(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
રાજકીય ડોનેશન્સ બતાવીને આવકવેરામાં ખોટી રીતે બાદ લેનારાઓને આવકવેરા ખાતાએ ગુજરાત સહિત દેશભરમાં નોટિસો પાઠવવા માંડી છે. આ કરદાતાઓએ આવકવેરા ધારાની કલમ ૮૦જીજીસી હેઠળ પોલીટિકલ ડોનેશનની રકમ બાદ લીધી હોવાથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં કરદાતાના રિટર્નમાં કોઈ અનિયમિતતા રહી ગઈ હોય તો તે અનિયમિતતા ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીમાં સુધારી લેવા જણાવવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ આકારણી વર્ષના રિટર્નમાં પોલિટિકલ ડોનેશન બાદ લીધું હોય તેવા કરદાતાઓને આ નોટિસ આપવામાં આવી છે.
કરદાતાઓએ તેમના રિટર્નમાં રૃ.૧.૫૦ લાખ, રૃ. ૫ લાખ, ૧૦ લાખ કે તેનાથી વધુ રકમના પોલિટીકલ ડોનેશન આપીને તે રકમ આવકવેરામાંથી બાદ લીધી છે. તેથી કરદાતાઓને નોટિસ આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ૯૦,૦૦૦થી વધુ કરદાતાઓએ તેમના રિટર્નમાંથી પોલિટીકલ ડોનેશનનો લાભ જતો કરીને તેના પર ભરવાપાત્ર વેરો જમા કરાવી દીધો છે. આ રીતે તેમણે અંદાજે રૃ. ૧૦૭૫ કરોડના રાજકીય ડોનેશનો રદ કરાવ્યા છે.
આવકવેરા ખાતાની નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે તમે આવકવેરા ધારાની કલમ ૮૦ જીજીસી હેઠળ રાજકીય ડોનેશનની રકમ બાદ લીધી હોય તો તમારું રિટર્ન ચોકસાઈ પૂર્ણ અને કાયદેસરનું છે કે નહિ તેની ચકાસણી કરી લેજો.
આવકવેરાના જાણકાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરણ શાહનું કહેવું છે કે આવકવેરાના રિટર્નમાં પોલિટીકલ ડોનેશન બતાવીને તે આવકમાંથી બાદ મેળવવા માટેનો ક્લેઈમ મૂકનારા કરદાતાઓના રિટર્નની ચકાસણી વધુ ચુસ્ત રીતે કરવામાં આવી રહી હોવાનો નિર્દેશ ઉપરોક્ત નોટિસો પરથી મળી રહ્યો છે.
ત્રણેક વર્ષ પહેલા ગુજરાતમાં પોલિટીકલ ડોનેશન આપીને રિટર્નમાં ડોનેશનની રકમ બાદ મેળવનારા સંખ્યાબંધ કરદાતાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા અને તેમને નોટિસો પણ આપવામાં આવી છે. આકારણી વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના વર્ષના રિટર્ન પર આવકવેરા અધિકારીઓ બારીક નજર રાખીને બેઠાં છે. તેને જ્યાં જ્યાં તેમને થોડી સરખી પણ અનિયમિતતાનો અંદેશો લાગે તેમને નોટિસો પાઠવવા માંડી છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં નોટિસો આપવામાં આવી છે.
આવકવેરા ધારાની કલમ ૧૩૯(૮એ) કરવામાં આવેલી જોગવાઈ મુજબ કરદાતા તેમનું રિટર્ન સુધારી શકે છે. તેઓ સુધારેલું રિટર્ન ફાઈલ કરી શકે છે. આ રિટર્ન સુધારીને ક્લેઈમ કરેલા રાજકીય ડોનેશનની રકમ પર ભરવા પાત્ર થતો વેરો ભરી શકાય છે. આકારણી વર્ષ પૂરું થયાના બે વર્ષના ગાળામાં આ સુધારો કરી શકાય છે.