– કેક શોપના કર્મચારી જયંતીભાઈ લાખાણીએ 18 વર્ષની યુવતીને ખાવાનું કાંઈ લાવી છે ? પૂછી સાથળ પર હાથ ફેરવતા હંગામો
– સરથાણા રોયલ સ્કવેર ખાતેની ઘટનામાં બનાવની જાણ થતા લોકો એકત્ર થયા અને વૃદ્ધને માર મારી અર્ધનગ્ન કરી માફી મંગાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
સુરત, : સુરતના સરથાણા રોયલ સ્કવેર ખાતે ગત સવારે કેકની દુકાનમાં નોકરી કરતા વૃદ્ધે તે જ કોમ્પલેક્ષમાં સ્ટુડીયોમાં નોકરી કરતી 18 વર્ષની યુવતી સાથે અથડાઈ ખાવાનું કાંઈ લાવી છે તેમ પૂછી સાથળ ઉપર હાથ ફેરવતા એકત્ર થયેલા લોકોએ વૃદ્ધને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા રોયલ સ્કવેર ખાતે પહેલા માળે આવેલા સ્ટુડીયોમાં નોકરી કરતી 18 અને 21 વર્ષની બે યુવતી ગત સવારે 10.30 વાગ્યે કોમ્પલેક્ષના પહેલા માળે આવેલા વોશરૂમમાં ગઈ હતી.ત્યાર બાદ 18 વર્ષની યુવતી તેની ફ્રેન્ડની રાહ જોતી બહાર ઉભી હતી ત્યારે તે જ કોમ્પલેક્ષમાં કેકની દુકાનમાં નોકરી કરતા 61 વર્ષીય જયંતિભાઇ ધરમશીભાઇ લાખાણી ( રહે.ઘર નં.બી/24, ઠાકોરદ્વાર સોસાયટી, કારગીલ ચોક, પુણાગામ, સુરત. મુળ રહે.મેકડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) તેની પાસે આવ્યા હતા અને તેની સાથે અથડાઈને ખાવાનું કાંઈ લાવી છે તેમ પૂછી સાથળ ઉપર હાથ ફેરવ્યો હતો.
અઠવાડીયા અગાઉ પણ પીછો કરનાર વૃદ્ધની આ કરતૂતને પગલે યુવતીએ બુમાબુમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા અને વૃદ્ધને પકડીને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા હતા.આ અંગે યુવતીની ફરિયાદ નોંધી સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વૃદ્ધને માર મારી અર્ધનગ્ન કરી માફી મંગાવતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.વધુ તપાસ પીએસઆઈ ડી.કે.પરમાર કરી રહ્યા છે.