Surat News: સુરત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવવાનું શરૂ કરી દીધો છે. ત્યારે છેલ્લા બે દિવસમાં સુરતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. વધતી જતી ગરમીના લીધે લોકોને ઝાડા-ઉલટી અને લૂ લાગવાની સમસ્યાઓ વધી ગઇ છે. ત્યારે સુરતના પાલનપુરમાં એક યુવકનું ગરમીના લીધે મોત નીપજ્યું છે. યુવકને બે દિવસથી ઝાડા-ઉલટી થતાં તબિયત ખરાબ થઇ હતી, ત્યારે આજે ઝાડા-ઉલટીના લીધે યુવકનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પાલનપુર ટોલનાકા પાસે રહેતા 36 વર્ષીય સાંતદયાલ રામ આચલ નામના યુવકને ગરમીના લીધે ઝાડા-ઉલટીની સમસ્યા થઇ હતી. જેથી યુવકે બે દિવસ ઘરે સારવાર કરી હતી, પરંતુ આ સારવાર જીવલેણ સબિત થઇ છે. ઝાડા-ઉલટીની સમસ્યાને હળવાશમાં લેતાં યુવકની તબિયત વધુ લથડતાં તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
8-9 એપ્રિલની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 10 જિલ્લામાં યલો ઍલર્ટની આગાહી છે, ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
10 એપ્રિલની આગાહી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે 10 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ચાર દિવસ ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય
* પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
* નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
* ભરબપોરે કામ પર જતાં સમયે થોડો સમય છાંયડામાં આરામ કરવો
* ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
* ઉપવાસ કરવાનું ટાળવું
* મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
* ઘર, ઑફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
* સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
* બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા
* બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો
* હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
* બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
* બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતાં બરફનો ઉપયોગ પણ ટાળવો
* લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહીં.
* ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
* ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો
* માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
* શરીરનું તાપમાન વધી જવું
* ખૂબ તરસ લાગવી
* શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
* વધુ તાવ આવવો
* ગરમ અને સૂકી ત્વચા
* નાડીના ધબકારા વધવા
* ઉલટી થવી, ઉબકા આવવા
* ચકકર આવવા, આંખે અંધારા આવવા
* બેભાન થઈ જવું
* સૂધબૂધ ગુમાવી દેવી
* અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડૉક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો.