સોનાના સ્મગલિંગના કિસ્સા તો તમે છાશવારે વાંચતા જ હશો પરંતુ હવે તો ભારતમાં સોપારીનું પણ સ્મગલિંગ થઇ રહ્યું છે. દેશમાં સોપારીની જરૂરિયાતની સામે ઉત્પાદન ઓછું થાય છે. જેના કારણે સોપારીની માંગને પહોંચી વળવા સાઉથ એશિયાના દેશોમાંથી સોપારી ભારતમાં ઘૂસાડાઇ રહ
.
હજુ ગુરૂવારે જ કચ્છના મુંદ્રા બંદરેથી દિલ્હી જતાં 3 કન્ટેનરમાંથી અઢી કરોડની કિંમતની 35 ટન ગેરકાયદેસર સોપારી જપ્ત કરાઇ છે. આ કન્ટેનર્સ દુબઇથી મુંદ્રા બંદરે આવ્યા હતા. પ્રોસેસ ઓઇલની આડમાં આ સોપારીનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડાયો હતો. આ પહેલાં પણ ગુજરાતના દરિયા કાંઠેથી સોપારીની દાણચોરીના ઘણા કિસ્સા સામે આવ્યા છે.
ભારતમાં સોપારીનો મોટાભાગનો હિસ્સો પાન મસાલા અને ગુટખા પાછળ વપરાય છે. ગુજરાતમાં પણ પાન મસાલા ખાવાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે સોપારીની ડિમાન્ડ વધુ રહે છે. દિવ્ય ભાસ્કરના આજના ખાસ રિપોર્ટમાં વાંચો કે કયા-કયા દેશમાંથી ભારતમાં સોપારીનું સ્મગલિંગ થાય છે? અન્ય દેશોમાં અને ભારતમાં સોપારીના ભાવમાં શું ફેર છે? ભારતમાં સોપારીની વાર્ષિક માંગ કેટલી છે અને ઉત્પાદન કેટલું છે?
દેશમાં સોપારીની વાર્ષિક ખપત કેટલી છે? દુનિયામાં સોપારીના સૌથી મોટા વપરાશકર્તા દેશમાંનો એક દેશ ભારત છે. આપણા દેશમાં દર વર્ષે અંદાજે 8 થી 9 લાખ મેટ્રિક ટન સોપારીની માંગ છે. જેમાંથી 50 ટકા સોપારી પાન મસાલા અને ગુટખા ઉદ્યોગમાં વપરાય છે. જ્યારે 30 ટકા સોપારી પરંપરાગત મીઠાઇઓ અને ખાદ્ય પદાર્થોમાં વપરાય છે. જેના કારણે ભારતમાં સોપારીની ખૂબ માંગ રહે છે. દેશમાં સોપારીનું જેટલું ઉત્પાદન થાય છે તે આ માંગ સામે અપૂરતું છે. જેથી અન્ય દેશોમાંથી ભારતમાં સોપારીનું સ્મગલિંગ થઇ રહ્યું છે.
ભારતમાં સોપારીના સ્મગલિંગનો રૂટ પહેલાં દુબઇમાંથી ભારતમાં ગેરકાયદે સોપારી ઘૂસાડાતી હતી પરંતુ હવે તો સાઉથ એશિયાના દેશો જેવા કે મ્યાનમાર, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડમાંથી પણ સોપારીને ગેરકાયેદસર રીતે ભારતમાં ઘૂસાડાય છે. આ માટે ભારતની નોર્થ-ઇસ્ટ સરહદનો ઉપયોગ થાય છે.
શા માટે સોપારીનું સ્મગલિંગ થાય છે? ભારતમાં સોપારીની દાણચોરી પાછળ 4 મુખ્ય કારણો છે.
1) ઊંચી ઇમ્પોર્ટ ડ્યુટી કેન્દ્ર સરકાર સોપારી પર ભારે ઇમ્પોર્ટ ડ્યુટી (આશરે 100 થી 150 ટકા) લગાવે છે. જેના કારણે વિદેશી સોપારીની કાયદેસર આયાત કરવી મોંઘું પડે છે. આ ડ્યુટીથી બચવા માટે ઘૂસણખોરી વધે છે.
2) ઓછું ઘરેલું ઉત્પાદન ભારતમાં સોપારીનું ઘરેલું ઉત્પાદન દેશમાં વધી રહેલી માંગને પહોંચી વળે તેટલું નથી. જેના કારણે વિદેશથી સોપારીની આયાત પર આધાર રાખવો પડે છે.
