વડોદરા, તા.30 રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં લાંબા સમય બાદ મોટાપાયે બદલીઓ થઇ છે. સરકાર દ્વારા કાર્યપાલક ઇજનેરથી માંડી મદદનીશ ઇજનેર સુધીના પદ પર ફરજ બજાવતા એન્જિનિયરોની રાજ્યવ્યાપી બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કાર્યપાલક ઇજનેર કક્ષાના કુલ ૩૦ સિનિયર એન્જિનિયરોની સાગમટી બદલીઓના હુકમો કરાયા છે. આ હુકમમાં વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગમાં છેલ્લા છ માસથી ખાલી જગ્યા આખરે ભરવામાં આવી છે. માર્ચ માસથી આ જગ્યા ઇન્ચાર્જ પર ચાલતી હતી હવે જિલ્લા પંચાયતમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ટી.એમ. નાયકાવાલાનું કાયમી પોસ્ટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે વરસાદની ઋતુમાં પણ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની મહત્વની જગ્યા ઇન્ચાર્જ પર ચાલતી હતી.
આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્યભરમાં ૧૦૫ ડેપ્યૂટી એન્જિનિયરોની પણ બદલીના હુકમો કરાયા છે. જેમાં ગેરીના કુણાલ એચ. ખટાઉની ભરૃચ પીઆઇયુ, હુમા સિદ્દીકીની વુડામાંથી પાદરા એટીવીટી તેમજ ગૌરાંગ પટેલની ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી વાંસદા પંચાયતમાં બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જ્યારે મદદનીશ ઇજનેર તેમજ અધિક મદદનીશ ઇજનેરના પદ પર ફરજ બજાવતા ૨૩૦ એન્જિનિયરોની પણ સાગમટે બદલીઓ કરાઇ છે. આ ઓર્ડરોમાં વડોદરા જિલ્લા અને શહેર માર્ગ-મકાન વિભાગ, મેડિકલ, વર્તુળ, ગેરી તેમજ નેશનલ હાઇવેમાં ફરજ બજાવતા કુલ ૧૬ એન્જિનિયરોનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કાર્યપાલક ઇજનેર કક્ષાના એક અધિકારી પોરબંદરથી વડોદરા આવ્યા છે જ્યારે ડેપ્યૂટી એન્જિનિયર પદના બે એન્જિનિયરોની જિલ્લા બહારથી વડોદરા ગેરીમાં બદલી કરાઇ છે. આ ઉપરાંત મદદનીશ ઇજનેર કક્ષામાં માત્ર ચાર એન્જિનિયરોની બહારથી વડોદરા બદલી કરાઇ છે.