સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંહતિ, સરસાણા ખાતે ‘સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટ’ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
.
ફલાઇંગફોકસ લિડરશિપ ઓપ્ટીમાના ડિરેકટર સુશ્રી ભારતી મારૂએ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટને દરેક પ્રોજેકટની સફળતા માટે આવશ્યક ગણાવ્યું.
ભારતી મારૂએ સ્ટેકહોલ્ડર્સની વ્યાખ્યા આપતા જણાવ્યું કે તેમાં સરકાર, ગ્રાહકો, સપ્લાયર્સ, લેન્ડર્સ, ડિરેકટર્સ, કર્મચારીઓ અને શેરહોલ્ડર્સનો સમાવેશ થાય છે. તેમણે સ્ટેકહોલ્ડર્સને ગ્રાહકોના ઈનપુટ મેળવવા, બજારની માંગ સમજવા અને ટેકનોલોજી અપગ્રેડેશન સ્વીકારવા પર ભાર મૂક્યો.
વર્કશોપમાં સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટના પાંચ મુખ્ય લાભો વિશે માહિતી આપવામાં આવી. આમાં વિશ્વાસ નિર્માણ, મજબૂત સંબંધો, બેહતર કોમ્યુનિકેશન, નિર્ણય શક્તિમાં વધારો અને જોખમ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.
મારૂએ જણાવ્યું કે હિતધારકો સાથેના મજબૂત સંબંધો વ્યવસાય માટે લાભદાયી છે. પારદર્શિતા અને સાચી માહિતી વિશ્વાસ નિર્માણમાં મદદરૂપ બને છે. સ્ટ્રેટેજિક ભાગીદારી થકી વ્યવસાયમાં સફળતા મેળવી શકાય છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, ગૃપ ચેરમેન બિજલ જરીવાલા અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની સ્કીલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ચિરાગ દેસાઇએ કાર્યક્રમની રૂપરેખા આપી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જ્યારે કો–ચેરમેન ડો. વિજય રાદડીયાએ વકતાનો પરિચય આપ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિતોના વિવિધ સવાલોના વકતાએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.