વડોદરાઃ આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા એફવાયના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા તો લેવાઈ હતી પરંતુ હજી સુધી તેનું પરિણામ જ જાહેર કરવામાં આવ્યું નથી અને તેના કારણે આ વિદ્યાર્થીઓની એસવાયમાં પ્રવેશ મેળવવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
મળતી વિગતો પ્રમાણે એફવાયના બીજા સેમેસ્ટર બાદ નાપાસ થયેલા કે પરીક્ષા નહીં આપી શકનારા વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધુ એક તક આપવા અન્ય ફેકલ્ટીઓની જેમ આર્ટસમાં પણ પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જો આ પરીક્ષાનું પરિણામ જાહેર થાય તો નવા નિયમ પ્રમાણે જે વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી ૨૮ ક્રેડિટ હોય તેમને એસવાયમાં પ્રવેશ મળી શકે તેમ છે.તેની જગ્યાએ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને સત્તાધીશો સરખો જવાબ પણ આપી રહ્યા નથી.
આ પૈકીના એક વિદ્યાર્થીએ તો યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે અરજી પણ આપી છે.એનસીસીના ટ્રેનિંગ કેમ્પમાં જવાના કારણે આ વિદ્યાર્થી એફવાયના બીજા સેમેસ્ટરની પરીક્ષા આપી શક્યો નહોતો.અધ્યાપકોએ તેને આશ્વાસન આપ્યું હતું કે, પૂરક પરીક્ષા આપ્યા બાદ તેના પરિણામના આધારે તેને પ્રવેશ મળશે.જોકે હવે પરિણામ જાહેર થઈ રહ્યું નથી.આ વિદ્યાર્થીનું કહેવું છે કે, ફેકલ્ટીમાં એવો જવાબ મળે છે કે હવે તમને ૨૦૨૫માં જ એસવાયમાં પ્રવેશ મળશે.આમ સત્તાધીશોની આડોડાઈના કારણે મારુ એક વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.મારા જેવા બીજા પણ સેંકડો વિદ્યાર્થીઓ છે.
આ મુદ્દે જ્યારે આર્ટસના પ્રોફેસર અને પીઆરઓ પ્રો.હિતેશ રાવિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, મને આ બાબતે જાણકારી નથી.તમે એક્ઝામનો હવાલો સંભાળતા અધ્યાપક સાથે વાત કરો.આ અધ્યાપકનો વારંવાર પ્રયત્ન પછી સંપર્ક થઈ શક્યો નહોતો.