હાલમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ મહિનો ચાલી રહ્યો છે. ભારતમાં બ્રેસ્ટ કેન્સર બાદ સર્વાઇકલ કેન્સરથી મહિલાઓના થતાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે. એક અંદાજા પ્રમાણે સર્વાઇકલ કેન્સરથી એક દિવસમાં 200 મહિલાઓના મૃત્યુ થાય છે. અમદાવાદની એક કંપનીએ દાવો કર્યો છે કે તે એ
.
સર્વાઈકલ કેન્સરના લક્ષણો ડિટેક્ટ કરતી આ ટેક્નોલોજી છે શું? કેટલા દિવસમાં તેનો રિપોર્ટ આવે? હાલમાં સર્વાઈકલ કેન્સરના થતાં ટેસ્ટ કરતાં આ ટેસ્ટ કેટલો અલગ છે? ભારતમાં પહેલીવાર આ ટેક્નોલોજી કેવી રીતે આવી? આ ટેસ્ટ અંગે નિષ્ણાતોનું શું માનવું છે? આ ટેસ્ટની કિંમત કેટલી છે આવા અનેક પ્રશ્નનોને લઈને દિવ્ય ભાસ્કરે ડીએનએ વેલનેસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની CERViSure લેબોરેટરીના ડાયરેક્ટર પથિક ભંડારી અને જાણીતા ઓન્કોગાયનેકોલોજિસ્ટ ડૉ. અંજના ચૌહાણ સાથે ખાસ વાતચીત કરી હતી.
સૌથી પહેલાં તો એ સમજો કે આ ટેસ્ટ કઇ રીતે થાય છે.
કંપનીના દાવા પ્રમાણે CERViSure ધ ડીએનએ પ્લોયડી ટેસ્ટ એ એક એવો ટેસ્ટ છે જે આપણાં શરીરના કોષોના ન્યુક્લિઅસ (કોષનો કેન્દ્રીય ભાગ)માં થતાં કોઈપણ ફેરફાર અને રંગ સૂત્રોમાં થતાં કોઈપણ ફેરફારને ડિટેક્ટ કરે છે. પહેલાં એ સમજવું જરૂરી છે કે જ્યારે કેન્સર થાય છે ત્યારે સૌથી પહેલાં શરીરના કોષોના ન્યુક્લિઅસમાં ફેરફાર જોવા મળે છે.
આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર એટલે અનિયંત્રિત કોષોમાં થતો વધારો. એ થવાની શરૂઆત ન્યુક્લિઅસથી થાય છે પછી તેમાં ફેરફાર જોવા મળે અને એ પછી ધીરે ધીરે કેન્સરના સ્ટેજમાં વધારો થાય છે.સેલની સાઈઝ અને આકાર ચેન્જ થાય છે. જ્યારે તેમાં ફેરફાર આવે છે ત્યારે તે કેન્સર તરીકે ડિટેક્ટ થાય છે.
કંપનીના દાવા પ્રમાણે, આ ટેસ્ટમાં કોઈપણ ભાગ પર વાઢકાપ કરવામાં આવતી નથી. જેમ કોરોના વખતે બ્રશ દ્વારા નાક અને મોંમાંથી સેમ્પલ લેવામાં આવતા હતા તેવી જ રીતે ગર્ભાશયના મુખ પરથી બ્રશને 5 વાર એન્ટિ ક્લોક ફેરવીને સેમ્પલ લેવામાં આવે છે. 5 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં આ સેમ્પલ કલેક્ટ થઈ જાય છે. એ પછી તે સેમ્પલને સ્પેશ્યલ સોલ્યુશનવાળી ડબ્બીમાં મૂકવામાં આવે છે. ડબ્બીને રૂમમાં કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી શકાય છે.
