરેક સ્તરે પગલાં લેવા પડે. આટલા લોકો હાજર હતા તો તેમણે શું કર્યું? તેમણે ભેગા થઈને પોતાની સ્ટ્રેન્થ કેમ ન વાપરી? પુરુષ જાહેરમાં આ રીતે વર્તે એ પણ બતાવે છે કે, હું કંઈપણ કરીશ તો હું છૂટી જઈશ. આ પુરુષ પ્રધાનનું ટ્રિગર છે અને તેનો ઉછેર કેવો થયો છે એ બતાવે છે. તેને લાંબાગાળે માનસિક મદદની જરૂર છે.
આ સમાજ માટે એક વાઇરસ છે: RJ અર્ચના અમદાવાદની જાણીતા RJ અર્ચનાએ જણાવ્યું કે, એક વ્યક્તિ જે પોતાની મહેચ્છાઓેને ખુલ્લામાં શાંત કરતા નથી શરમાતો, જેને જોઇને દરેક નોર્મલ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ એ શરમાઈ જાય. આ સમાજ માટે એક વાઇરસ છે. દુબઈ મેટ્રોમાં જે રીતે નિયમો હોય છે તેમ અમદાવાદની મેટ્રોમાં લખવું પડશે કે આ કરાય નહીં?
મને આંચકો લાગ્યો,અમદાવાદમાં આવું શરૂ થઈ ગયું?: રુઝાન ખંભાતા ઉદ્યોગ સાહસિક રુઝાન ખંભાતાએ કહ્યું કે, મને આંચકો લાગ્યો કે, આપણા અમદાવાદમાં આવું શરૂ થઈ ગયું? કમનસીબે પોર્ન લોકોને મોબાઈલ પર છૂટથી મળે છે, આ બાબતો કાબૂમાં નથી. મેટ્રો વાળાએ ધ્યાન ન આપ્યું, આમ ઓથોરિટીઝ ભાગી રહી છે, છુપાવવાના પ્રયાસો કરી રહી છે. સામાન્ય નાગરિક તરીકે આપણને કેમ ન્યાય નથી મળતો? એ ભાઈનું ડેરિંગ કેવું હશે? હું હાથ જોડીને સરકાર અને પોલીસને વિનંતિ કરું છું કે અમદાવાદમાં આવું દૂષણ ન ફેલાઈ તે માટે તાત્કાલિક પગલાં લો.
આવા લોકો સામે જાહેરમાં પગલાં લેવાં જોઈએ: કાજલ ઓઝા-વૈદ્ય જાણીતા કટાર લેખક અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા-વૈદ્યે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું વ્યક્તિગત રીતે માનું છું કે આવા વિકૃતિવાળા લોકો સામે પોલીસ કાર્યવાહી જરૂરી છે. આવા લોકો સામે જાહેરમાં પગલાં લેવાં જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે આવા લોકો માનસિક રીતે રોગગ્રસ્ત હોય છે. તેમને કોઇ ફરક પડતો નથી કે કોણે તેમને જોયા છે અથવા તેમણે કરેલી ક્રિયાઓની અન્ય લોકો પર શું અસર થાય છે.
કાજલ આગળ જણાવે છે કે તેમની સારવાર કરાવવી પણ જરૂરી છે. આ ફક્ત મેટ્રોમાં બનેલી ઘટના નથી, પરંતુ રાત્રિના સમયે ટ્રેનોમાં આવી ઘટનાઓ બનતી રહે છે, જેનાથી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ અને યુવતીઓ ઘણી વખત પીડાય છે. રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી યુવતીઓ આ પ્રકારની ઘટનાનો ઘણા વખતથી સામનો કરે છે. જો આવા વિકૃતિવાળા લોકોને ડર હોત તો તેઓ જાહેરમાં આક્રમક વલણ ન દેખાડે. આનો અર્થ એ છે કે તેઓ માનસિક બીમાર છે. તેમના પર કાર્યવાહી પણ થવી જોઈએ અને તેમની સારવાર પણ કરાવવી જરૂરી છે.
આવા લોકોને તાત્કાલિક રીતે ત્યાં જ રોકવા જોઈએ: ડો. મોનાબેન દેસાઈ આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જાણીતાં ડોક્ટર મોના દેસાઈએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ બને ત્યારે સારા અને નૈતિક લોકો તેની સામે અવાજ ઉઠાવતા નથી અથવા આવાં કૃત્યો સામે વિરોધ વ્યક્ત કરતા નથી. આવા લોકોને તાત્કાલિક રીતે ત્યાં જ રોકવા જોઈએ. જો તમારી અંદર નૈતિક હિંમત નથી તો તમે બીજાઓને કઈ રીતે કંઈ કહેવા અથવા પ્રેરિત કરવા માગશો? જો તમે કંઈ નહીં કહો અને નહીં કરો તો આવા ગુંડા અને વિકૃત માનસિકતાવાળા લોકો અમારી વચ્ચે ફરતા રહેશે. દરેક જગ્યાએ સરકાર અને પોલીસ હાજર રહી શકતી નથી.
જ્યારે આવી વિકૃતિવાળા લોકો ભીડમાં કૃત્ય કરે છે ત્યારે તેમને રોકવા માટે ત્યાં હાજર સારા અને નૈતિક લોકો આગળ કેમ નથી આવતા? તે વ્યક્તિને ટ્રેનમાંથી બહાર કાઢવાની કોશિશ કેમ નહીં કરી? કોઇ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? ત્યાં હાજર લોકો તે વ્યક્તિને રોકી શકતા હતા. શું એકમાત્ર વ્યક્તિને રોકવી શક્ય નહોતી? આવું કરવા માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર નથી. કોઈ ખોટું કામ કરે ત્યારે તેનો વીડિયો બનાવવામાં સમય વેડફવાની જરૂર નથી, એ સમયે જ રોકી શકાય છે.