આપણે ત્યાં એક કહેવત છે – ઘરનો દાઝેલો ગામ બાળે. ભારત, ચીન, રશિયા અને યુરોપિયન દેશો બધી રીતે આગળ છે. આ વાત જગત જમાદાર બનીને ફરતા અમેરિકાને ખૂંચી રહી છે. અમેરિકા તો અમેરિકા જ છે, એવું સાબિત કરવા ટ્રમ્પ બેબાકળા બન્યા છે. પોતાનું ઘર સાચવવા હવે ગામ બાળવા ન
.
ઘટના-1 : ફેબ્રુઆરી 2025. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર 90 મિનિટ સુધી વાત કરી. આ પછી યુક્રેન યુદ્ધ અંગે સાઉદી અરેબિયામાં રશિયા અને અમેરિકા વચ્ચે હાઇ લેવલ મિટિંગ થઈ. આમાં યુક્રેનને આમંત્રણ નહોતું. આના કારણે યુરોપિયન દેશોનું સંગઠન યુરોપિયન યુનિયન ભડકી ઊઠ્યું છે.
ઘટના-2 : ફેબ્રુઆરી 2025. ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોને ધમકાવ્યા ને ટેરિફ વધારવા ચીમકી આપી. અત્યારસુધી યુરોપિયન દેશો અમેરિકાનું સાંભળી લેતા હતા, પણ આ વખતે બધા એક થઈને અમેરિકાને બાથ ભીડવા તૈયાર થઈ ગયા છે. આનાથી ટ્રમ્પને આંચકો લાગ્યો છે, પણ અમેરિકા અને EU વચ્ચે ટ્રેડવોર થાય તો ગ્લોબલ ઇકોનોમી હલબલી જાય.
નમસ્કાર,
ટ્રમ્પની માનસિકતા હવે એવી થઈ ગઈ છે કે ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં..’. પણ તેમની આ માનસિકતા તેમને જ ભારે પડવાની છે. ટેરિફનો મામલો હોય, મેક્સિકો બોર્ડરનો વિવાદ હોય, ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલવાનું હોય, ભારત સામે લાલ આંખ કરવાની હોય, રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે યુરોપને ચીમકી આપવાની હોય. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે એ સાબિત કરી રહ્યા છે કે અમેરિકા જગતજમાદાર હતું, છે ને રહેશે.
પહેલા રશિયા-યુક્રેન વોરની વાત કરીએ….
12થી 17 ફેબ્રુઆરી વચ્ચે શું થયું?
12 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ફોન કર્યો કે આપણે જલદી મળીશું. 17 ફેબ્રુઆરીએ યુરોપિયન લીડર્સ મળ્યા. ઈમર્જન્સી સમિટ બોલાવવામાં આવી.
16 ફેબ્રુઆરીએ બે મહત્ત્વની ઘટના બની. પહેલી એ કે અમેરિકાના મિડલ ઈસ્ટના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફ અને અમેરિકાના NSA માઇક વોલ્સ સાઉદી અરેબિયા જવા રવાના થયા. બીજી એ કે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોની રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લેવરોવ સાથે ફોનમાં વાત થઈ. 17 ફેબ્રુઆરીએ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાઉદી પહોંચી ગયા. અહીં તેમની મુલાકાત રશિયન અધિકારીઓ સાથે થઈ હતી, જેમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ પણ હતા. વર્ષો પછી આટલા હાઇ લેવલે રશિયા અને અમેરિકાની મુલાકાત થઈ.
ટ્રમ્પની નીતિથી યુરોપિયન યુનિયન ભડક્યું
સવાલ એ છે કે આ મિટિંગ તાબડતોબ સાઉદી અરબમાં કેમ મળી? આ સવાલનો એક જ જવાબ છે કે રશિયા-યુક્રેન યુદ્ધને કેવી રીતે રોકવામાં આવે. આમાં બે મહત્ત્વની વાતો સામે આવી. એક તો એ કે આ ઇમર્જન્સી મિટિંગમાં યુક્રેનને સામેલ નહોતું કરાયું અને બીજી વાત એ કે આમાં યુરોપિયન યુનિયન (EU)ના દેશો પણ સામેલ નહોતા. આ વાતની જાણ થતાં જ યુરોપ ભડક્યું અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ઇમર્જન્સીમાં યુરોપિયન દેશોની સમિટ બોલાવી. એ પણ 17 ફેબ્રુઆરીએ યોજાઈ, જેમાં ફ્રાન્સ, બ્રિટન, જર્મની, પોલેન્ડ, ઈટાલી, સ્પેન અને ડેનમાર્કના લીડર્સ સામેલ થયા હતા. આમાંથી એક દેશ બ્રિટન આમ તો હવે યુરોપિયન યુનિયનનો હિસ્સો નથી, પણ તે યુક્રેનને મદદ મોકલતું રહ્યું છે. જ્યારે સાઉદી અરબમાં ઇમર્જન્સી સમિટ મળી ત્યારે જ બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે યુક્રેનને ઓફર કરી કે જરૂર પડે તો યુક્રેનની રક્ષા માટે અમે સૈનિકો મોકલીશું. આ આખા ઘટનાક્રમ પરથી અત્યારે તો લાગી રહ્યું છે કે ટ્રમ્પ યુદ્ધ રોકવાને બદલે ત્રીજું વિશ્વયુદ્ધ કરાવી દેશે.