જ્યારે આ સેમ્પલ લેબમાં પહોંચે છે એ પછી તેને 2 થી 8 ડિગ્રી ટેમ્પરેચરની વચ્ચે લગભગ 24 કલાક સુધી સ્ટેબલ થવા માટે રાખવામાં આવે છે. એ પ્રક્રિયા પૂર્ણ થયા પછી લેબોરેટરીના ડાર્ક રૂમની અંદર આઠ કલાકની પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રોસેસ ખૂબ જ મહત્વની અને ગંભીર એટલા માટે છે કારણ કે સેલની અંદરના ન્યુક્લિઅર્સને એક અલગ કલરથી જોઈ શકીએ એવું એક સ્કેનિંગ કરવામાં આવે છે. આ થઈ ગયા પછી તેની એક સ્લાઈડ પ્રિપેર થાય છે જેને સ્કેનરમાં મૂકીને એઆઈ બેઝ્ડ સોફ્ટવેર દ્વારા સ્કેન કરવામાં આવે છે.
જ્યારે સ્કેન કરવામાં આવે ત્યારે તેમાં અલગ અલગ કલર જોવા મળે છે. તેના પરથી આપણને એબનોર્મલ, નિયો પ્લાસ્ટિક સેલ અને નોર્મલ સેલ પણ જોવા મળે છે. જેના પરથી AI બેઝ્ડ એક રિપોર્ટ તૈયાર થાય છે.
આ રિપોર્ટમાં ત્રણ વસ્તુ દર્શાવવામાં આવે છે. જેમાં શરીરમાં કોઈ એક સેલ પણ કેન્સર તરફ વધી રહ્યો હોય અથવા કેન્સરગ્રસ્ત હોય તો તેને આઈડેન્ટિફાય કરે છે. બીજું કે ઓરેન્જ કલરના સેલ જે કેન્સર તરફ જઈ રહ્યાં છે અથવા ઘટી રહ્યાં છે તેને દર્શાવે છે. જ્યારે ત્રીજો ગ્રીન રંગનો દર્શાવવામાં આવે છે જે નોર્મલ સેલ છે. જે ખૂબ જ હેલ્ધી હોય છે. તેમાં કોઈ પણ ખામી જોવા નથી મળતી. આ ત્રણેય સેલને બહું જ કેટેગરાઈસ કરીને રિપોર્ટ બનાવવામાં આવે છે. આ રિપોર્ટ ખાલી ત્રણ સેલની ગેલેરીને જ નથી બતાવતો પરંતુ આગળ શું સ્ટેપ લેવા તે પણ દર્શાવે છે. આશરે 72 કલાકમાં જે તે વ્યક્તિનો રિપોર્ટ મળી જાય છે.
ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રા.લિ.ના ડાયરેક્ટર પથિક ભંડારીએ દિવ્યભાસ્કરને કહ્યું કે, હું અને મારી સાથેના બીજા ત્રણ ડાયરેક્ટર હિતેન્દ્રસિંહ ઝાલા, નિસર્ગ શાહ, પ્રિયાંક ઠક્કર સર્વાઈકલ કેન્સર અને ભારતમાં પ્રસરી રહેલા બીજા કેન્સરને પહેલેથી જ ડિટેક્ટ કરી શકાય તેવી ટેક્નોલોજી લઇને આવ્યા છીએ.
આ ટેસ્ટને વિદેશમાં પણ માન્યતા મળેલી છે આ ટેસ્ટ કરવા માટે કોની માન્યતા મળેલી છે એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, આવી ટેક્નોલોજી જ્યારે ભારતમાં લાવવી હોય ત્યારે CDSCOની મંજૂરી લેવી પડતી હોય છે. બીજું છે યુરોપિયન સ્ટાન્ડર્ડ. સમગ્ર યુરોપમાં આ પ્રકારનો ટેસ્ટ લોન્ચ કરવો હોય તો CE સર્ટીફિકેશન થયેલું હોવું જરૂરી છે. આજની તારીખમાં કોઈ પણ ટેસ્ટ માટે આ સર્ટીફિકેટ લેવું તે ખૂબ જ અઘરું છે. આ ફિલ્ડમાં જોડાયેલા લોકોને ખ્યાલ છે કે જ્યારે યુરોપમાં આવી એપ્રુવલ લેવાની થાય ત્યારે કેવા પ્રકારના સાયન્ટિફિક ડેટા સબમિટ કરાવવા પડે છે. એટલે અમને ત્યાંની પણ મંજૂરી મળેલી છે.
