Updated: Jan 11th, 2024
દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થવાના, અગાસી પરથી પડી જવાના જીવલેણ બનાવો છે
વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
મકરસંક્રાતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી દરમિયાન પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પડી જવાના, ધારદાર દોરીથી ગળું કપાઈ જવાના કે પતંગ લૂંટવા જતી વખતે નીચે પડી જવાથી ગંભીર ઈજા થવાના દર વર્ષે બનતા રહે છે. આ વખતે પણ કમભાગ્યે આવા બનાવો બને તો તાત્કાલિક સારવાર પૂરી પાડવા અને ઘાયલોને દવાખાને પહોંચાડવા શહેર જિલ્લામાં 42 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ સાથે તૈનાત કરવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે. બીજી બાજુ મકરસંક્રાંતિ નિમિત્તે પતંગની દોરી અને પતંગથી ઘાયલ થતાં મૂંગા પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હેઠળ 1962 ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસની કુલ સાત એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે. દરમિયાન મકરસંક્રાંતિ નિમિત્તે ઉપયોગમાં લેવાતા ચાઈનીઝ ફાનસ અને ચાઈનીઝ તેમજ નાયલોન ની દોરી ખુબ જ જોખમી બની રહે છે. ચાઈનીઝ ફાનસથી આગ લાગવાના બનાવ બને છે અને સિન્થેટિક માંઝા ,ચાઈનીઝ તેમજ નાયલોન દોરી થી ગળા કપાવાના અને લોહી લુહાણ થવાના જીવલેણ બનાવો બને છે. આવી ધારદાર બનાવેલી દોરી ખરીદી ,તેનો સંગ્રહ કરવો તેનો વેચાણ કરવું અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે કોઈ વેપારી કે ઈસમ આ પ્રતિબંધિત કૃત્યનો અનાદર કરશે તો તેની સામે પગલા લેવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહી ટીમોનું ગઠન કરેલ છે. આ ટીમો ક્ષેત્રિય કામગીરી કરી નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરશે ,તેમ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે.