બેઇજિંગ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીનમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ શી જિનપિંગ.
ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ ચીનના પ્રવાસે છે. આ દરમિયાન બુધવારે તેમણે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બેઇજિંગમાં ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે મુઇઝ્ઝુનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ શી જિનપિંગે માલદીવને તેમના જૂના સાથી ગણાવ્યા છે.
તેમણે કહ્યું કે માલદીવ-ચીન પાસે ભવિષ્યમાં તેમની ઐતિહાસિક ભાગીદારીને આગળ લઈ જવાની આ તક છે. શી જિનપિંગ સાથેની વાતચીત દરમિયાન મુઈઝ્ઝુએ કહ્યું કે માલદીવની આર્થિક સફળતામાં ચીને આપેલા સહયોગ કર્યો તે માટે તેઓ આભારી છે.
ચીનની સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, શી જિનપિંગે કહ્યું કે ચીન માલદીવને તેના રાષ્ટ્રીય હિતમાં કરવામાં આવી રહેલા વિકાસના એજન્ડામાં મદદ કરશે. ચીન તેની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવની રક્ષામાં માલદીવની સાથે ઊભું છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ મુઈઝ્ઝુનો આ બીજો વિદેશ પ્રવાસ છે. આ પહેલા તેઓ તુર્કી ગયા હતા.
ચીન અને માલદીવ વચ્ચે પ્રવાસન સહિત 20 મહત્વના કરારો થયા
ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવ અને ચીન વચ્ચે પ્રવાસન સહયોગ સહિત 20 મહત્વના કરારો થયા છે. શી જિનપિંગે કહ્યું છે કે તેઓ માલદીવમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરશે. મુઇઝ્ઝુએ કહ્યું કે ચીનની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત લેવા બદલ તેમને સન્માન મળ્યું છે. તેઓ ખુશ છે કે તેઓ ચીન માટે આ વર્ષે પ્રથમ વિદેશી મહેમાન છે.
માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું બંને દેશો વચ્ચે થયેલા કરારોમાં ટુરિઝમ કો-ઓપરેશન, બ્લુ ઈકોનોમી, ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
BRI દ્વારા ચીન માલદીવમાં ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે
ચીન બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (BRI) દ્વારા માલદીવમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને વેગ આપશે. જેમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ, ફિશરી પ્રોડક્ટ્સ ફેક્ટરીઓનું બાંધકામ, માલે અને વિલીમલેમાં રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
મુઇઝ્ઝુની ચીનની આ મુલાકાત પછી, બંને દેશો વચ્ચેના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક સહકારી ભાગીદારી પર પહોંચી ગયા છે. આ બંને દેશો વચ્ચેની સૌથી મોટી ત્રીજા સ્તરની ભાગીદારી માનવામાં આવે છે. કોઈપણ દેશ સાથેની આ ભાગીદારી દ્વારા ચીન બતાવે છે કે તે દેશ તેમના માટે વ્યૂહાત્મક રીતે કેટલો મહત્વપૂર્ણ છે.
રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ કહ્યું- ચીને વધુને વધુ પ્રવાસીઓને માલદીવ મોકલવા જોઈએ
બીજી તરફ, પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે ચીન ગયેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ મંગળવારે ચીનને તેના પ્રવાસીઓની સંખ્યા વધારવાની અપીલ કરી હતી. મુઈઝ્ઝુએ કહ્યું- ચીન અમારું ખાસ સાથી અને વિકાસ ભાગીદાર છે. અમે ઇચ્છીએ છીએ કે ચીનના વધુને વધુ પ્રવાસીઓ માલદીવમાં આવે. હિન્દ મહાસાગરમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે બંને દેશો વચ્ચે 50 મિલિયન ડોલરના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
કેવી રીતે શરૂ થયો ભારત-માલદીવ વિવાદ?
- મોહમ્મદ મુઈઝ્ઝુએ પોતાના ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો.
- સત્તામાં આવ્યા પછી, મુઇઝ્ઝુએ ભારતીય સૈનિકોને બહાર કાઢવાનો આદેશ આપ્યો.
- ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે કરાર સમાપ્ત કરવાની જાહેરાત કરી.
- માલદીવના બે મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી કરી હતી.
માલદીવમાં રોકાણ પર ચીનની નજર
માલદીવ પર ચીનનું 1.37 અબજ ડોલર એટલે કે 11 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. જે માલદીવના કુલ દેવાના 20% છે. ચીન પછી માલદીવને લોન આપવામાં સાઉદી અરેબિયા બીજા સ્થાને છે અને ભારત ત્રીજા નંબરે છે.
માલદીવ 2014માં BRIમાં જોડાયા પછી ત્યાં ચીની કંપનીઓનું રોકાણ વધીને 1.37 અબજ ડોલર થઈ ગયું છે.
ભારત-માલદીવ વિવાદ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
ટૂરિઝમ એસોસિએશન ઑફ માલદીવ્સે કહ્યું- ભારતીયો અમારા ભાઈ-બહેન છેઃ EaseMyTrip ને ફરી મુસાફરી શરૂ કરવા અપીલ કરી
ભારત સાથેના વિવાદ વચ્ચે, માલદીવની પ્રવાસન સંસ્થાએ ભારતની EaseMyTrip કંપનીને માલદીવની મુસાફરી માટે ફરીથી ફ્લાઇટ બુકિંગ શરૂ કરવાની અપીલ કરી છે. માલદીવ એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સ (MATATO) એ મંગળવારે કહ્યું – ભારતીયો અમારા માટે ભાઈ-બહેન છે.