તેમણે કહ્યુું કે, કેનેડા, ચીન, યુએસ આ બઘા જ દેશોમાં આ ટેસ્ટ એપ્રુવ થયેલો છે. એટલે ગ્લોબલી રીતે મોટા ભાગના વિકસિત દેશોમાં આ ટેસ્ટ ઉપલબ્ધ છે. માત્ર ચીનની વાત કરીએ તો આ ટેસ્ટ માટે 15 હજાર કરતાં વધુ લેબોરેટરી કાર્યરત છે. તેઓ દર વર્ષે લગભગ 8 થી 10 મિલિયન ટેસ્ટ કરી રહ્યા છે.
4 દર્દીઓના જીવ બચ્યાનો દાવો અમદાવાદમાં ટેસ્ટ કરવાની શરૂઆત વિશે જણાવતાં તેમણે જણાવ્યું કે, અમે અમદાવાદમાં 11 સપ્ટેમ્બર, 2024થી આ ટેસ્ટ કરવાની શરૂઆત કરી હતી. આ મહિનાના એન્ડ સુધીમાં અમે લગભગ 250 જેટલા ટેસ્ટ પૂર્ણ કરી શકીશું. હાલમાં થયેલા ટેસ્ટમાંથી 27 ટેસ્ટમાં કેન્સર ડિટેક્ટ થયું છે. જેના પછી તેમાં બાયોપ્સી કરીને આગળના સ્ટેજની ખબર પડતી હોય છે પણ કોઇ રીતે એબનોર્મલ પણ દેખાય એનાથી ખ્યાલ આવે કે હેલ્ધી દેખાતી મહિલામાં કોઈ લક્ષણો નથી છતાં પણ તેને કેન્સર છે. એક નાનકડી પ્રોસિઝરથી 4 દર્દીઓનો જીવ બચી શક્યો છે. જ્યારે બાકીના દર્દીનો રિપોર્ટ નોર્મલ જોવા મળ્યો છે.
ડાબી તરફથી પહેલા નિસર્ગ શાહ, પ્રિયાંક ઠક્કર, પથિક ભંડારી અને હિતેન્દ્રસિંહ ઝાલા
AI સોફ્ટવેરથી સાચો રિપોર્ટ મળે છે તેઓ ઉમેરે છે કે, આમાં એક સારામાં સારી બાબત એ છે કે AI બેઝ્ડ સોફ્ટવેર દર્દીનો સાચો રિપોર્ટ તો આપે જ છે પણ તેની સાથે જે વ્યક્તિ ટેસ્ટ કરી રહ્યો છે તેનું પણ પરિણામ ત્યાંને ત્યાં જ આપી દે છે કે આ ટેસ્ટ કેટલો ચોકસાઇથી થયો છે. જેનું એક પ્રમાણ આઈઓડી તરીકે કહેવામાં આવે છે. જે આ ટેસ્ટની સાથે જ ખબર પડે છે.
તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં અમે 250 ટેસ્ટ પૂર્ણ કર્યા છે પરંતુ એક પણ ટકાનું તેમાં ડેવિએશન આવ્યું નથી. એટલે રિપોર્ટને સચોટ રીતે આપવાની અમારી પણ જે પરીક્ષા કહેવાય તેને અમે સારી રીતે પાર પાડી રહ્યા છીએ. જે પણ સ્ટાન્ડર્ડ છે તેને ફોલો કરી રહ્યા છીએ. કેમ કે અમે જે રિપોર્ટ કરીએ છીએ તેનો એક રિપોર્ટ બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચ સેન્ટરને પણ મળે છે.
પરિવારજનોને કેન્સર થયું અને મેડિકલ ફિલ્ડમાં પ્રવેશવાનો વિચાર આવ્યો તેમણે કહ્યું કે,અમે મેડિકલ અને ફાર્મા સાથે છેલ્લાં 27 વર્ષથી જોડાયેલા છીએ. પર્સનલી વાત કરું તો મારા પરિવારમાં મારા દાદા-દાદી અને નાના-નાનીનું કેન્સરના કારણે જ અવસાન થયું હતું. તે વખતે છેક છેલ્લી ઘડી સુધી આનું ચોક્કસ કોઈ નિદાન જોવા નહોતું મળ્યું. લેટ ડિટેક્શન થવા પાછળનું કારણ એવું છે કે દવાઓ વિશેની જાણકારી તમને હોવી જરૂરી છે. એટલે વિચાર આવ્યો એ પછી અમે મેડિકલ ફિલ્ડમાં પ્રવેશ કર્યો.
