વડોદરા, તા.11 કરજણ હાઇવે પર એક કારચાલક એસ.ટી. બસને રોકી બસની ચાવી લઇને ભાગી જતા બસમાં મુસાફરી કરતાં ૫૦ જેટલા પ્રવાસીઓ રઝળી પડયા હતાં. એક કલાક બાદ બીજી બસની વ્યવસ્થા થતાં મુસાફરોને સુરત જવા રવાના કરાયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના માલીદાન ગામે વણકરશેરીમાં રહેતા રોહિત નટવરભાઇ ચાવડા એસ.ટી.માં ડ્રાઇવિંગનું કામ કરે છે. તેઓ ગઇકાલે સવારે એસ.ટી. બસ લઇને વીજાપુરથી સુરત જતા હતાં. વડોદરા બસ સ્ટેશન બાદ બસમાં આશરે ૫૦ જેટલા મુસાફરો પ્રવાસ કરતા હતાં. બસ વડોદરાથી ઉપડી સુરત તરફ જતી હતી અને બામણગામથી કરજણ તરફ જતા હાઇવે પરની ત્રીજી લાઇનમાંથી આગળ જતી એક ટ્રકને ઓવરટેક કરી વચ્ચેની લાઇનમાં બસ લાવ્યા હતાં.
આ વખતે પ્રથમ લાઇનમાં જતી એક કારના ચાલકને તેમની તરફ એસ.ટી. બસ લઇને આવ્યો છે તેમ સમજી તે બસની પાછળ આવ્યો હતો અને કરજણ સુધી આવી ધાવટ ચોકડી પાસેના બ્રિજ પાસે બસ ઊભી રખાવી ડ્રાઇવર સાથે ઝઘડો કરી બસની ચાવી લઇને કારનો ચાલક જતો રહ્યો હતો. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બનેલી ઘટના બાદ સુરત તરફ જતા પ્રવાસીઓ રઝળી પડયા હતાં. આશરે એક કલાક સુધી હાઇવે પર પ્રવાસીઓ હેરાન પરેશાન થયા હતા બાદમાં ડ્રાઇવરે બીજી બસની વ્યવસ્થા કરતાં આખરે બીજી બસમાં પ્રવાસીઓને બેસાડી સુરત તરફ મોકલ્યા હતાં.
ડ્રાઇવર અને કંડક્ટર બંને ત્રણ કલાક સુધી હાઇવે પર બસ પાસે બેસી રહ્યા હતા અને સાંજે છ વાગે કારના ચાલકે આવીને બસની ચાવી આપી હતી. કારના ચાલકને પાછળથી પોતે ખોટું કર્યું હોવાનું ભાન થયું હતું અને તે બસની ચાવી ભરૃચ એસ.ટી. ડેપોમાં જમા કરાવવા માટે ગયો હતો પરંતુ ત્યાં ચાવી લેવાનો ઇન્કાર કરતા આખરે કારના ચાલકે કરજણ સુધી આવવું પડયું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે એસ.ટી. બસના પ્રવાસીઓને હાઇવે પર રઝડાવી ચાવી લઇને ફરાર થઇ ગયેલો ચાલક ભરૃચનો રહિશ હતો.