Vadodara Dirty Water : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4 અને ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13માં પીવાનું પાણી દૂષિત અને ઓછા પ્રેશરથી મળતું હોવાથી પાણીની લાઈનનું 38 કિમી નું નેટવર્ક પાણીના કનેક્શનો સાથે 20.75 કરોડના ખર્ચે બદલવામાં આવશે. જો ખરેખર આ કામગીરી કરવામાં આવે તો આશરે અઢી લાખ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી શકશે. આ બંને વોર્ડમાં દૂષિત પાણી ની સમસ્યાથી લોકો ખૂબ જ હેરાન છે. અવારનવાર આ વિસ્તારમાંથી લોકો મોરચા સ્વરૂપે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવે છે. હજુ બે દિવસ પહેલા જ વોર્ડ નંબર 13 માં દૂષિત અને કાળા રંગ જેવા મળતા પાણી મુદ્દે લોકોએ હોબાળો મચાવ્યો હતો.
વોર્ડ નંબર 4માં આજવા ટાંકી, પાણી ગેટ ટાંકી, એરપોર્ટ અને દરજીપુરા બુસ્ટર, રામદેવ નગર, લકુલેશ નગર, ચામુંડા નગર સહિતના વિવિધ વિસ્તારોમાં આ સમસ્યા જૂનું નેટવર્ક અને જર્જરિત લાઈનો હોવાથી ખૂબ રહે છે, અહીં 21 કીમી નું નેટવર્ક અને એમડીપીઇ( મીડિયમ ડેન્સિટી પોલીથીલીન) કનેક્શનો સાથે બદલવાનું કામ 10.21 કરોડના ખર્ચે થશે. વોર્ડ નંબર 13 માં રાજમહેલ રોડ, જયરત્ન ચાર રસ્તા, નવાપુરા, બકરાવાડી, ખંડેરાવ માર્કેટ વિસ્તાર, કહાર મહોલ્લો, શિયાબાગ, બોરડી ફળિયુ, ખાડિયા પોળ, કડક બજાર, રેલવે સ્ટેશન વિસ્તાર વગેરેમાં આ પ્રકારની કામગીરી કરાશે અને 17 કિમીનું નેટવર્ક 10.54 કરોડના ખર્ચે બદલાશે. આ વિસ્તાર ગીચ અને સાંકડો હોવાથી કામગીરી મેન્યુઅલી પણ કરવી પડશે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ખૂબ જ હેરાન છે. લોકો રજૂઆતો કરીને થાક્યા છે અને હવે જ્યારે દરખાસ્ત મંજૂર કરી છે તો ખરેખર કામગીરી નક્કર થવી જોઈએ, તો જ લોકોને ફાયદો થશે. માત્ર કાગળ પર ઘોડા દોડાવવાથી કશું થશે નહીં.