યુરોપિયન યુનિયન શું છે? તે ટ્રમ્પથી કેમ ભડક્યું છે?
તે યુરોપના 27 દેશનું સંગઠન છે. આ દેશોની સરકારો હળીમળીને કામ કરે છે. અહીંથી ડિપ્લોમેટિક અને ઇકોનોમિકલી મહત્ત્વના નિર્ણયો લેવાય છે. યુરોપિયન યુનિયન ઈચ્છે છે કે સાઉદીમાં જે ઇમર્જન્સી સમિટ થઈ એમાં યુક્રેનને સામેલ કરવું જોઈએ. અત્યારે યુક્રેનનો 20 ટકા હિસ્સો રશિયાના કબજામાં છે. યુરોપિયન યુનિયન ટ્રમ્પ પર ભડકેલું છે, કારણ કે સાઉદી અરબમાં જે મિટિંગ થઈ એની જાણ યુરોપિયન યુનિયનને કરવામાં નથી આવી. આ પ્રકારના મહત્ત્વના અને સંવેદનશીલ મુદ્દે બે દેશ જ્યારે ત્રીજા દેશમાં મિટિંગ કરે ત્યારે EUને જાણ કરવી જરૂરી છે, પણ આવું થયું નહીં. યુરોપિયન યુનિયને ટ્રમ્પના ઝેલેન્સ્કી વિશેના નિવેદનનો પણ વાંધો લીધો હતો.
ટ્રમ્પે યુક્રેન યુદ્ધ માટે કહેલાં 8 મહત્ત્વનાં નિવેદનો
- એક સામાન્ય કોમેડિયને અમેરિકાને 350 બિલિયન ડોલર ખર્ચ કરવા મનાવી લીધું. એ પણ એવા યુદ્ધ માટે, જે ક્યારેય તે જીતી શકે એમ નથી.
- ઝેલેન્સકી આ યુદ્ધને અમેરિકા અને ટ્રમ્પ વગર ક્યારેય રોકી નહીં શકે.
- ઉંઘમાં રહેતા બાઈડેને યુરોપ સાથે બરાબરીની માગણી કેમ ન કરી? અમેરિકા કરતાં યુરોપ માટે આ યુદ્ધ વધારે મહત્વનું છે.
- ઝેલેન્સકીએ પોતે કબૂલ્યું છે કે, અમેરિકાએ જે પૈસા મોકલ્યા છે તેમાંથી અડધા ગાયબ થઈ ગયા છે.
- ઝેલેન્સકી લોકપ્રિય નથી એટલે ચૂંટણી કરાવતા નથી. એ માત્ર બાઈડનને નચાવવામાં માહિર છે.
- આ તાનાશાહે જલ્દી કાંઈક કરવું પડશે, નહીંતર તેના હાથમાંથી યુક્રેન જતું રહેશે.
- અમે યુદ્ધ રોકવા માટે રશિયા સાથે વાતચીત કરી રહ્યા છીએ.
- આખી દુનિયા જાણે છે કે, રશિયા-યુક્રેન વોર જો કોઈ રોકાવી શકે તેમ હોય તો એ માત્ર ટ્રમ્પ છે.
બાઈડન યુક્રેનની પડખે હતા, ટ્રમ્પે બાજી પલટી નાખી
જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે યુક્રેનને સપોર્ટ કરતા હતા અને રશિયાની નીતિને વખોડતા હતા. ત્રણ વર્ષ સુધી અમેરિકા યુક્રેનને સપોર્ટ કરતું રહ્યું પણ હવે ટ્રમ્પના આવ્યા પછી અમેરિકાએ યુક્રેનનો સાથ છોડી ને રશિયાનો હાથ પકડ્યો છે. અમેરિકાએ યુક્રેનને તમામ પ્રકારની મદદ કરવાનું બંધ કરી દીધું. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે, યુક્રેન કોઈ રીતે NATOમાં જોડાઈ ન શકે. અમેરિકા હવે યુક્રેન અને યુરોપીય દેશોની સુરક્ષાને પ્રોયોરિટી નહીં આપે. અમેરિકાના રક્ષામંત્રીનું સ્ટેટમેન્ટ આવ્યું ને એ જ દિવસે ટ્રમ્પે પુતિન સાથે ફોનમાં 90 મિનિટ વાતચીત કરી. વાતચીત કર્યાના છઠ્ઠા દિવસે સાઉદી અરબમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ વચ્ચે હાઈલેવલ મિટિંગ થઈ જે 4 કલાક ચાલી. આ મિટિંગમાં યુક્રેનને આમંત્રણ નહોતું. ઝેલેન્સકી પણ ગાંજ્યા જાય એમ નથી. એમણે પણ સોય ઝાટકીને કહી દીધું કે, કોઈપણ દેશ કે વ્યક્તિ પોતાના નિર્ણય યુક્રેન પર ઠોકી બેસાડવા માગે, તે નહીં ચાલે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બધા માન આપે છે. મને અફસોસ છે કે તે પણ રશિયાએ ઊભી કરેલી આભાસી દુનિયામાં જીવી રહ્યા છે.
