Updated: Dec 20th, 2023
– પાણી, વરસાદી ગટર, ડ્રેનેજ, રોડ અને પેવર બ્લોકના કામો કરાશે
વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
રાજ્યના નગરો અને મહાનગરોમાં જન સુખાકારીના વધુને વધુ કામો થાય અને ટકાઉ વિકાસનો ધ્યેય સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગાંધીનગર, સુરત અને વડોદરાને 424 વિવિધ વિકાસ કામો માટે 483.71 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતી ઉજવણીના વર્ષ-2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ ત્રણ મહાનગરોને આ રકમ ફાળવી છે. સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓને પણ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રકમ ફાળવી છે. વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પુરવઠો, વરસાદી ગટર, ડ્રેનેજ, રોડ, પેવર બ્લોકના 164 કામો માટે રૂ. 56.70 કરોડની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ બધા જ વિકાસકામો લાંબા ગાળે ટકાઉની નવી દિશા આપશે અને શહેરીજીવન વધુ સુવિધાયુક્ત બનશે તેમ સરકારનું માનવું છે. વડોદરામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015, 2019 અને 2020 માં એમ ત્રણ તબક્કામાં દરજીપુરાનો હિસ્સો, ગોરવા, હરણી, સમા, તરસાલી, બાપોદ, કલાલી, ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, ઊંડેરા, કરોળિયા અને વડદલાને કોર્પોરેશનની હદમાં સમાવી લેતા 57.48 ચોરસ કિલોમીટર વિસ્તાર શહેરનો વધી ગયો છે, અને આ વિસ્તારમાં મૂળભૂત સુવિધાના કામો કરવાની આવશ્યકતા ઉભી થઈ છે.