Image Source: Freepik
ભરૂચ વડોદરા નેશનલ હાઇવે પર વરણામા ગામની સીમમાં પૂરપાટ ઝડપે જતી એક કારે આગળ જતી બાઇકને ટક્કર મારતા નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓ રોડ પર પટકાયા હતા. બે પૈકી એકનું કરુણ મોત નીપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે હસ્તી તળાવ પાસે આવેલી કૃપા નગર સોસાયટીમાં રહેતો હિમાંશુ રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ 28 તેમજ અંકલેશ્વરના અંદાડા ગામે મારુતિ નગરમાં રહેતો પિતરાઈ ભાઈ વિશ્વાસ ઠાકોરભાઈ વણકર બંને બાઈક ઉપર વડોદરા ખાતે આઇઓસીએલ કંપનીમાં નોકરી માટેની પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા. બંને પિતરાઈ ભાઈઓ વરણામા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એક લાલ કલરની કારે બાઈકને ટક્કર મારતા બાઈક પરથી બંને ભાઈઓ રોડ પર ફગોળાયા હતા.
બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વિશ્વાસનું મોત નીપજ્યું હતું જ્યારે હિમાંશુને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અકસ્માત કરનાર કાર પણ કાબુ ગુમાવીને ડિવાઇડર પર ઉંધી પડી જતા તેના ચાલકને પણ ઈજા થઈ હતી. આ બનાવ અંગે વરણામાપોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.