તેઓ જણાવે છે કે, પહેલાં દવાઓ વિશે સમજ્યા પછી અમે મેડિકલ ડિવાઈસ વિશે સમજ્યા અને હવે AI બેઝ્ડ સર્વાઈકલ કેન્સરને ડિટેક્ટ કરી શકે તેવી ટેક્નોલોજી વિશે સમજ્યા. જે બાદ આ ટેક્નોલોજીને ભારતમાં લાવીને વધુ લોકોને તેનો લાભ થઈ શકે તેવા સંકલ્પ સાથે હાલમાં આગળ વધી રહ્યા છીએ.
બ્રશને 5 વાર એન્ટિ ક્લોક ફેરવીને સેમ્પલ કલેક્ટ કરાય છે
તેઓ આગળ કહે છે કે, એક વાર એવો કિસ્સો બન્યો કે અમારા ગ્રુપમાં એક મિત્રના પરિવારમાં જ સર્વાઈકલ કેન્સરની ઘટના બની હતી. જે બાદ તેમને આ ટેસ્ટ વિશે જાણવા મળ્યું હતું. એ પછી અમારે તેમની સાથે વાતચીત થઈ કે આવી ટેક્નોલોજી ભારતમાં પણ હોવી જોઈએ એટલે અમે આ ટેક્નોલોજી કેવી રીતે ભારતમાં લાવી શકાય તે માટેની કામગીરી શરૂ કરી હતી.
બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચ એજન્સી પાસેથી રાઇટ્સ ખરીદ્યા તેમણે જણાવ્યું કે, અમે બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચ એજન્સીના સંપર્કમાં આવ્યાં. તેમની સાથેની વાતચીતમાં લાગ્યું કે જો આપણે આ ટેક્નોલોજીને ભારતમાં લાવીએ તો ઘણાં દર્દીઓને તેનો ફાયદો થઈ શકે છે. એવા કેન્સર કે જેમાં 100 ટકા દર્દીને બચાવી શકાય તે માટે પણ આપણે સારું કામ કરી શકીએ છીએ. આ વિચાર પર અમે આગળ વધ્યાં બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચ એજન્સી સાથે મ્યૂચ્યુઅલ એગ્રિમેન્ટ પર આવ્યા. જેના પછી અમે તેમની પાસેથી 10 વર્ષ માટે આ ટેક્નોલોજીના રાઈટ્સ ખરીદીને તેને ભારતમાં લાવ્યાં છીએ.
જાણીતા ગાયનેકોલોજિસ્ટ્સ સાથે ચર્ચા કરી હતી તેઓ જણાવે છે કે, અમે નાના પાયે કામ કરવાની શરૂઆત કરી અને તેને સમજવાનો પ્રયત્ન કર્યો. આમાં સૌથી પહેલું તો એ સમજવું જરૂરી હતું કે, આ ટેક્નોલોજી ભારતમાં કેટલી અસરકારક રહેશે. એ સમજણ કેળવવા માટે અમે ભારતમાં લગભગ 8 થી 10 શહેરોમાં કાર્યરત જાણીતા ગાયનેકોલોજિસ્ટ સાથે રાઉન્ડ ટેબલ ડિસ્કશન કરીને આ ટેક્નોલોજી વિશે સમજાવ્યું. જેના પછી સમજવાનો પ્રયત્ન કર્યો કે વિશ્વમાં જે ટેક્નોલોજી છે તે ભારતમાં ખરેખર અસરકારક રહેશે કે કેમ.
સેમ્પલને 2થી 8 ડિગ્રીની વચ્ચે 24 કલાક સુધી રાખી મુકવામાં આવે છે
તેમણે ઉમેર્યું કે, આ માટે અમે અમદાવાદ, મુંબઈ, બેંગાલુરૂ, કોચી, ચેન્નઈ, લખનઉ અને દિલ્હીમાં 12-12 જેટલા ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. નિષ્ણાતો સાથેની એ ચર્ચાઓ સાથેનો નિષ્કર્ષ અમારા માટે ફર્સ્ટ ટ્રિગર રહ્યો એ પછી અંદાજે એકાદ વર્ષ જેટલા સમય સુધી આ દિશામાં ચર્ચા વિચારણા પછી નક્કી કર્યું કે આ ટેક્નોલોજીને આપણે ભારતમાં લાવવી જોઈએ.
