વડોદરાઃ એમજી રોડ પર રણછોડજીના મંદિરેથી તુલસી વિવાહના વરઘોડા દરમિયાન ફોડવામાં આવતી તોપ ફરીથી શરૃ થાય તે માટે કોર્ટે અંશતઃમંજૂરી આપતાં આજરોજ મંદિરેથી નીકળનારી વિજયયાત્રા પોલીસની પરવાનગી નહિ મળવાથી બંધ રખાઇ હતી.
રણછોડજીના મંદિરે દોઢસો વર્ષની પરંપરા મુજબ વરઘોડા દરમિયાન તોપ ફોડવામાં આવતી હતી.પરંતુ સુરક્ષાના કારણોસર છેલ્લા બે દાયકાથી તેને મંજૂરી આપવામાં આવતી નહતી.મુખિયાજી જનાર્દન ભાઇએ ચંપલ નહિ પહેરવાની બાધા પણ લીધી હતી.જે બાધા કોર્ટની અંશતઃમંજૂરી બાદ પુરી થાય તેવી આશા બંધાઇ હતી.
કોર્ટે સુરક્ષાના પાસાને મહત્વ આપી પુરતી ચકાસણી કર્યા પછી જ મંજૂરી અંગે પ્રશાસન નિર્ણય લે તેવી ચોખવટ કરી હતી. જેને પગલે મંદિરના વહીવટકર્તાઓએ આજે તા.૨૬મીએ મોડીસાંજે વિજય યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો.જે બાબતે શહેર ભાજપ પ્રમુખના ફોટા સાથેના હોર્ડિંગ્સ પણ લાગ્યા હતા.પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે પોલીસે પરવાનગી નહિ આપતા આજે યાત્રા નીકળી શકી નહતી.
બીજીતરફ પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે કહ્યું હતું કે,હું પણ આસ્થાની સાથે છું.પરંતુ લોકોની સુરક્ષાને પણ જોવી પડે.તોપના તમામ ટેકનિકલ પાસા નિષ્ણાતો પાસે ચકાસ્યા પછી ફોડવાની મંજૂરી માટે નિર્ણય લેવામાં આવશે.