રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હવે અહીં જીવનરક્ષક દવાઓ અને ઇન્જેક્શનની અછત હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે ઇન્જેક્શન, ડાયાબિટીસનાં ઇન્જેક્શન તેમજ હડકવાની રસીની અછત
.
વારંવાર રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાતા નથી મહિલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ગાયત્રીબા વાઘેલાએ આ અંગે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનો વહીવટ હાલ કથળી ગયો છે. જે અંગે વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ ચોક્કસ પગલાં લેવાતા નથી. હાલમાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે ઇન્જેક્શન, ડાયાબિટીસના ઇન્જેક્શન તેમજ હડકવાની રસીની પણ અછત હોવાને કારણે અનેક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં લાગેલી આગ સમયે પણ ફાયર સિસ્ટમ કામ કરતી નહોતી. ત્યારે આ લાખો રૂપિયાનાં ખર્ચે ખરીદવામાં આવેલા સાધનોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓ સિવિલ હોસ્પિટલ ઘરની પેઢી હોય તેમ ચલાવી રહ્યા છે.
ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ છે, કેમ કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને સાંસદો જ્યારે અહીં આવે છે પણ કોઈ ચોક્કસ પગલાં લેવાતા નથી. જેને લઈને મેડિકલ માફિયાઓનું રાજ હોય તેવુ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો આવે છે. પરંતુ તેમને સારી સુવિધા તંત્ર આપતું નથી. તાજેતરમાં આરોગ્ય અધિકારીની મુલાકાત સમયે મેડિકલ સ્ટોરનો કોન્ટ્રાકટ લાંબા સમયથી એક વ્યક્તિ પાસે હોવાનું ખુલ્યું હતું. છતાં આજ સુધી આ મામલે ટેન્ડર સહિતની જરૂરી પ્રક્રિયા કરવામાં આવી નથી. આ તમામ મુદ્દે સિવિલ અધિક્ષકને ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. અને જો ત્વરિત પગલાં નહીં લેવાય તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.
સિવિલ અધિક્ષક દ્વારા લુલો બચાવ કરવામાં આવ્યો સમગ્ર મામલે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયા દ્વારા જણાવાયું હતું કે, થેલેસેમિયા સહિતની કોઈપણ દવાની અછત હોવા અંગેની રજૂઆતો મને મળી નથી. આ પછી જવાબદાર અધિકારીને બોલાવી તેમની સાથે વાત કર્યા બાદ થેલેસેમિયાનાં ઇન્જેક્શન નહીં હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઇન્જેક્શન સપ્લાય કરનારી કંપનીનાં મેનેજર સાથે વાત થઈ છે. અને ટૂંક સમયમાં તેઓ અમને થોડો જથ્થો આપશે. જોકે તેની સામે એક ટેબ્લેટ આપવામાં આવે છે. પણ તે બધા દર્દીઓને માફક આવતી નથી. જોકે કંપનીમાંથી શોર્ટ સપ્લાય હોય તેમાં અમે કઈ કરી શકીએ નહીં. આમ સિવિલ અધિક્ષક દ્વારા ગોળ-ગોળ જવાબ આપી લુલો બચાવ કરવામાં આવ્યો હતો.
દર્દીઓની મુશ્કેલી ખરેખર ક્યારે દૂર થશે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં થેલેસેમિયાનાં દર્દીઓને દવાઓ નહીં મળતી હોવાનો મુદ્દો દિવ્ય ભાસ્કર દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં ઇન્જેક્શન છેલ્લા એક વર્ષથી નહીં મળતા હોવાનો આરોપ દર્દીઓએ લગાવ્યો હતો. ત્યારે એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડાએ પણ કંપની સાથે વાત કરી ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આજે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયા દ્વારા પણ આવી જ ખાતરી આપવામાં આવી છે. ત્યારે દર્દીઓની મુશ્કેલી ખરેખર ક્યારે દૂર થશે તે આવનારો સમય જ બતાવશે.