વડોદરા, તા.5 ટ્રેનમાં પ્રવાસ કરતી એનઆરઆઇ મહિલાના પર્સની ચોરી કરનાર અમદાવાદનો ચોર દાગીના, ડોલર સહિત વિદેશી કરન્સી સાથે ઝડપાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે મૂળ અમદાવાદના વતની પરંતુ હાલ કેન્યાના નૈરોબીમાં રહેતા સીમા તેજસ ચૌહાણ હાલ ભારત આવ્યા છે. તેઓ તા.૨૬ માર્ચના રોજ મિરજ-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરીને અમદાવાદ જતા હતાં. મુસાફરી દરમિયાન તેઓ ઊંઘી ગયા ત્યારે પર્સની ચોરી થઇ હતી. પર્સમાં સોના-ચાંદીના દાગીના, મોબાઇલફોન, અમેરિકન ડોલર અને કેન્યા સિલિંગ કરન્સી મળી કુલ રૃા.૫.૦૨ લાખની મત્તા ચોરી થઇ હતી.
આ ચોરીનો ગુનો રેલવે પોલીસમાં નોંધાયા બાદ રેલવે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે ઇરફાન ઉર્ફે ઢેમા શકુરભાઇ તેલી (રહે.ઢાંબાવાલી ચાલી, જમાલપુર, અમદાવાદ)ની ધરપકડ કરી તેની પાસેથી દાગીના અને વિદેશી કરન્સી પણ કબજે કરી હતી. પોલીસની તપાસમાં ઇરફાન સામે સુરત, અમદાવાદ, રતલામ ખાતે ચોરી અને મારામારીના ગુના નોંધાયા છે.