સુરત શહેરમાં બનેલું ડાયમંડ બુર્સ હીરા વ્યાવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બનશે
વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સગવડો અહીં ઉપલબ્ધ
Updated: Dec 17th, 2023
Diamond Bourse Surat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં ડાયમંડ બુર્સ (Diamond Bourse)નું ઉદ્ધાટન કરશે. આ વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્ષ છે જ્યાં ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક હબ બનશે.
ડાયમંડ બુર્સનું 67 લાખ ચોરસ ફુટમાં બાંધકામ
દેશ અને વિદેશમાં ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્ષ ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયુ છે જેનું આજે વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરશે. શહેરમાં તાજેતરમાં બાંધવામાં આવેલ સુરત ડાયમંડ બુર્સ કટીંગ, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65 હજાર કરતા પણ વધારે હીરા વ્યાવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બનશે. 67 લાખ ચોરસ ફુટનું બાંધકામ ધરાવતું આ ઓફિસ કોમ્પ્લેક્ષ પેન્ટાગોન કરતાં પણ મોટું છે. આ સિવાય નવ ટાવરમાં પથરાયેલું આ કોમ્પ્લેક્ષ ગ્રીન કોમ્પ્લેક્ષ છે જે નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. આ સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સગવડો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ડાયમંડ બુર્સમાં આટલી સુવિધા છે
આ ડાયમંડ બુર્સમાં 4500 ઓફિસ આવેલી છે, જે નાની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ વર્કશોપ તરીકે પણ કામ કરી શકે છે. આ બિલ્ડીંગની વાત કરીએ તો અહિયાં આવનાર વર્કરો માટે 131 એલિવેટર લીફ્ટ તેમજ ડાઇનિંગ, રિટેલ, વેલનેસ અને કોન્ફરન્સ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાતં સુરતમાં 35 એકર જેટલી વિશાળ જમીનમાં 15 માળની આ ઓફિસ- કોમ્પ્લેક્ષ પથરાયેલુ છે. સુરત ડાયમંડ બોર્ડની વેબસાઈટ મુજબ, આ ઈમારતમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર પણ છે, જે 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ સિવાય તેનો ફ્લોર એરિયા 7.1 મિલિયન સ્ક્વેર ફીટથી વધુ છે. આ ઓફિસ-કોમ્પ્લેક્ષ બનાવવાનો હેતું ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે. આ ઓફિસ-કોમ્પલેક્ષને બનાવવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.
10 હજારથી વધુ બાઈક તેમજ 4500 જેટલી કાર પાર્કિંગની સુવિધા
સુરતમાં 2500 કરોડના ખર્ચે ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 10 હજારથી પણ વધુ બાઈક તેમજ 4500 જેટલુ કાર પાર્કિગ છે. આ ડાયમંડ બુર્સ ઓફિસ-કોમ્પ્લેક્ષના દરેક ફ્લોર પર ફાયર સેફ્ટી માટે સેન્સર મુકવામાં આવ્યા છે, આ સિવાય બિલ્ડિંગમાં 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ તેમજ ટાવર વચ્ચે ત્રણ વિઘામાં લેન્ડસ્કેપિંગ ડિઝાઈન બનાવવામાં આવી છે જે તમામ લેન્ડસ્કેપને પંચતત્ત્વ થીમ પર ડિઝાઈન કરાયા છે. 25 ફૂટ ઉંચાઈએ સ્કાયડેક વિઝન વ્યૂવિંગ ગેલેરી જ્યારે સુરક્ષા માટે એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગ કરવામાં આવશે. આ સાથે રહેવાની તેમજ હાઉસિંગ કોલોની પણ સુવિધા છે.