દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કો
.
IPLની VVIP ટિકિટ જોઇશે કહીંને અધિકારીએ PIને વર્ધી આપી
અમદાવાદ શહેરમાં IPL મેચ રમાઈ અને તેમાં પણ ટિકિટ માટે સામાન્ય લોકો ભલે પડાપડી કરતા હોય પરંતુ અમદાવાદના એક અધિકારી એવા છે કે, જેઓ દર વખતે મેચ પહેલાં કેટલાક ખાસ પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરીને કહે છે કે, મારા નજીકના લોકોને ટિકિટ જોશે. આ માટે જે કરવું હોય એ કરો પણ ટિકિટની વ્યવસ્થા કરી આપવી પડશે. એટલું જ નહીં આ ટોન સામાન્ય વાતચીતનો હોતો નથી, પરંતુ ખાસ કરીને હુકમના અંદાજમાં આપવામાં આવતો હોય છે, કારણ કે જે અધિકારી દ્વારા ટિકિટની માગણી કરવામાં આવે છે. તે હાલ અમદાવાદ શહેરના મહત્વની જગ્યા પર ફરજ બજાવે છે. હવે એવી વાત પણ સામે આવી છે કે, તેઓ જે જગ્યાએ ફરજ બજાવે છે ત્યાં ટિકિટની કોઈ કમી ન હોવા છતાં બીજાના ખભે કંઈ પણ થાય તેમ માનતા અધિકારી હવે ફરી વિવાદોમાં આવ્યા હોય તેવી ચર્ચાઓ ઊભી થઈ છે.
ટપોરીમાંથી બિલ્ડર બનેલા ગુનેગાર માનીતા અધિકારીને મળવા પહોચ્યા
એક સમયે અમદાવાદની એક એજન્સીમાં સવારથી સાંજ બાતમીદારોની લાઈન લાગતી હતી. અધિકારીઓને મળવા માટે આ એજન્સીના પગથિયા ઘસી નાખ્યા હતા પણ તે સમયે અધિકારીઓ ગુનેગારોને કંઈ રીતે કંટ્રોલમાં રાખવા તેને લઇને એક્ટિવ હતા. અને તેમને તે કરતા પણ આવડતું હતું. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડીક અલગ છે. હવે જૂના અધિકારીઓ તે જગ્યાએ નથી અને કેટલાક અધિકારીઓ પોતાની ઉપર કોઈનું વર્ચસ્વ નથી અથવા કોઇનું ધ્યાન નથી એવું માનીને બેઠા છે. એક સમયે જુહાપુરામાં ટપોરી ગીરી કરતો એક ગુનેગાર હવે બિલ્ડર બની ગયો છે અને થોડા રૂપિયા આવ્યા બાદ તે આ એજન્સીના અધિકારીઓની નજીકનો માણસ બની ગયો છે. એટલું જ નહીં અધિકારીના માણસો પણ આ ગુનેગારોના ખાસ છે એટલે હવે આ ગુનેગાર ગમે ત્યારે આ અધિકારીને મળવા એજન્સી પર આવી જાય છે. તેવું એજન્સીના ખુદ કર્મચારીઓ કહે છે અને એવું પણ કહે છે કે, એક સમયે આ ટપોરીની કોઈ ઓકાત ન હતી તે હવે અમારા અધિકારીઓ સાથે ઠઠ્ઠા મશક્રી કરે છે.
પોલીસ કર્મચારી ગુનેગારો સાથે મળીને રાજકીય પક્ષની રેલીમાં જોડાઈ ગયા
તાજેતરમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં પહેલાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ગુનેગારો એક્ટિવ થયા હતા અને તેમાં પણ એક પોલીસ કર્મચારી ગુનેગાર સાથે મળીને અલગ અલગ પ્રક્રિયામાં લાગી ગયા હતા. એટલું જ નહીં એક સમયે તો આ પોલીસ કર્મચારી અને ગુનેગારો સાથે બોલવાના પણ સંબંધ નહતા તે એક રાજકીય પક્ષ માટે ભેગા થયા અને મતદાન માટે અને મતદાન પૂર્વેની મિટિંગ યોજી હતી. આ પહેલાં તેમણે અમદાવાદના કેટલાક કુખ્યાત ગુનેગારો સાથે મિટિંગ પણ યોજી લીધી હતી. એટલું જ નહીં ક્યાંક મિટિંગની કોઈ વ્યવસ્થા સફળ થઈ નહીં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, જે વિસ્તારમાં ગુનેગારો બાહેંધરી આપી હતી ત્યાં મતદાન ના આંકડા કંઈક અલગ કહી રહ્યા છે તેવી વિગતો સામે આવી રહી છે.