સર્વાઇકલ કેન્સર પર 1930થી રિસર્ચ ચાલતું હોવાનો દાવો તેમણે કહ્યું કે, બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચ એજન્સીએ ડીએનએ પ્લોયડી ટેસ્ટનું રિસર્ચ કર્યું એ કોઈ નવી વસ્તુ નહોતી કેમ કે સર્વાઈકલ કેન્સર પર 1930થી રિસર્ચ ચાલી રહ્યું હતું. એ પછી ઘણાં વૈજ્ઞાનિકોએ તેના ઉપર સંશોધન કરેલા છે પણ આ સંશોધનમાં AI સોફ્ટવેર સાથે સાંકળીને આ પદ્ધતિને ખૂબ જ સરળ બનાવવાનું કામ વર્ષ 2006-07ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
10 વર્ષ પછી કામગીરીનો રિવ્યુ થશે આ ટેકનોલોજીને ભારતમાં લાવવા માટે શું-શું કર્યું તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, અમે બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચ એજન્સી સમક્ષ ભારતમાં સર્વાઈકલ કેન્સરની તકલીફ કેટલી મોટી છે, ભારતમાં તેની શું મર્યાદાઓ છે? આ ટેક્નોલોજી ભારતમાં આવશે તો તેનાથી કેટલા લોકોને ફાયદો થશે તેના આંકડા રજૂ કર્યા. એ પછી તેમને પણ એવું લાગ્યું કે અમે સાચા પાર્ટનર સાથે જોડાઈ રહ્યા છીએ.
આકરા નિયમોનું પાલન કરવું પડે આ ટેક્નોલોજીને ભારતમાં લાવ્યા પછી તેના પરિક્ષણ માટે કેવા નિયમોનું પાલન કરવું પડે છે એ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, આ ટેસ્ટને સક્સેસ કરવા માટે તેનું સ્ટાન્ડર્ડાઈઝેશન ખૂબ જ જરૂરી છે. જે પ્રોસેસ ત્યાં થાય છે એવી જ રીતે અહીં કરવામાં આવે છે. તેમાં એક પણ પ્રકારનો ફેરફાર ન ચાલે.
સૌથી પહેલાં બ્રિટિશ કોલમ્બિયા કેન્સર રિસર્ચની ટીમે 3થી 4 કલાક સુધી અમારી ટીમને ઓનલાઇન ટ્રેનિંગ આપી હતી. એ પછી પ્રેક્ટિકલ વીડિયો બતાવાયા હતા. જેના પછી અમે જે કામ કરી રહ્યા છીએ તેને એ લોકો ઓબ્ઝર્વ કરે છે. છેલ્લે અમે કરેલા શરૂઆતના 10 ટેસ્ટને તેઓ ઓબ્ઝર્વ કરે છે. આ બધામાં યોગ્ય રીતે ફોલો થાય એ પછી જ અમને સંમતિ આપવામાં આવે છે કે તમે હવે જાતે ટેસ્ટ કરી શકો છો.
તેમણે જણાવ્યું કે, સર્વાઈકલ કેન્સરને સાયલન્ટ અને ડેડલી ડિઝીસ કહેવાય છે. અમે સૌથી પહેલાં સમજતાં હતા કે ભારતમાં જો ડિઝીસ બર્ડન જોવા જઈએ તો પહેલા હાર્ટના ડિઝીસ આવે એના પછી લંગ્સના ડિઝીસ આવે. જો કેન્સરમાં જોઈએ તો પહેલાં બ્રેસ્ટ કેન્સર પછી ઓરલ કેન્સર અને ત્રીજું સર્વાઈકલ કેન્સર આવે છે પણ અમને સર્વાઈકલ કેન્સરને સમજવાની ઉત્સુકતા વધુ હતી.