અમેરિકાએ ચાવી ટાઈટ કરી ને રશિયાએ 267 ડ્રોનથી યુક્રેન પર હુમલો કર્યો
શાંતિની અને યુદ્ધ વિરામની ખોખલી વાતો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ફોનમાં ચાવી ટાઈટ કરી કે, અમેરિકા રશિયાની સાથે છે. યુક્રેનને છોડતા નહીં. પુતિન માંડ માંડ ઢીલા પડ્યા હતા ત્યાં ટ્રમ્પે પાનો ચડાવ્યો ને રશિયાએ 23 ફેબ્રુઆરીના દિવસે 267 ડ્રોનથી કીવ સહિતના 13 શહેરો પર હુમલો કર્યો. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું તેના ત્રણ વર્ષ પૂરાં થવાના આગલા દિવસે જ રશિયાએ હુમલો કરી દીધો. રશિયાએ એકસાથે 267 ડ્રોનથી હુમલો કર્યો હોય એવું પહેલીવાર બન્યું છે. યુક્રેનના 13 શહેરોમાં 267 ડ્રોન અને 3 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. રશિયાએ યુક્રેનને ફરી તબાહ કરવાનું શરૂ કરી દીધું છે.
ત્રણ વર્ષમાં કોને કેટલું ડિફેન્સ નુકસાન થયું?
ટેન્ક નાશ પામી
- રશિયા – 11,819
- યુક્રેન – 3,933
એન્ટિ મિસાઈલ સિસ્ટમ અને તોપનું નુકસાન
- રશિયા – 8,236
- યુક્રેન – 3,702
ફાઈટર પ્લેન તૂટ્યા
- રશિયા – 305
- યુક્રેન – 183
વોર શિપનું નુકસાન
- રશિયા – 20,382
- યુક્રેન – 7,853
ત્રણ વર્ષમાં યુક્રેનને કોણે કેટલી મદદ કરી?
- અમેરિકા – 10.38 લાખ કરોડ રૂપિયા
- EU – 4.46 લાખ કરોડ રૂપિયા
- જર્મની – 1.57 લાખ કરોડ રૂપિયા
- બ્રિટન – 1.35 લાખ કરોડ રૂપિયા
- જાપાન – 0.96 લાખ કરોડ રૂપિયા
- કેનેડા – 0.75 લાખ કરોડ રૂપિયા
- (રશિયાને કોઈ દેશે આર્થિક મદદ નથી કરી)
હવે અમેરિકા અને યુરોપીયન દેશોની વાત….
ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ આપ્યું તેનાથી યુરોપીયન યુનિયન (EU) વધારે ભડકી ઉઠ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, યુરોપીયન સંઘે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. હવે સમય આવી ગયો છે કે અમેરિકા બદલો લે. પણ આ વખતે યુરોપ પણ શાંતિથી બેઠું રહે એવું નહીં બને. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એવું નિવેદન આપ્યું કે એ સાંભળીને ટ્રમ્પને પણ આંચકો લાગ્યો. તમને આટલું વાંચીને એવું લાગતું હોય કે, આ તો અમેરિકા અને યુરોપની વાત છે. આપણને ફેર નહીં પડે, તો એ ભ્રમમાં ન રહેતા. અમેરિકા-યુરોપ વચ્ચેના ડખાથી આખી દુનિયાની ઈકોનોમી હલબલી જાય તેમ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે EU (યુરોપીયન યુનિયન)ને ચેતવણી આપી છે કે અમે યુરોપ પર ટેરિફ લગાવીશું અને તેનો અમલ બહુ જલ્દી થશે. ટ્રમ્પના આ નિવેદનથી આખું યુરોપ ટેન્શનમાં આવી ગયું છે. જો ટ્રમ્પ યુરોપીયન દેશો પર તગડો ટેરિફ લગાવે છે તો યુરોપની ઘણી મોટી ઈન્ડસ્ટ્રી બંધ કરવી પડે તેવી હાલત થાય તેમ છે. અત્યાર સુધી યુરોપીય સંઘ અમેરિકાની દરેક વાત ચૂપચાપ સાંભળતું હતું પણ આ વખતે ટ્રમ્પે જે ભાષામાં વાત કરી, તે સાંભળીને યુરોપીયન યુનિયન વધારે ઉશ્કેરાયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એવું નિવેદન આપ્યું છે કે, જો અમેરિકા યુરોપ પર પ્રહાર કરશે તો યુરોપ પણ તમામ પ્રકારની જવાબી કાર્યવાહી માટે તૈયાર છે. મેક્રોને યુરોપીયન યુનિયનને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે યુરોપ પોતાને મજબૂત બનાવે અને અમેરિકા પરની બિઝનેસ ડિપેન્ડન્સીને ખતમ કરે. ઈમેન્યુઅલ મેક્રોને યુરોપીય દેશોને આત્મનિર્ભર બનાવવા માટે ત્રણ પગલાં લેવાની જાહેરાત કરી છે.
