Updated: Dec 20th, 2023
– અગાઉ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ બે સાગરીતોને ઝડપ્યા હતા, હજુ બે મહિલા સહિત ચાર વોન્ટેડ
વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરાના વાઘોડિયા રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝન મહિલાઓ રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સરકાવી લેતી ટોળકીના અન્ય બે સાગરીતોના ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિનિટર સિટીઝન મહિલાઓને રિક્ષામાં બેસાડવાના બહાને હાથ ચાલકી વાપરીને તેમના ગળામાંથી સોનાની ચેઇન તથા મંગળસૂત્ર આંતરરાજ્ય ચોરી ટોળકીના સાગરીતો દ્વારા સરકાવી લેવામાં આવતી હતી. જેમાં દિન પ્રતિદિન આ ટોળકીનો આતંક વધતો જતો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે અગાઉ બે સાગરીતોને સોમા તળાવ બ્રિજ પાસેથી રિક્ષામાં ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પણ બાકી ચોરો મહિલાઓને નિશાન બનાવતા હતા. દરમિયાન બુધવારે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ટોળકીના અન્ય સાગરીતો વાઘોડિયા રોડ પર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી બાતમી મુજબના સ્થળ પર પહોંચીને ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સો ભીમા ઉર્ફે ભીમો રમેશ વાઘેલા તથા અજય ઉર્ફે કાળિયો દિલુ વાઘરીને ઝડપી પાડ્યા હતા. આ બંને ચોરો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હોય તમામ પોલીસ સ્ટેશનોમાં જાણ કરાઇ છે. જ્યારે આંતરાજ્ય ટોળકીની બે મહિલા સહિત અન્ય ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.