બ્રાઝિલિયા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના 7 લાખથી વધુ સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે બોલ્સોનારો સામે લાગેલા બળવાના પ્રયાસના આરોપોનો વિરોધ કર્યો. ચૂંટણી પ્રતિબંધનો પણ વિરોધ કર્યો.
ભારતીય સમય અનુસાર, રવિવારે મોડીરાત્રે બોલ્સોનારોની જાન્યુઆરી 2023 માં થયેલી હિંસા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના પર ઓક્ટોબર 2022માં થયેલી ચૂંટણીમાં હાર બાદ તખ્તાપલટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. બોલ્સોનારોએ આ આરોપોને ફગાવી દીધા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા.
તેમણે કહ્યું- બળવો કેવી રીતે થાય? જ્યારે સૈન્ય ટેન્કો શેરીઓમાં મૂકવામાં આવે છે,એ લોકો પાસે શસ્ત્રો હોય છે. પરંતુ જાન્યુઆરી 2023માં આવું કંઈ બન્યું ન હતું. મેં બળવાનો પ્રયાસ કર્યો નથી.
આ વિરોધ પ્રદર્શન બ્રાઝીલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં થયો હતો. આ દરમિયાન બોલ્સોનારો સમર્થકોને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા.
અમેરિકન મીડિયા બ્લૂમબર્ગ અનુસાર, સાઓ પાઉલોમાં લગભગ 7 લાખ 50 હજાર બોલ્સોનારો સમર્થકો એકઠા થયા હતા.
સૌપ્રથમ વિગતવાર સમજો કે તખ્તાપલટના શું આક્ષેપો કરવામાં આવ્યા છે…
ઓક્ટોબર 2022માં બ્રાઝીલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં બોલ્સોનારો લગભગ 21 લાખ 39 હજાર મતોથી હારી ગયા અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા જીતી ગયા. લુલા દા સિલ્વાએ 1 જાન્યુઆરી 2023ના રોજ શપથ લીધા હતા.
એક અઠવાડિયા પછી, 8 જાન્યુઆરી, 2023 ના રોજ હજારો બોલ્સોનારો સમર્થકોએ પોલીસ બેરિકેડ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી. આ પછી પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી હતી.
આ ઘટના બાદ બોલ્સોનારો પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિનું નામ પણ તેની તપાસમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. નિષ્ણાતોના મતે બોલ્સોનારોએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પ્રેરિત થઈને આવું કર્યું હતું.
હકીકતમાં બે વર્ષ પહેલાં 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં પણ આવી જ હિંસા થઈ હતી. ચૂંટણી હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ એટલે કે યુએસ સંસદમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી.
તસવીર 8 જાન્યુઆરી, 2023ની છે. બોલ્સોનારોના હજારો સમર્થકોએ બ્રાઝીલમાં સરકારી ઈમારતો પર હુમલો કર્યો.
હવે સમજો ચૂંટણી પ્રતિબંધનો મુદ્દો…
જુલાઈ 2022 માં બોલ્સોનારોએ 8 વિદેશી રાજદૂતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેણે બ્રાઝીલની ચૂંટણી પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા હતા અને હેરાફેરીના આરોપો લગાવ્યા હતા.
ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોલ્સોનારોએ વિદેશી રાજદૂત સાથેની મીટિંગનો ઉપયોગ કાવતરાના ભાગરૂપે શંકા પેદા કરવા માટે કર્યો હતો. તેમણે લોકોના મનમાં આશંકા ઉભી કરવાનો પ્રયાસ કર્યો કે 2022ની ચૂંટણીના પરિણામોમાં ધાંધલ ધમાલ થશે.
આ પછી તેમના પર તેમના પદ અને મીડિયાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ બોલ્સોનારોએ સત્તાનો દુરુપયોગ કર્યો અને દેશની ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ પર શંકા વ્યક્ત કરી. આ કિસ્સામાં, 30 જૂન, 2023 ના રોજ, બોલ્સોનારો પર 7 વર્ષ માટે એટલે કે 2030 સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આજના પ્રદર્શનની તસવીરો…
બોલ્સોનારો (લાલ વર્તુળમાં) તેમના સમર્થકને ભેટતા જોવા મળે છે.
પ્રદર્શન દરમિયાન લોકોના હાથમાં બ્રાઝિલ અને ઈઝરાયલના ઝંડા હતા.
બળવાના આરોપોની પોલીસ તપાસ શરૂ થયા પછી બોલ્સોનારો સમર્થકો શેરીઓમાં ઉતર્યા.
પ્રદર્શન દરમિયાન બોલ્સોનારોએ લોકોને સંબોધિત કર્યા અને તેમનો આભાર માન્યો.
બોલસોનારો પણ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા
બ્રાઝીલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં બોલ્સોનારોના સમર્થકોએ રેલી કાઢી હતી. આ પ્રદર્શનને બોલ્સોનારોએ પોતે બોલાવ્યું હતું. તેમણે 20 મિનિટનું ભાષણ આપ્યું હતું. જેમાં તેમની સામેના આરોપોને ખોટા જાહેર કરાયા હતા. લોકોને રસ્તા પર ઉતરીને પોતાની તાકાત બતાવવા કહ્યું. આ પછી તે રેલીમાં જોડાયા.
બોલ્સોનારો હાથમાં ઇઝરાયલનો ધ્વજ પકડેલો જોવા મળ્યા હતા.
રેલીમાં ઈઝરાયલને સમર્થન આપ્યું હતું
બોલ્સોનારો અને તેમના સમર્થકો રેલીમાં ઈઝરાયલના ધ્વજ લઈને ફરતા જોવા મળ્યા હતા. તેઓએ લુલા દા સિલ્વાના વિરોધમાં અને ઇઝરાયલના સમર્થનમાં આ ધ્વજ રાખ્યા હતા. હકીકતમાં, તાજેતરમાં લુલા દા સિલ્વાએ કહ્યું હતું – નેતન્યાહુ ગાઝામાં નરસંહાર કરી રહ્યા છે. તેઓ પેલેસ્ટિનિયનો પર જે જુલમ ગુજારે છે તે હિટલરે યહૂદીઓ પર જેવો જ જુલમ કર્યો હતો. ગાઝામાં ઇઝરાયલનું ઓપરેશન હોલોકોસ્ટ જેવું છે.
હોલોકોસ્ટ એ ઇતિહાસનો નરસંહાર હતો જેમાં છ વર્ષમાં અંદાજે 60 લાખ યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી. તેમાંથી 15 લાખ માત્ર બાળકો હતા. જર્મનીમાં એડોલ્ફ હિટલર સત્તા પર હતો ત્યારે આ હત્યાકાંડ થયો હતો. બ્રાઝિલના લોકોએ આ નિવેદનનો વિરોધ કર્યો હતો.