સિંધુભવન રોડ પર ઐયાશીની પાર્ટી યોજાતા પોલીસે દરોડા પાડ્યા છતાં ખાલી હાથે પછી ફરી
અમદાવાદના શેહરના સિંધુભવન રોડ પર એક હાઈરાઇઝ બિલ્ડિંગના 20મા માળે એક ઐયાશીની પાર્ટીનું આયોજન થયું હતું. સાંજે બિલ્ડિંગના 20મા માળે ધીમે ધીમે લોકો ભેગા થવા લાગ્યા હતા. આ પાર્ટીની અંદર માત્ર ટેગ લગાવનાર અને અગાઉથી જેમનું નામ હતું તેમને જ એન્ટ્રી આપવામાં આવી હતી. તેમાં જાણીતા યુટ્યૂબર અને ગુજરાત બહારની યુવતીઓ પણ હતી. ધીમે ધીમે પાર્ટીની શરૂઆત થઈ અને પાર્ટીમાં પ્લાસ્ટિકની બોટલોમાં દારૂ પીરસવામાં આવ્યો અને ત્યાં એક શંકાસ્પદ સિગારેટ પણ હતી. ધીમે ધીમે આ વાતની જાણ એજન્સીને થઈ અને એજન્સીના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેઓ ઉપર જાય તે પહેલાં જ નીચેથી કોઈ સિક્યુરિટી ગાર્ડે પાર્ટીને જાણ કરી દીધી અને પોલીસ ત્યાં પહોંચે એટલે ગણ્યાગાંઠ્યા લોકો જ હતા તેમને પણ જવા દીધા હતા. એટલું જ નહીં લિફ્ટમાં ઉતરતા ઉતરતા તેમણે પાર્ટીના આયોજકને ફોન કરી લીધો અને નંબર એક્સચેન્જ કરી લીધો હોવાની પણ ચર્ચા છે. વાત એવી પણ ચર્ચામાં છે કે, આ પાર્ટીની અંદર થોડો સમય જો વધુ ચાલી હોય તો રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જગ્યાએથી એક શંકાસ્પદ બેગ લઇને એક યુવતી પોતાની અદાઓથી લોકોને ભરમાવતી જતી રહી હતી. આ પાર્ટીના આયોજકની સાથે પોલીસ સાથે કનેક્શન ધરાવતા લોકો હોવાની પણ શેખી મારતા લોકો હતા.
અમદાવાદ પોલીસમાં ઇન્ડિસિપ્લિન જરાય નહીં ચાલે પછી એ કોઇ પણ હોય
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે ખૂબ જ કડક હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. એટલું જ નહીં તેમણે થોડા સમય પહેલાં એક પોલીસ ઇન્સ્પેક્ટરને એસીપી સાથે અલગ રીતે વાત કરવાના સંદર્ભમાં તેમની બદનામીની સાથે અમદાવાદ પોલીસની પણ બદનામી કરી હતી. જેથી તે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા. આ વખતે ફરી એકવ વખત અમદાવાદના બે પીએસઆઇ ડિસિપ્લિન બોલીને જાહેરમાં તેમના સિનિયર બાબતે આક્ષેપ કરી રહ્યા હતા અને આ વખતે પણ ડિસિપ્લિન એક્શન લેવા માટે પોલીસ કમિશનરે તાત્કાલિક બંને પીએસઆઇની બદલી કરી નાખી છે. હવે મહત્વની બાબત એ છે કે, અમદાવાદ પોલીસમાં કામગીરી ગમે તેવી હશે પરંતુ ઇન્ડિસિપ્લિન જરા પણ નહીં ચાલે તેવું શહેર પોલીસ કમિશનરે નિર્ણય લઇને દરેકને સમજાવી દીધું છે.
ઇસનપુર જીમખાના રેડ બાદ પણ સ્થાનિક પોલીસ સામે કોઈ એક્શન ન લેવાયા
અમદાવાદ શહેરમાં ચાલતા સૌથી મોટા જુગારના ક્લબ ઉપર પોલીસે રેડ કરી હતી. ઇસનપુર વિસ્તારમાં જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ પર રેડ થયા બાદ લાખો રૂપિયાની રોકડ અને અન્ય વસ્તુઓ મળી આવી તી. હવે વાત એવી હતી કે, આટલી મોટી જુગારની રેડ બાદ આ વિસ્તારના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને કેટલાક જવાબદાર કર્મચારીઓ સામે તાત્કાલિક એક્શન લેવાશે, પરંતુ આવું કંઈ થયું નહીં. કારણ કે, હજી ઇન્કવાયરીના નામે તપાસ ચાલી રહી છે અને કેટલાક લોકોને રાહતનો શ્વાસ લેવાઈ ગયો છે કે, હવે કદાચ કશું નહીં થાય. બીજી તરફ આ કેસની તપાસ કરતા એજન્સીને જુગારના ચોક્કસ પુરાવા મળ્યા છે અને તેઓ રિપોર્ટમાં જવાબદાર પોલીસ કર્મચારીઓના નામ ચોક્કસ લાગશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. એટલે કદાચ સ્થાનિક પોલીસની આ રાહત થોડાક સમય માટેની જ હશે અને કેટલાક જવાબદાર પોલીસ કર્મચારીઓ પણ ભલે હાલ રાહત મેળવતા પણ તેઓ પણ આ ચક્રવ્યૂમાં ફસાવવાની તૈયારીમાં છે.