વડોદરા,ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફૂટનો ધંધો કરતા વેપારીએ વ્યાજે લીધેલા રૃપિયા ૪૭ લાખ સામે પોણા બે કરોડ રૃપિયા વ્યાજખોરને ચૂકવ્યા હતા. તેમ છતાં વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો. આ કેસની તપાસમાં નામચીન કલ્પેશ કાછિયાનું નામ ખૂલતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
વારસિયા વિનાયક રેસિડેન્સીમાં રહેતા નરેશભાઇ કેસરીચંદ નેનાની ખંડેરાવ માર્કેટ ખાતે એસ.કે.ફ્રૂટ અને એન.કે.ફ્રૂટ નામની દુકાન ચલાવે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફ્રૂટનો વેપાર કરવા માટે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૦ સુધીમાં સંતોષભાઇ ઉર્ફે બાબુભાઇ ભાવસાર (રહે. રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ) પાસેથી ટૂકડે – ટૂકડે ૪૭ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે અમે પોણા બે કરોડ જેટલી રકમ ચૂકવી દીધી છે. તેમછતાંય તેઓ પૈસાની સતત ઉઘરાણી કરી ધમકી આપતા હતા. જેનાથી કંટાળીને મેં ફિનાઇલ પી લીધું હતું. આ કેસમાં નવાપુરા પોલીસે આરોપી સંતોષ ભાવસારની ધરપકડ કરી હતી. ૪૭ લાખની રકમ અંગે પોલીસે પૂછપરછ કરતા સંતોષે જણાવ્યું હતું કે, આ રૃપિયા હું કલ્પેશ કાછીયા પાસેથી લઇને આપતો હતો. આ કેસમાં કલ્પેશ કાછીયાનું નામ ખૂલતા પોલીસ તપાસ માટે તેના ઘરે ગઇ હતી. પરંતુ, કલ્પેશ મળી આવ્યો નહતો. ઉલ્લેખનીય છે કે, કલ્પેશ કાછીયાનું નામ ખૂલતા પોલીસ તેને શોધવા માટે તેના ઓલ્ડ પાદરા રોડ પરના રાધે ફ્લેટમાં ગઇ હતી. બપોરે ત્રણ થી પાંચ વાગ્યા દરમિયાન પોલીસે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, કલ્પેશ કાછીયો મળી આવ્યો નહતો.
કલ્પેશ કાછીયાનો ભૂતકાળ ખરડાયેલો છે
વડોદરા,નામચીન કલ્પેશ કાછીયાનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. મુકેશ હરજાણી, એન.આર.આઇ. મનોજ પટેલ, આણંદ અલ્પેશ ચાકા મર્ડર કેસ સહિત અન્ય ચકચારભર્યા મર્ડર કેસમાં પણ તેનું નામ ખૂલ્યું હતું. જોકે, તેની સામે કેસ પુરવાર થઇ શક્યા નહતા. લાંબાસમય પછી ફરીથી તેનું નામ તપાસ દરમિયાન ખૂલતા પોલીસ તેને શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ હરજાણીના મર્ડર પાછળ દારૃનો કરોડો રૃપિયાનો કારોબાર જવાબદાર હોવાનું પણ ચર્ચામાં હતું. મુકેશના મર્ડર પછી દારૃના ધંધા પર કોનું વર્ચસ્વ છે ? તે પણ તપાસનો વિષય છે.