સર્વાઇકલ કેન્સરના કોઇ લક્ષણો પહેલેથી દેખાતા નથી તેઓ વધુમાં કહે છે કે, અમે જાણ્યું કે ભારતમાં મહિલાઓમાં કેન્સરથી થતાં મૃત્યઆંકમાં સર્વાઈકલ કેન્સરનો આંક બીજા નંબર પર છે. દર આઠ મિનિટે એક મહિલાનું સર્વાઈકલ કેન્સરના કારણે મૃત્યુ થઈ રહ્યું છે. પછી થયું કે આ કેન્સરમાં 100 ટકા જીવ બચાવી શકાય તેમ છે છતાં આટલો ઊંચો મૃત્યુઆંક કેમ છે. એટલે અમે WHOની શું ગાઈડલાઈન છે? એ જોયું ત્યારે જાણવા મળ્યું કે આ એક એવો રોગ છે જેના કોઈ જ લક્ષણો દેખાતા નથી. આપણને જો તાવ આવે તો આપણે દવા લેવા જઈએ પણ જો મને કંઈ થયું જ ન હોય આપણે કેવી રીતે કોઈ ડોક્ટર પાસે જવું?
તેમના મતે WHOની ગાઈડલાઈન પ્રમાણે બે વસ્તુ નિયમિત રીતે ફોલો કરવી જોઈએ. જેમાં એક રેગ્યુલર સ્ક્રિનિંગ થવું જોઈએ અને બીજું તે ન થાય એ માટે વેક્સિનેશન કરાવવું જરૂરી છે. જો આટલું કરવામાં આવે તો જ જીવલેણ રોગોથી આપણે બચી શકીએ છીએ. એક વાત એ પણ છે કે આપણે ત્યાં આ બાબતે લોકોમાં જાગૃતિ પણ ઓછી છે એટલે જાગૃતિના ભાગરૂપે રેગ્યુલર સ્ક્રિનિંગ કરાવવું જોઈએ.
હાલમાં 2 રીતે ટેસ્ટ થાય છે હાલમાં સર્વાઇકલ કેન્સરના થતાં ટેસ્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, હાલમાં સર્વાઈકલ કેન્સરના ટેસ્ટ બે રીતે થઈ રહ્યાં છે. જેમાં પેપ્સમિયર ટેસ્ટ જે સૌથી જૂનો અને જાણીતો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહેવાય છે. તેના માટે ક્યારેય કોઈને કંઈ પ્રોબ્લેમ હોતો જ નથી. આ ટેસ્ટની સેન્સીટીવિટી ઓછી છે એ બધાને ખબર છે. તેમાં 50 થી 60 કેસમાં એવું થાય કે રિપોર્ટ સાચો છે કે ખોટો એ ગ્રે એરિયામાં પરિણામ મળે. તેમાં ડોક્ટરના અનુભવ પર આધાર છે કે તેનું ઈન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું એટલે એ ઘણા ખરા અંશે સબ્જેક્ટિવ થઈ જતું હતું.
બન્ને ટેસ્ટની પોતાની મર્યાદાઓ હતી તેમણે આગળ જણાવ્યું કે, એ પછી બીજો એક ટેસ્ટ આવ્યો HPV ડીએનએ ટેસ્ટ. આપણે એવું જાણીએ છીએ કે સર્વાઈકલ કેન્સર છે જે HPVને કારણે થાય છે. આ વાઈરસના કદાચ 180થી વધુ પ્રકાર છે જેમાંથી 14 જેટલા કેન્સરજન્ય HPV વાઈરસ છે. બાકીના વાઈરસ છે જે શરીરની અંદર હોય છે તેનાથી કદાચ મસા જેવી તકલીફ થાય પણ કેન્સર જેવી ગંભીર બીમારી ન થાય.
તેમણે કહ્યું કે, બન્ને ટેસ્ટમાં કેટલીક મર્યાદાઓ આવતી હતી. એક ટેસ્ટ છે જેમાં નિદાનની ચોકસાઇ ખૂબ જ ઓછી છે. બીજો ટેસ્ટ એવો છે કે જે કહે છે કે આમાં વાઈરસ છે પણ તે વાઈરસથી કેન્સર થાય છે કે નહીં એ ચોક્કસપણે ખબર પડી શકતી નથી. જ્યારે ડીએનએ પ્લોયડી ટેસ્ટની વાત કરીએ તો તેમાં 100 સ્પેસીફીસિટી અને 98 ટકા સેન્સીટીવિટી સાથે દર્શાવે છે કે આ દર્દીમાં કેન્સર છે કે નથી. જો કોઈ રિપોર્ટ ચોકસાઇથી દર્શાવી શકે ત્યારે તેનું નિદાન પણ ચોક્કસ જ થાય છે.
2027 સુધીમાં 100 લેબ શરૂ કરવાનું આયોજન લોકો સુધી વધુ માહિતી પહોંચે તે માટેના પ્રયત્નો અંગે તેમણે જણાવ્યું કે, હાલમાં આ અંગે વધુ લોકો સુધી માહિતી પહોંચે એ માટે અમે ગાયનેકોલોજિસ્ટની જે પણ કોન્ફરન્સ થઈ રહી છે તેમાં ભાગ લઇ રહ્યા છીએ. અમારા મિશનમાં ઘણા લીડિંગ ગાયનેકોલોજિસ્ટ ઓન્કોલોજિસ્ટ છે જે અમારા એડવાઈઝરી બોર્ડ મેમ્બર તરીકે અમારી સાથે સંકળાયેલા છે અને અમને માર્ગદર્શન આપી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, દર્દી સુધી પહોંચવા માટે અમે અલગ-અલગ એક્ટીવિટી કરીને પ્રયત્નો કરી રહ્યા છીએ. હાલમાં અમદાવાદ અને વડોદરાની લેબ કાર્યરત છે. આવનારા દિવસોમાં મુંબઈ સહિત મેટ્રો સિટીમાં લેબ શરૂ કરવાના છીએ. 2027 સુધીમાં દેશમાં 100 લેબ શરૂ થાય તેવો પ્રયત્ન કરવાના છીએ. આવનારા દિવસોમાં સરકારનો સંપર્ક કરીને પીપીપી મોડલ પર આ ટેસ્ટ કાર્યરત થાય તેવો પણ પ્રયત્ન કરવાના છીએ.
આ ટેસ્ટ વિશે વધુ જાણવા દિવ્ય ભાસ્કરે છેલ્લા 27 વર્ષથી ગાયનેક કેન્સર સ્પેશિયાલિસ્ટ,પ્રિવેન્ટીંગ ઓન્કોલોજિસ્ટ અને GCRIમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે રહી ચૂકેલા ડૉ.અંજના ચૌહાણ સાથે વાતચીત કરી હતી.
આ રોગથી બચવું શક્ય છેઃ ડૉ.અંજના ચૌહાણ ડૉ.અંજના ચૌહાણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, સર્વાઈકલ કેન્સર એ એક ખતરનાક રોગ છે. આ રોગ એક સામાન્ય ઈન્ફેક્શનથી થાય છે જેની સ્ત્રીઓને ખબર હોતી નથી. આનું નાની ઉંમરે ઈન્ફેક્શન થાય અને મોટી ઉંમરમાં તે સ્ત્રીમાં કેન્સર ડિટેક્ટ થાય છે. જ્યારે આ વિશે માહિતી મળે છે ત્યારે તેનો ત્રીજો સ્ટેજ આવી જતો હોય છે. આવા કિસ્સામાં પીડિતને બચાવવા માટે આપણી પાસે ખૂબ જ ઓછી સુવિધા હોય છે. પણ જો આ રોગમાં ક્યોર કરવામાં આવે તો તેનાથી બચાવી શકાય છે.
2-3 વર્ષ અગાઉ કેન્સરની જાણ થઇ જાય છે તેઓ જણાવે છે કે, હાલમાં જે ડીએનએ પ્લોયડી ટેસ્ટ આવ્યો છે તેમાં ગર્ભાશયના મુખ પર જે કોષ હોય છે તેમાં જે કેન્સરના ચેન્જિસ થાય છે એ પકડે છે. જેથી તેમાં વહેલું નિદાન થાય છે. જો આવનારા બે કે ત્રણ વર્ષ પછી પણ જો કેન્સર થવાનું હોય તો તેની જાણ થઈ શકે છે. વિદેશમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટનમાં આ ટેસ્ટ લગભગ છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યો છે. ત્યાં આ ટેસ્ટ થી જ કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.
