અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ, આર.સી. કોલેજ ઓફ કોમર્સે એક અનોખી પહેલ કરી છે. કોલેજની વિદ્યાર્થી પ્રતિનિધિ સભા અને ‘આપણી ધરોહર’ એનજીઓના સહયોગથી 29 માર્ચ, 2025ના રોજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું.
.
આ વોકની શરૂઆત 200 વર્ષ જૂના કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી થઈ. વોકમાં 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ ગુજરાતી સાહિત્યના દિગ્ગજો દલપતરામ અને અખા ભગતના નિવાસસ્થાન અને હવેલીની મુલાકાત લીધી. આ મહાન સાહિત્યકારોના જીવન અને યોગદાન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી.
આપણી ધરોહરના સ્વયંસેવકો ધ્રુવ અને અમને વિદ્યાર્થીઓને અમદાવાદની પોળોની વિશિષ્ટતાઓ સમજાવી. તેમણે પોળોની રહેણીકરણી, સ્થાપત્ય અને મકાન બાંધકામની શૈલી વિશે વિસ્તૃત માહિતી આપી. ખાડિયાની હવેલીઓ અને માણેકચોક સ્થિત બાબા માણેકનાથની સમાધિની મુલાકાત દરમિયાન અમદાવાદના ઇતિહાસની રસપ્રદ માહિતી આપવામાં આવી.

કોલેજના પ્રોફેસર ડૉ. પરિમલ ઉપાધ્યાય અને ડૉ. પાર્થ ભટ્ટે શહેરની પ્રાચીન નગર રચના અને સ્થાપત્યો વિશે વિસ્તૃત માહિતી આપી. કોલેજના આચાર્ય ડૉ. સાગર દવેએ પણ વોકમાં જોડાઈને વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વારસો જાળવવા પ્રેરણા આપી. આ હેરિટેજ વોકનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અમદાવાદના ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના જગાડવાનો હતો.












