સુરત મીની ભારત બની ગયું છે તેમ છતાં ઉતરાયણનો તહેવાર તો અસલ સુરતી સ્ટાઈલમાં જ ઉજવણી કરવામા આવે છે. જોકે, વર્ષ પહેલા સુરતમાં એક માત્ર સુરતી ઉંધીયુ ઉતરાયણમાં વેચાતું હતું પરંતુ સુરતમાં અનેક જિલ્લા અને અનેક પ્રાંતના લોકો વસવાટ કરતા હોય ઉતરાયણમાં ઉંધીયાનો તો ટ્રેન્ડ યથાવત રહ્યો છે પરંતુ શહેરના વિવિધ વિસ્તાર પ્રમાણે ઉતરાયણમાં અસલ સુરતી ઉંધીયા સાથે, કાઢીયાવાડી, જૈન, તીખા ઊંધીયામનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં અનેક જાતના ઉંધીયાનું વેચાણ થાય છે પરંતુ આજે પણ અસલ સુરતી ટેસ્ટનું ઉંધીયું લોકોની પહેલી પસંદ બની રહ્યું છે.
સુરત મીની ભારત બની રહ્યું છે અને સુરતના કેટલાક વિસ્તાર મીની સૌરાષ્ટર્ બની ગયાં છે. તેમ છતાં મોટા ભાગના તહેવાર તો અસલ સુરતી રંગે રંગાયા હોવાથી સુરતી સ્ટાઈલથી ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં ઉતરાયણનો તહેવાર આવે એટલે પતંગ ચગાવવા સાથે સાથે ખાણી પીણીનો પણ મહિમા છે. સુરતીઓ પતંગ ચગાવવા સાથે ઉતરાયણમાં ધાબા પાર્ટી કરતા હોય છે તેમાં મોટાભાગે ઉંધીયા પુરી અને જલેબીની જયાફત કરવામાં આવે છે. સુરતીઓ મોટા પ્રમાણમાં આ દિવસે ઉંધીયું ઝાપટી જતા હોય ઉંધીયાનું વેચાણ કરનારાઓને તડાકો થઈ રહ્યો છે. ઉત્તરાયણના દિવસોમાં ઉંધીયુ પુરીનો ધંધો તગડો હોવાથી બારેમાસ ઉંધીયાનું વેચાણ કરનારા સાથે સાથે કેટરીંગ વાળા, રસોઈયા અને સિઝનલ ધંધો કરનારા પણ આ ધંધામાં ઝંપલાવીને બે પૈસા કમાઈ રહ્યા છે.
365 દિવસ ઉંધીયાનું વેચાણ કરનારા ચૌટાબજારના રિધ્ધિશ ઠાકર કહે છે, અમારી પાંચમી પેઢી ઉંધીયાનું વેચાણ કરી રહી છે. આમ તો અમારે ત્યાં બારે માસ ઉંધીયાનું વેચાણ થાય છે પરંતુ ઉતરાયણના દિવસે મોટા પાયે ઉંધીયાનું વેચાણ થાય છે. અમારે ત્યાં અસલ સુરતી ટેસ્ટ ધરાવતું ઉંધીયું જેમાં કતારગામની પાપડી અને અન્ય સામગ્રી સાથે અમારી મોનો પોલી છે તેવા મેથીની ભાજીના મુઠીયા સાથે કેળા પણ હોય છે. અસલ સુરતી જે મીઠું ઉંધીયું હોય છે તેનો ટેસ્ટ આજે પણ અમે જાળવી રાખ્યો છે.
લગ્ન પ્રસંગમાં રસોઈ બનાવવાનું કામ કરતાં જશવંત ત્રિવેદી કહે છે, સુરતમાં અનેક રહેણાંક સોસાયટીમાં ઉતરાયણના દિવસે ધાબા પાર્ટી થાય છે અને તેમાં મોટાભાગે ઉંધીયુ પુરી નું મેનુ હોય છે. તેથી અમારે ત્યાં વર્ષોથી કેટલાક લોકો ઉત્તરાયણ માટે પહેલાથી જ ઓર્ડર આપી છે. નક્કી કરેલા સમયે ઉતરાયણના દિવસે ઉંધીયુ પુરી લઈ જાય છે. જે લોકો ઓર્ડર કરે છે તેઓ સુરતી ગ્રીન ઉંધીયાની ડિમાન્ડ કરે છે આ ઉંધીયામાં લીલું લસણ મહત્વનો ભાગ હોય છે.
સૌરાષ્ટ્રીયન વિસ્તાર એવા કતારગામ-ડભોલીમાં કેટરર્સ નું કામ કરતા ઉમંગ વરિયા કહે છે, અમારે ત્યાં સુરતી અને સૌરાષ્ટ્રીયન બન્ને વસતી છે તેથી અમે બન્ને પ્રકારના ઉંધીયાનું વેચાણ કરીએ છીએ. સુરતી ઉંધીયામાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે તે સામગ્રી સાથે સાથે સૌરાષ્ટ્રીયન ઉંધીયામાં ગવાર, ટીંડોળા, વટાણા, તુવેર, ગાજર સહિત અનેક શાકભાજીનો ઉમેરો કરવામાં આવે છે. અને લીલા મસાલાની જગ્યાએ લાલ મસાલાનો ઉપયોગ થાય છે તેથી લીલાની જગ્યાએ આ ઉંધીયું લાલ બને છે. આ વિસ્તારમાં સુરતી ઉંધીયુ સાથે સાથે આ ઊંધીયાની ડિમાન્ડ પણ જોવા મળે છે.
હાલમાં કેટલીક જગ્યાએ લાકડા ના ચુલા પર બનાવેલા ઉંધીયાનો ટ્રેન્ડ શરૂ થયો છે તેથી કતારગામ વિસ્તારમાં લાકડાના ચુલા પર બનાવેલા સુરતી ઉંધીયાનું વેચાણ થાય છે. તમામ શાક ચુલા પર જ બનાવવામાં આવતા હોવાથી તેનો ટેસ્ટ અનોખો રહે છે. એક સરખો ટેસ્ટ હોવાથી અમારા ગ્રાહકો એડવાન્સ બુકીંગ કરાવીને ઉંધીયાનું વેચાણ થાય છે. આ ઉપરાંત જૈન ઉંધીયાની પણ ડિમાન્ડ રહે છે તેથી ખાસ જૈન ઉંધીયું પણ અનેક લોકો બનાવીને વેચાણ કરે છે.
શહેરના વેસુ, વીઆઈપી રોડ અને ભટાર વિસ્તારમાં અન્ય પ્રાંતના લોકોની સંખ્યા વધારે છે તેઓ પણ સુરતી સ્ટાઈલમાં ખાણી પીણી સાથે ઊંધિયા પાર્ટી કરી ઉતરાયણની ઉજવણી કરે છે પરંતુ આ વિસ્તારમાં સુરતી ઊંધિયું પરંતુ મીઠું નહી તીખું વેચાણ કરવામાં આવે છે. આ ઉંધીયું અસલ સુરતી સ્ટાઈલમાં જ હોય છે પરંતુ તેમાં મીઠાશ રાખવામાં આવતી નથી તેઓ પણ પેટ ભરીને ઉંધીયું ઉતરાયણના દિવસે ઝાપટી રહ્યાં છે.