તેમણે કહ્યું કે, હું એક કેન્સર સ્પેશિયાલિસ્ટ છું, નિદાન માટે આવતી બહેનોના ગર્ભાશયનું મુખ જ્યારે જોઉં છું ત્યારે પણ તે એકદમ નોર્મલ લાગે છે. કેમ કે તે નરી આંખે નથી દેખાતું. પણ આ જે ટેસ્ટ છે તે AI બેઝ્ડ છે એટલે હાઈ પાવર સાથે સેલની અંદરના ક્રોમોઝોમમાં આવતા ચેન્જિસને પકડે છે.
દર 3 વર્ષે રેગ્યુલર ટેસ્ટ કરાવવો જોઇએ ઇન્ફેક્શનથી કેવી રીતે બચી શકાય તેના વિશે તેમણે કહ્યું કે, HPV ઈન્ફેક્શન શરદી જેવું છે. જે દુનિયાના બધા જ સ્ત્રી પુરુષમાં થવાનું જ છે. પણ તેના પ્રિકોશન માટે પર્સનલ હાઈજીન, સરકારે નક્કી કરેલી ઉંમર બાદ લગ્ન કરવા જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બચી શકાય છે. આ ટેસ્ટ એક વાર કરાવવાથી પૂરૂં નથી થતું પરંતુ દર 3 વર્ષે રેગ્યુલર આ ટેસ્ટ કરાવવો જોઈએ. સાથે જ સરકાર દ્વારા જે વેક્સિન આપવામાં આવે તે પણ લેવી જ જોઈએ. બીજું કે જો તમે 15 વર્ષ સુધી આ ટેસ્ટ કરાવ્યો હોય અને રેગ્યુલર રીતે કરાવતા હોય તો સર્વાઈકલ કેન્સર થવાના ચાન્સ ઝીરો છે.
આ ટેસ્ટમાં ચોકસાઇ વધુ છે અત્યાર સુધી આપણે ત્યાં ટેસ્ટ અવેલેબલ છે તો પછી આ ટેક્નોલોજીથી ટેસ્ટ કરવાની જરૂરિયાત કેમ ઉદ્ભવીએ તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે, હાલમાં પેસ્પમેયર અને HPV ટેસ્ટ આપણે ત્યાં થાય છે. જેમ સંશોધન થાય અને નવી વસ્તુઓ આવે છે તેમ આ ટેસ્ટમાં પણ એવું છે તે એબનોર્મલ સેલને ડિટેક્ટ કરે છે. આ ટેસ્ટની સ્યોરિટી વધારે છે.
તેમણે કહ્યું, ભારતમાં દર વર્ષે 1 લાખ 25 હજાર કરતાં પણ વધુ સર્વાઈકલ કેન્સરના કેસ નોંધાય છે. જે પૈકી 80 હજાર મહિલાઓનું આ કેન્સરથી મૃત્યુ થાય છે. આટલા ઊંચા મૃત્યુદરનું કારણ એ છે કે અર્લી સ્ટેજમાં તેની ખબર પડી શકતી નથી. ખબર પડે છે ત્યારે બીજા કે ત્રીજા સ્ટેજનું કેન્સર હોય છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે.
સર્વાઇકલ કેન્સર અંગે દેશમાં ઓછી જાગૃતિ સર્વાઇકલ કેન્સર અંગે ઓછી જાગૃતિ હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, સર્વાઈકલ કેન્સર અંગે મહિલાઓ ખુલીને વાત નથી કરતી. આજની યુવા પેઢી આ વિશે વાત કરે છે પણ હાલમાં જોઈએ તો આ અંગે આપણે ત્યાં જાગૃતિ ખૂબ જ ઓછી છે. લોકોને એવું જ છે કે આ રોગ અમને ના થાય. કેન્સરનું નામ જ્યારે આવે ત્યારે લોકો ડરતાં હોય છે. અમારે ત્યાં પણ જે દર્દીઓ આવે છે એમાં 30-40માંથી માત્ર એક કે બે ટેસ્ટ કરાવતા હોય છે.