3) સસ્તી વિદેશી સોપારી મ્યાનમાર, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને શ્રીલંકામાં સસ્તા ભાવે સોપારી મળી રહે છે. સ્મગલિંગ કરીને આ સસ્તી સોપારી ભારતીય બજારમાં વેચવામાં આવે છે.
4) સરહદેથી સરળતાથી ઘૂસણખોરી ભારતના ઇશાન રાજ્યો જેવા કે મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના સરહદી વિસ્તારોમાંથી સરળતાથી આ સોપારીને ભારતમાં ઘૂસાડાય છે.
વિદેશમાં સસ્તી સોપારી મળે છે સાઉથ એશિયાના દેશોમાં સોપારીનો ભાવ ભારતની સરખામણીએ ખૂબ ઓછો છે. જેના કારણે ત્યાં નીચા ભાવે સોપારી ખરીદીને ભારતમાં ઊંચા ભાવે વેચી શકાય છે. હાલના સ્થાનિક બજારોના આંકડા પ્રમાણે મ્યાનમારમાં એક કિલો સોપારીનો ભાવ 281 રૂપિયાથી 664 રૂપિયા સુધીનો છે. થાઇલેન્ડમાં 254 રૂપિયાથી 467 રૂપિયાની વચ્ચેનો ભાવ છે. મે-2024માં થાઇલેન્ડમાં એક કિલો સોપારીનો ભાવ 43 રૂપિયા જેટલો નીચો પહોંચી ગયો હતો. જ્યારે ઇન્ડોનેશિયામાં એક કિલો સોપારીના ભાવ 668 રૂપિયાથી 835 રૂપિયાની વચ્ચે છે.
ભારતમાં સોપારીનો શું ભાવ હોય છે? ભારતમાં સોપારીનો ભાવ સમય સાથે બદલાતો રહે છે. વિવિધ ગુણવત્તા અને પ્રાંત પ્રમાણે સોપારીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. દેશમાં સામાન્ય રીતે સોપારીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 300 થી 800 રૂપિયા સુધીનો હોય છે.
ભારતમાં સોપારીના ભાવમાં ફેરફાર થાય છે ઉત્પાદન અને પુરવઠા, ઇમ્પોર્ટ ડ્યુટી, સરકારી નીતિઓ અને વાતાવરણમાં ફેરફારના કારણે આપણા દેશમાં સોપારીના ભાવમાં ફેરફાર થાય છે. ઉત્પાદનમાં ઘટાડો અથવા વધારો થવાથી ભાવ પર અસર પડે છે. ઉદાહરણ તરીકે, 2021માં સોપારીના પાક પર વિવિધ રોગોના પ્રકોપને કારણે ઉત્પાદન ઘટ્યું હતું.જેથી ભાવમાં વધારો થયો હતો. વાતાવરણમાં ફેરફાર, જેમ કે ઊંચા તાપમાન અથવા અતિ વરસાદ, સોપારીના ઉત્પાદનને અસર કરે છે, જેનાથી ભાવમાં ફેરફાર થાય છે. આ ઉપરાંત સોપારી પરની ઇમ્પોર્ટ ડ્યુટી અને સરકારની નીતિઓ પણ ભાવને પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે, મ્યાનમારથી ઘૂસણખોરી થતાં સોપારીની આયાતમાં વધારો થયો છે. જે સ્થાનિક બજારમાં ભાવને અસર કરે છે.
ભારતમાં સોપારીનું ઉત્પાદન કેટલું છે? ભારતમાં કર્ણાટક, કેરળ, આસામ અને પશ્વિમ બંગાળ સોપારીના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. વાર્ષિક ઉત્પાદન ફક્ત 7-8 લાખ મેટ્રિક ટન છે. સોપારીનું ઘરેલું ઉત્પાદન વપરાશ કરતાં ઓછું હોવાથી લગભગ 1-2 લાખ મેટ્રિક ટનની માંગને આયાત અથવા ઘૂસણખોરીથી પૂરવી પડે છે.
સોપારીના સ્મગલિંગથી થતું નુકસાન સોપારીના સ્મગલિંગથી સરકારને કસ્ટમ ડ્યુટીમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. સ્મગલિંગ કરાયેલી સોપારી ઘણીવાર નીચી ગુણવત્તાવાળી હોય છે જે આરોગ્ય માટે જોખમી બની જાય છે. વિદેશી સોપારીની ઘૂસણખોરી સ્થાનિક ખેડૂતો અને ઉદ્યોગોને બજારમાં સ્પર્ધામાં મુશ્કેલીઓ ઊભી કરે છે.
