વડોદરા : એન્જલ-વન નામની ઓનલાઇન એપ્લિકેશન દ્વારા શેર બજારમાં લાખો રૃપિયાનો નફો કમાવવાની લાલચ આપીને ખાનગી કંપનીના પૂર્વ અધિકારીને રૃ. ૯૪.૧૮ લાખનો ચુનો ચોપડનાર ૧૭ આરોપીઓને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે.
વડોદરામાં સનફાર્મા રોડ ઉપર વેંદાંત ડૂપ્લેક્સમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના રામાક્રિષ્ણા બેડુદુરી (ઉ.૫૬) અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા જો કે કોઇ કારણથી તેઓએ નોકરી છોડી દીધી હતી તેઓએ ગત તા.૩૦મી માર્ચે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૬ મી જાન્યુઆરીએ ફેસબૂક પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૃપિયા કમાઓની જાહેરાત જોઇને તેના પર ક્લિક કરતા મને એક વોટ્સએપ ગૃપમાં એડ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ તેઓની સૂચના પ્રમાણે મેં અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં કુલ રૃ. ૯૪.૧૮ લાખ જમા કરાવ્યા હતા. જેની સામે ૧૧.૨૬ કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું. મારે રૃપિયાની જરૃરિયાત હોવાથી રૃપિયા વિથડ્રો કરવાની કોશિશ કરતા થયા નહતા. મેં આ અંગે એન્જલ સિક્યૂરિટીની મેલિસ્સા નામની કર્મચારીને જાણ કરતા તેણે મને કહ્યું હતું કે, ૩ ટકા લેખે ૩૩ લાખ જમા કરાવશો તો રૃપિયા વિથડ્રો થઇ શકશે એટલે મને શંકા ગઇ હતી.
આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાના જ ૧૭ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે રજૂ કરેલા રિમાન્ડના કારણોને ધ્યાનમાં રાખીને કોર્ટે ૧૭ આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડમાં મોકલી આપ્યા છે. રિમાન્ડ દરમિયાન હવે પોલીસ માહિતી મેળવશે કે આ ટોળકીએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. તે પૈસાનો ઉપયોગ શું કર્યો છે. માસ્ટ માઇન્ડ કોણ છે. કોના ઇશારે આ નેટવર્ક ચાલતુ હતું.
સાયબર ક્રાઇમે મિશન એટલું ગુપ્ત રાખ્યું હતું કે મોટાભાગના આરોપીઓ એક જ મહોલ્લાના હોવા છતાં એક બીજાને જાણ ના થઇ
ગત ૩૦ માર્ચે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના ૧૫ દિવસમાં જ સાયબર ક્રાઇમ પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઇ અને એક નહી એક સાથે ૧૭ આરોપીઓની ધરપકડ કરીને રેકોર્ડ બનાવી દીધો.
આ અંગે વાત કરતા સાયબર ક્રાઇમ પી.આઇ. બી.એલ .પટેલે કહ્યું હતું કે કેસનુ પગેરૃ દબાવવામાં આવ્યુ ત્યારે જાણ થઇ કે આરોપીઓ તો વડોદરાના જ છે. મોટાભાગના આરોપીઓ એક જ મહોલ્લામાં રહે છે. હવે સવાલ એ હતો કે જો એકાદ આરોપીને પણ પોલીસ ઓપરેશનની જાણ થાય તો એક બીજાને ખબર કરી દે અને ફરાર થઇ જાય એટલે ઓપરેશન એટલુ ગુપ્ત રખાયુ કે કોઇને કાનોકાન જાણ ના થાય અને ૧૭ આરોપીઓને ઝડપી પાડયા.
એજન્ટો ફોલ્ડરિયાઓને પાંચ લાખ ઉપર પાંચ હજારનું કમિશન આપતા હતા, માસ્ટર માઇન્ડ ફરાર
૧૭ આરોપીઓમાંથી ૧૧ આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર છે, જ્યારે બાકીના ૬ એજન્ટો છે. આ એજન્ટો તેના માસ્ટર માઇન્ડના ઇશારે કામ કરતા હતા. એજન્ટોને પાંચ લાખના ટ્રાન્ઝેક્શન ઉપર ૭ હજાર જ્યારે એકાઉન્ટ હોલ્ડરોને પાંચ હજારનું કમિશન અપાતુ હતું. હવે આ કેસમાં માસ્ટર માઇન્ડ ફરાર છે. તેને પણ ઝડપી લેવામાં આવશે.
સાયબર ફ્રોડના આરોપીઓ
(૧) અબ્રારખાન નવાબખાન પઠાણ ઉ.૨૩, રહે.રાવપુર, વડોદરા (એજન્ટ)
(૨) શાહરુખ રઝાકભાઇ વ્હોરા ઉ. ૨૫ રહે. સીયાબાગ, વડોદરા (એજન્ટ)
(૩) ઝરાર બિલાલભાઇ સોદાગર ઉ. ૩૧ રહે.નાગરવાડા,વડોદરા (એજન્ટ)
(૪) શેખ અદનાન ઇલ્યાસભાઇ ઉ. ૨૨, રહે. તાંદલજા,વડોદરા (એજન્ટ)
(૫) કબીરઅહેમદ મોહમદશબ્બીર મન્સુરી ઉ.૨૧ રહે.પાણીગેટ,વડોદરા (એજન્ટ)
(૬) સોહીલ કાસમભાઇ શેખ ઉ.૨૫ રહ. નાગરવાડા,વડોદરા (એજન્ટ)
(૭) મીર હારીશ સલીમભાઇ ઉ.૨૪, રહ. તાંદલજા,વડોદરા
(૮) બેલીમ વસિમખાન ફિરોઝખાન ઉ.૨૪, રહ. સોમાતળાવ,વડોદરા
(૯) મોહમદ આફતાબ મુસ્તાકભાઈ બેગ ઉ.૨૨, રહે. સોમાતળાવ,વડોદરા
(૧૦) શેખ સલીમમિયા શોકતહુસૈન ઉ.૪૨, રહે. રાવપુરા,વડોદરા
(૧૧) શેખ લીયાકત યુસુફભાઈ ઉ. ૪૭, રહે.પરશુરામ ભઠ્ઠા પાસે, વડોદરા
(૧૨) મહેબુબ ઈબ્રાહિમ આગેવાન, ઉ.૨૨ રહે. આજવા મેઇનરોડ,વડોદરા
(૧૩) શાહરૃખ સીદ્દીકભાઇ ધોબી ઉ. ૨૯ રહે. બહુચરાજી રોડ,વડોદરા
(૧૪) સાહીલ યુસુફમીયા શેખ ઉ. ૨૪ રહ. યાકુતપુરા,વડોદરા
(૧૫) સૈયદ ઈખ્તીયારઅલી હસમતઅલી ઉ.૨૨, રહે. બવામાનપુરા,વડોદરા
(૧૬) ગોમેસી મનિષભાઈ દવે ઉ.૨૦, રહ. સીયાબાગ, વડોદરા
(૧૭) રમીજઅલી મુસ્તાકઅલી કાદરી રહે.નાગરવાડા,વડોદરા