એકતરફ ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે વધુને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાની વાતો કરે છે, ફ્રી સારવારની વાતો કરે છે. જેના માટે આ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં 20,100 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. ગયા વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 15,182 કરોડ રૂ
.
ગુજરાતના 8 જિલ્લાની સરકારી હોસ્પિટલમાં 12 પ્રકારની સુવિધા મળતી જ નથી કેમ કે ત્યાં સ્ટાફ નથી. સૌથી નવાઇની વાત તો એ છે કે આ તમામ શહેરો ભાજપના ધારાસભ્યના શહેર છે. એટલે કે એ શહેરની જનતાએ ખોબલે ખોબલે મત આપીને ભાજપના ધારાસભ્યોને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા અને વિધાનસભામાં અવાજ બુલંદ કરવા માટે મોકલ્યા હતા. સામાન્ય રીતે વિપક્ષના ધારાસભ્યો એવી ફરિયાદ કરતા હોય છે કે સરકાર અમારા વિસ્તારમાં સુવિધા પૂરી નથી પાડતી પરંતુ અહીં તો દીવા તળે અંધારૂં જેવો ઘાટ સર્જાયો છે. ભાજપની સરકારમાં ભાજપના જ ધારાસભ્યોના મત વિસ્તારની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા નથી મળી રહી.
દિવ્ય ભાસ્કરે આ હોસ્પિટલ કઇ કઇ છે? તેમાં કયા વિભાગમાં સારવાર બંધ છે? તે જાણ્યું અને પછી તે વિસ્તારના ભાજપના ધારાસભ્યો સાથે વાત કરી. તેમણે રજૂઆતો તો અનેક વખત કરી છે તેમ છતાં આજ દિન સુધી જગ્યા ભરાઇ નથી. આના પરથી અંદાજો લગાવી શકાય કે જો ભાજપના ધારાસભ્યોના જ કામ ન થતાં હોય તો સામાન્ય વ્યક્તિના કામ ક્યાંથી થવાના?
થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાયું હતું. જેમાં કોંગ્રેસના જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અતારાંકિત પ્રશ્ન પૂછ્યો હતો. પ્રશ્ન એ હતો કે, રાજ્યમાં તારીખ 15 સપ્ટેમ્બર, 2023ની સ્થિતિએ જિલ્લાવાર કઈ સરકારી હોસ્પિટલના કયા વિભાગમાં સારવાર આપવાનું બંધ છે? સારવાર બંધ હોવાના કારણ કયા છે? બંધ પડેલા વિભાગો ક્યાં સુધીમાં ફરીથી શરૂ કરવામાં આવશે?
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સવાલનો જવાબ આપ્યો હતો. આ જવાબે જ ભાજપના ધારાસભ્યોના વિસ્તારની સરકારી હોસ્પિટલની પોલ ખોલી નાખી.
સૌથી પહેલા વાપીની હોસ્પિટલની સ્થિતિ ગ્રાફિક્સના માધ્યમથી જાણો
આ અંગે દિવ્ય ભાસ્કરે પારડીના ભાજપના ધારાસભ્ય અને ઊર્જા મંત્રી કનુ દેસાઇ સાથે વાત કરી. તેમણે અમને કહ્યું કે, મેં ખાલી જગ્યા ભરવાની માંગણી કરી એટલે સરકાર ભરી દેશે.
આંદોલનકારીમાંથી નેતા બનેલા અને પછી ભાજપમાં જોડાઇને ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલના ગામ વિરમગામની સરકારી હોસ્પિટલ કઇ સારવાર બંધ છે તે જુઓ.
અમે જ્યારે હાર્દિક પટેલને પૂછ્યું તો તેમણે કહ્યું કે, હા, ઓર્થોપેડિક વિભાગ બંધ છે કેમ કે કોઈ ડોક્ટર રોકાવા માટે તૈયાર નથી થતા. હાલ અલ્ટરનેટ ડોક્ટર આવે છે. જો કે ખાલી જગ્યા ભરવા બાબતે રજૂઆત કરી છે કે નહીં એ સવાલ પૂછતા તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.
અમરેલીના સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં પણ 3 વિભાગમાં સારવાર નથી મળતી.
સાવરકુંડલાની સરકારી હોસ્પિટલની આ સ્થિતિ વિશે જાણવા અમે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે, ત્રણેક વખત રજૂઆત કરી છે. તાજેતરમાં પણ રજૂઆત કરી છે. સરકાર કરી રહી છે. મારી તો બ્લડ બેંક પણ પેન્ડિંગ પડી છે. બ્લડ બેંકમાં પણ ડોક્ટરની નિમણૂંક કરવા માટે આરોગ્ય મંત્રીએ કહ્યું છે.
અમરેલી જિલ્લાની જ અન્ય લાઠીની સરકારી હોસ્પિટલમાં બે વિભાગમાં સારવાર નથી મળતી.
દિવ્ય ભાસ્કરે જ્યારે લાઠીના ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે, સારવાર આપવાનું તો ચાલુ છે પણ ડોક્ટર બહારથી આવે છે. કાયમી તબીબ માટે જગ્યા ખાલી એટલા માટે છે કેમ કે હજુ સુધી ડોક્ટરની જરૂર છે એવી રજૂઆત મારા સુધી કોઈએ કરી નથી એટલે મેં પણ સરકારમાં રજૂઆત કરી નથી.
હવે નવસારીના બિલીમોરાની સરકારી હોસ્પિટલની સ્થિતિ જુઓ.
બિલીમોરાની સરકારી હોસ્પિટલની આવી સ્થિતિ અંગે દિવ્ય ભાસ્કરે ગણદેવીના ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ સાથે વાત કરી. તેમણે કહ્યું કે, મહેકમ મંજૂર થવાની સાથે જ ડોક્ટરની માંગણી કરવામાં આવશે. જેવા તબીબ આવશે એ પછી જે પણ વિભાગ બંધ છે એ તમામ વિભાગ સાધન-સુવિધા સાથે શરૂ કરવામાં આવશે. રૂમ બની ગયો છે પણ તેના ઇન્સ્ટ્રુમેન્ટથી લઇને બધું જ જોઇશેને એમ.
કંઇક આવી જ સ્થિતિ ભરૂચ જિલ્લાની જંબુસરની સરકારી હોસ્પિટલની પણ જોવા મળી.
અમે જ્યારે આ સ્થિતિ વિશે જંબુસરના ભાજપના ધારાસભ્ય ડી.કે.સ્વામી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, ખાલી જગ્યા ભરવા માટે રજૂઆત કરી છે પણ કઈ જગ્યા ખાલી છે એ મારે પૂછવું પડશે. કેમ કે જગ્યા ભરવા જ મેં રજૂઆત કરી છે. ચોક્કસ આ જ જગ્યા ખાલી છે એ મને નથી ખબર.
છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં 2 વિભાગમાં સારવાર બંધ છે.
જનરલ હોસ્પિટલમાં બંધ સારવાર અંગે અમે છોટાઉદેપુરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, રજૂઆત તો અનેકવાર કરી છે. સરકારનો જવાબ આવ્યો હોય તો એ પણ મોકલું અને મારી રજૂઆત જે કરી છે એ પણ મોકલી આપું છું.
ડાંગ જિલ્લાના આહવાની જનરલ હોસ્પિટલ 3 વિભાગમાં સારવાર બંધ છે.
આ અંગે ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે, મેં લેખિતમાં રજૂઆત કરી છે. સરકારે એમ જવાબ આપ્યો છે કે હવે ભરાઈ જશે. મેં ભલામણ કરી જ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા હોસ્પિટલની સ્થિતિ વિશે જાણી લો.
અમે જ્યારે દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનો સંપર્ક કર્યો તો તેમણે ફોન રિસીવ જ ન કર્યો. જેના લીધે તેમનો પક્ષ જાણી શકાયો નથી.
આ 9 સરકારી હોસ્પિટલ સરકારની સ્થિતિ વિશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી જશે એટલે તાત્કાલિક આ તમામ જગ્યાઓ ભરી દેવામાં આવશે.