ભારતમાં સોપારીનો 3 પ્રકારે ઉપયોગ આપણા દેશમાં સોપારીને 3 પ્રકારે ઉપયોગમાં લેવાય છે. ઔષધિ બનાવવામાં, મીઠાઇ બનાવવામાં અને પાન મસાલામાં. પાન મસાલાની વાત કરીએ તો ગુજરાતમાં સોપારીનું ચલણ વધું છે. તેમાંય વળી સૌરાષ્ટ્રમાં તો સૌથી વધુ લોકો સોપારી ખાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પાન-મસાલામાં સોપારીનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
ભારતમાં સોપારીનો મોટો હિસ્સો પાન મસાલા માટે વપરાય છે
આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સેક્રેટરી અને ઇન્ડિયા ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ફેડરેશનના સેક્રેટરી હીરેન ગાંધી સાથે વાતચીત કરી હતી.
ભારતમાં 9 લાખ મેટ્રિક ટન સોપારીનો ઉપયોગ હીરેન ગાંધીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ગુજરાતમાં કેટલી સોપારી આવતી હશે તેનો ચોક્કસ આંકડો હું કહી ન શકું પણ ઇન્ડિયામાં સોપારીનો ઉપયોગ 9 લાખ મેટ્રિક ટન છે. તેની સામે ભારતમાં સોપારીનું ઉત્પાદન લગભગ 7.5 થી 8 લાખ મેટ્રિક ટનની આસપાસ છે એટલે તેના ઉપયોગની સામે ઉત્પાદનમાં તફાવત આવે છે.
70થી 80 ટકા સોપારી કર્ણાટકમાંથી આવે છે ભારતમાં સોપારીના ઉત્પાદન અને ઉપયોગ અંગે જણાવતા તેઓ કહે છે કે, જે સોપારીનું ભારતમાં ઉત્પાદન થાય છે તેમાંથી 20થી 25 ટકા ઉપયોગ મીઠાઇ અને આયુર્વેદ ઔષધિઓ અને ફૂડ પ્રોડ્કટમાં થાય છે. કર્ણાટકમાં કેમ્કો નામની એક સરકારી સંસ્થા છે. 70થી 80 ટકા સોપારી ત્યાંથી આવે છે. ક્વોલિટી પ્રમાણે જોઇએ તો કર્ણાટકની મેંગ્લોર સોપારી સારામાં સારી ગણાય છે. તે મોંઘી પણ હોય છે. એશિયન દેશો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાનના લોકો સોપારીનો ઉપયોગ કરે છે. સોપારીના ઉત્પાદન માટે વિશ્વમાં ભારત નંબર વન છે.
નોર્થ ઇસ્ટ સરહદેથી સોપારીનું સ્મગલિંગ થાય છે કયા દેશોમાંથી સોપારીની ઘૂસણખોરી થાય છે તેનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે, સોપારીના ઉત્પાદનમાં જે ઘટ પડે છે તે જથ્થો સાઉથ એશિયાના મ્યાનમાર, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરીને ગમે તે રસ્તે નોર્થ ઇસ્ટ સરહદ પરથી ભારતમાં ઘૂસાડવામાં આવે છે. ગુજરાતમાં પણ આવા કિસ્સા સાંભળ્યા છે. મીસ ડિકલેરેશન કરીને દુબઇથી કન્ટેનર ઇન્ડિયામાં પ્રવેશ કરે છે. આની પાછળનું મુખ્ય કારણ છે 100 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી. ઇમ્પોર્ટ ડ્યુટી વધારે હોવાના કારણે સોપારીનું સ્મગલિંગ થાય છે.
સોપારીનું સ્મગલિંગ કેવી રીતે થાય છે તેના વિશે તેઓ કહે છે કે, મેં ન્યૂઝ પેપરમાં વાંચ્યું હતું કે, મીસ ડિક્લેરેશન કરીને માલ લાવે છે. સર્ટિફિકેટ ઓફ ઓરિજીન એટલે કે તે માલ ક્યાંથી બનીને આવ્યો છે તેની ખબર પડે છે પણ સ્મગલિંગ માટે સર્ટિફિકેટ ઓફ ઓરિજીન બદલી નખાય છે. બોગસ પાર્ટી પાસેથી ઇમ્પુટ આઇઓસી નંબર લઇ લે. આ રીતે બધું કૌંભાડ ચાલે છે.
સ્મગલિંગની સોપારીથી આર્થિક અને શારીરિક નુકસાન સોપારીના સ્મગલિંગથી થતા નુકસાન વિશે તેઓ કહે છે કે, ઇમ્પોર્ટેડ સોપારી બે રીતે નુકસાન કરે છે. એક તો કસ્ટમ ડ્યુટીની ચોરી થતી હોવાથી આર્થિક રીતે નુકસાન છે અને તે સોપારીની ગુણવત્તા પણ હલકી હોય છે. જેનાથી દેશના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. ભારતમાં કેન્સરના કેસો ઝડપથી વધી રહ્યા છે. હલકી પ્રોડક્ટ વાપરવાના કારણે આવું હોઇ શકે તેવું મારું માનવું છે.
શંકાસ્પદ કન્ટેનરોનું વ્યવસ્થિત સ્કેનિંગ કરવાનું સરકારને સૂચન તેઓ જણાવે છે કે, સરકાર આમાં પ્રયત્નશીલ જ છે. જાગૃત નાગરિક તરીકે અમે પણ આવી ભલામણો કરતા હોઇએ છીએ. અમારું સરકારને સૂચન છે જેટલાં પણ કન્ટેનરો આવતાં હોય તેમાં શંકાસ્પદ કન્ટેનરોનું વ્યવસ્થિત સ્કેનિંગ કરવામાં આવે. ઇમિગ્રેશનના ગુનામાં આકરામાં આકરી સજા કરવામાં આવે. જો આવું થાય તો તેનાથી બે ફાયદા થશે. એક તો સરકારની આવક વધશે સાથોસાથ ડોમેસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રકચર પણ મજબૂત થશે.
ભારત કરતા વિદેશમાં સસ્તી સોપારી મળે છે
ડોમેસ્ટિક વેપારને પ્રોત્સાહન આપવાની માંગ સોપારીની ઘૂસણખોરી અટકાવવાની માંગ કરતા તેમણે કહ્યું કે, આવી દાણચોરી અટકવી જોઇએ અને ડોમેસ્ટિક વેપારને પ્રોત્સાહન મળવું જોઇએ. લોકોને સારી વસ્તુ મળવી જોઇએ. સરકારના પ્રયાસમાં અમે સરકાર સાથે ઊભા છીએ. એવું ધ્યાનમાં આવ્યું છે કે સ્મગલર કયો માલ છે તે વાત છૂપાવે છે પણ સરકાર પાસે પોર્ટ પર આધુનિક સાધનો આવી ગયા છે, આધુનિક સ્કેનર આવી ગયા છે. કન્ટેનરનો માલ સ્કેન થઇ જાય છે. વેઇટ આપોઆપ થઇ જાય. જો વેપારી માનતો હોય કે હું ચેન્નાઇથી ઇમ્પોર્ટ કરું, બીજીવાર કોલકાતાથી કે ત્રીજી વખત અન્ય કોઇ સ્થળેથી ઇમ્પોર્ટ કરૂં પણ સરકાર પાસે તેનો ડેટા આવી જાય છે. જેથી સરકારથી કોઇ છટકી શકે તેમ નથી. હાલ તેનું પ્રમાણ ઘટ્યું છે. અમારા એસોસિએશને સરકારને ભલામણ કરી છે કે નવી ટેકનોલોજી લાવીને ડોમેસ્ટિક પ્રોડકશનમાં એક-દોઢ લાખ મેટ્રિક ટનનો ઘટાડો છે તેને કેવી રીતે પૂરો કરી શકીએ.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આમાં તો ઘણાં લોકો હલકી ગુણવત્તાનો માલ લાવવાનું બંધ કરે છે એવું નથી કે સતત ચાલુ રાખે છે. ભારત આટલો મોટો દેશ છે તેમાં કોણ શું લાવે છે તે આપણે કેવી રીતે કહી શકીએ. સરકારના એક્શનની અસર દેખાય છે. અને ખોટી વસ્તુ આયાત ન થાય તે અંગે એક ડર છે. આ ડર કાયમ માટે રહે અને આપણાં દેશને સારી વસ્તુ ખાવા મળી રહે.
(ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સેક્રેટરી અને ઇન્ડિયા ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ફેડરેશનના સેક્રેટરી હીરેન ગાંધી સાથેની વાતચીતના આધારે અહીં વિવિધ આંકડાઓ રજૂ કર્યા છે)
આ પણ વાંચો દેશમાં સૌથી વધુ ગુજરાતીઓ ખાય છે સોપારી