M S University Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક અનોખુ મ્યુઝિયમ ખુલ્લુ મુકાયું છે. જેમાં 1962 થી લઈ અત્યાર સુધીના રસોડાના વાસણો-ઈલેક્ટ્રિકલ સાધનો રાખવામાં આવ્યા છે. જેમાં પથ્થર, તાંબા, કાંસા, એલ્યુમિનિયમ, જર્મન સિલ્વર, સ્ટેનલેસ સ્ટીલ, નોન સ્ટિક પ્રકારના વાસણોને પ્રદર્શિત કરાયા છે. 60ના દાયકામાં ભારતના ઘરોમાં કોફી મેકર, નોન સ્ટિક વાસણો કે પછી ટોસ્ટર અને રાઈસ મેકર જેવા ઈક્વિપમેન્ટ ભાગ્યે જ જોવા મળતા હતા ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીએ સ્ટુડન્ટસ માટે શરૂ કરેલા હોમ ઈક્વિપમેન્ટના કોર્સના ભાગરૂપે આ સાધનો અને વાસણોને ફેકલ્ટીમાંટે અમેરિકાથી મંગાવીને વસાવ્યા હતા. જેનું એક મ્યુઝિયમ બનાવાયું છે, જેને લોકો નિહાળી શકશે. સાથે જો કોઈને ઈચ્છા હોય તો મ્યુઝિયમને જુના વાસણો ડોનેટ પણ કરી શકે છે.
1962 થી ચાલે છે હોમ ઈક્વિપમેન્ટનો કોર્સ
1962 થી શરૂ થયેલા હોમ ઈક્વિપમેન્ટનો કોર્સ આજે પણ ફેકલ્ટીમાં ચાલે છે. અત્યાર સુધી ફેકલ્ટીમાં આ કોર્સ માટે જે પણ વાસણો અને ઈક્વિપમેન્ટ વર્ષે દર વર્ષે મંગાવવામાં આવ્યા છે તેનું હવે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આજે ફેકલ્ટીમાં આ અનોખા મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
પથ્થરયુગથી માંડીને વર્તમાન સમયના સાધનો
આ મ્યુઝિયમને ફેકલ્ટીના ઈન્ટિરિયર ડિઝાઈનિંગના વિદ્યાર્થી ગૌતમ સુથારે અધ્યાપક ડો.સરજૂ પટેલના માર્ગદર્શન હેઠળ ડિઝાઈન કર્યું છે. મ્યુઝિયમ રસોડાના ઈતિહાસને જીવંત કરે છે. જેમાં પથ્થરયુગથી માંડીને વર્તમાન સમયના તમામ પ્રકારના વાસણો અને ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટને રજૂ કરવામાં આવ્યા છે.
હજારો વર્ષ જૂનો છે રસોડાના વાસણોનો ઈતિહાસ
ડો.સરજૂ પટેલ કહે છે કે, ‘રસોડાના વાસણોનો ઈતિહાસ આજનો નહીં પણ હજારો વર્ષ જૂનો છે. અમે કોર્સના ભાગરૂપે 70, 80, 90ના દાયકામાં પણ સતત વાસણો અને જે પણ લેટેસ્ટ ઉપકરણો બજારમાં આવતા હતા તે વસાવતા ગયા હતા અને હવે તેને પધ્ધતિસર પ્રદર્શીત કર્યા છે. અહીંયા મૂકવામાં આવેલું કોફી મેકર, 60ના દાયકામાં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે અમેરિકાની આયોવા યુનિવર્સિટીના અધ્યાપકોની મદદથી હોમ ઈક્વિપમેન્ટ પ્રોગ્રામ શરુ કરાયો હતો.એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરુપે આયોવા યુનિવર્સિટીના પાંચ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હોમ સાયન્સ ફેકલ્ટીમાં બે વર્ષ માટે આવ્યા હતા.તેમની પાસેથી કોફી મેકર, વોફલ મેકર, સ્ટીમ કૂકર જેવા ઉપકરણો મંગાવાયા હતા. 1962માં તેમની જ મદદથી આ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો’.
જૂના વાસણો મ્યુઝિયમમાં ડોનેટ કરી શકાશે
ડો.સરજૂ પટેલના કહેવા પ્રમાણે મ્યુઝિયમમાં પથ્થર, તાંબા, કાંસા, એલ્યુમિનિયમ, જર્મન સિલ્વર, સ્ટેનલેસ સ્ટીલ, નોન સ્ટિક પ્રકારના વાસણોને પ્રદર્શિત કરાયા છે.સાથે સાથે અલગ અલગ સમયે બજારમાં આવેલા ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટને પણ મૂકવામાં આવ્યા છે. ગુજરાતમાં કોઈ યુનિવર્સિટીમાં આ પ્રકારનું પહેલું મ્યુઝિયમ હોઈ શકે છે. લોકો પણ તેને જોવા માટે આવી શકશે. તેઓ ઈચ્છે તો જૂના વાસણો અમને ડોનેટ પણ કરી શકે છે.
રસોડાના વાસણોનું મેનેજમેન્ટ શીખવાડાય છે
હોમ ઈક્વિપમેન્ટના કોર્સમાં સ્ટુડન્ટસને રસોડામાં ઉપયોગમાં લેતા વાસણોની કાળજી કેવી રીતે રાખવી, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડવામાં આવે છે. હવે તો ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ પણ રસોડોમાં પ્રચલિત થયા છે ત્યારે સમયાંતરે કોર્સમાં સુધારા વધારા કરીને આ પ્રકારના ઈક્વિપમેન્ટને ઓપરેટ કેવી રીતે કરવા તેનું પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કયા પ્રકારના વાસણોમાં રસોઈ બનાવવાના કારણે શું નુકસાન થાય છે તેની પણ જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ગુજરાતમાં આ પ્રકારનો કોર્સ શરૂ કરનાર હોમસાયન્સ ફેકલ્ટી કદાચ પહેલી શૈક્ષણિક સંસ્થા હતી. આજે પણ હોમ ઈક્વિપમેન્ટ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ છે.
મ્યુઝિયમમાં કયા પ્રકારના વાસણો મૂકવામાં આવ્યા છે
- 80 અને 90ના દાયકાના ટોસ્ટર, ઈલેક્ટ્રિક સગડી, જ્યુસર, ગ્રાઈન્ડર,
- રસોઈ કરવા માટે વપરાતા પ્રાઈમસ
- અલગ અલગ પ્રકારના નોન સ્ટિક વાસણો
- કાંસામાંથી બનેલા ટિફિન, ઘડા, પીવાના પાણીના ગ્લાસ, જગ
- અનાજ દળવાની પથ્થરની ઘંટી તેમજ મસાલો પીસવા તથા ચટણી બનાવવા માટેના ખલબત્તા,
- રોટલી બનાવવા માટે અલગ-અલગ પ્રકારની લોઢી, રોટલી વણવા માટેની આડણીઓ
- શાક સમારવા માટેના અલગ અલગ પ્રકારના ચાકુ તેમજ જમવા માટે વપરાતી ચમચીઓ
- પાણી ભરવા માટે અલગ-અલગ પ્રકારના માટલા