- યુરોપની ઈન્ડસ્ટ્રીને પગભર બનાવવા યુરોપ હવે પોતાની કંપનીઓ અને ટેકનોલોજી સિસ્ટમમાં વધારે રોકાણ કરશે. એટલે અમેરિકા પર નિર્ભર ન રહેવું પડે.
- ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભરતા લાવવા માટે મેક્રોન ઈચ્છે છે કે યુરોપ ડિફેન્સ સેક્ટરમાં વધારે ખર્ચ કરે જેથી અમેરિકા પરની સૈન્ય સહાય ઘટાડી શકાય.
- જો અમેરિકાએ યુરોપ પર ટેરિફ લગાવ્યો તો યુરોપ પણ અમેરિકી કંપનીઓ પર ભારે ભરખમ ટેરિફ લાગૂ કરશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને યુરોપના પોલિટિકલ સંબંધો વણસ્યા છે. અમેરિકાની વિદેશ નીતિના કારણે યુરોપને લાગે છે કે હવે યુરોપના દેશોએ પહેલાંની જેમ અમેરિકા પર ભરોસો ન કરવો જોઈએ. બીજી તરફ, અમેરિકા ઈચ્છે છે કે યુરોપીયન દેશો પોતે જે નિર્ણય કરે તેને ટેકો આપે. ખાસ કરીને ચીન અને રશિયાના મુદ્દે.
યુરોપની ઘણી મોટી કંપનીઓ જેમ કે એરબસ, વોલ્વો, અમેરિકાની કંપનીઓને ટક્કર આપી રહી છે. અમેરિકાને લાગી રહ્યું છે કે યુરોપીયન દેશોની સરકારો તેની કંપનીઓને મદદ કરી રહી છે, તેના કારણે અમેરિકાની કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે અમેરિકા અને યુરોપ વચ્ચે જબરદસ્ત હરિફાઈ જામી છે. અમેરિકાને એ વાતનો ડર છે કે યુરોપની કંપનીઓ શક્તિશાળી બની જશે.
અમેરિકા-યુરોપની માથાકૂટ ભારતને ભારે પડશે
અમેરિકા અને યુરોપ વચ્ચે જો ટ્રેડ વોર શરૂ થશે તો તેની સીધી અસર વિશ્વના ઘણા દેશો પર થશે, તેમાંથી ભારત પણ બાકાત નહીં રહે. ભારતમાં ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં સીધી અસર પડવાની સંભાવના છે. આઈફોન, મેકબુક, પ્લે સ્ટેશન, BMW, ઔડી, મર્સિડિસ જેવી કારના ભાવ આસમાને આંબી શકે છે.
અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ વોર થાય તો ભારત પર શું અસર પડે?
- અર્થવ્યવસ્થા ભાંગે
- નોકરીઓ પર જોખમ ઊભું થાય
- રોકાણ પર સીધી અસર પડે
છેલ્લે,
બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે એવું કહ્યું છે કે, જે દેશ રશિયા સાથે સંબંધ રાખશે તેને બ્રિટનમાં એન્ટ્રી નથી. એનો સીધો ઈશારો અમેરિકા તરફ છે. યુરોપીયન યુનિયને પણ આક્રમક બનીને અમેરિકાનું નાક દબાવ્યું છે. હવે આવતા સપ્તાહે ફ્રાન્સના વડાપ્રધાન મેક્રોન અને બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર વાત વણસે નહીં તેનો રસ્તો શોધવા ટ્રમ્પ સાથે અમેરિકામાં મિટિંગ કરવાના છે. ટ્રમ્પ જે મૂડમાં છે તે જોતાં એટલું અનુમાન ચોક્કસ લગાવી શકાય કે ટ્રમ્પની બાબતમાં પાંચમની છઠ્ઠ ક્યારેય થઈ નથી.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )