3 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના આરોપોનો જવાબ આપ્યો છે. ભારતીય રાજદ્વારી ભાવિકા મંગલાનંદને જવાબના અધિકાર હેઠળ પાકિસ્તાની PMના ભાષણને ‘પાખંડી’ ગણાવ્યું હતું.
ભારતીય રાજદ્વારીએ જણાવ્યું હતું કે,
કમનસીબે આવો તમાશો આજે વિધાનસભામાં જોવા મળ્યો. આતંકવાદ, અપરાધ અને ડ્રગ્સની હેરાફેરી માટે વિશ્વભરમાં કુખ્યાત એવા સેના દ્વારા નિયંત્રિત દેશે વિશ્વની સૌથી મોટી લોકશાહી પર હુમલો કરવાની હિંમત કરી છે.
રાજદ્વારી ભાવિકાએ કહ્યું કે, વિશ્વ લાંબા સમયથી જાણે છે કે પાકિસ્તાને તેના પડોશીઓ વિરુદ્ધ સીમાપાર આતંકવાદનો ઉપયોગ કર્યો છે. તેઓએ આપણી સંસદ, આપણી આર્થિક રાજધાની મુંબઈ, આપણા બજારો અને યાત્રાધામો પર હુમલો કર્યો છે. આ યાદી ઘણી લાંબી છે.
ભાવિકા મંગલાનંદનની આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભારતીય રાજદ્વારીએ 1971ના નરસંહારની યાદ અપાવી રાજદ્વારી ભાવિકાએ કહ્યું કે, પાકિસ્તાન જેવા દેશ માટે ક્યાંય પણ હિંસાની વાત કરવી એ સૌથી મોટો પાખંડ છે. ચૂંટણીમાં ગેરરીતિઓનો ઈતિહાસ ધરાવતો દેશ લોકશાહીમાં રાજકીય વિકલ્પો વિશે વાત કરે છે તે આશ્ચર્યજનક છે.
ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે, પાકિસ્તાને 1971માં બાંગ્લાદેશમાં નરસંહાર કર્યો હતો અને હજુ પણ તેના લઘુમતીઓ પર અત્યાચાર ગુજારે છે. હવે તેમના નેતાઓ અસહિષ્ણુતા અને ફોબિયાની વાત કરી રહ્યા છે.
ભારતીય રાજદ્વારીએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની નજર આપણી જમીન પર છે. તેણે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં સતત આતંકવાદનો ઉપયોગ કર્યો છે.
શાહબાઝ શરીફનો જૂનો કાશ્મીર રાગ આ પહેલા પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે યુએનજીએમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કાશ્મીરની તુલના પેલેસ્ટાઈન સાથે કરી હતી. પોતાના 20 મિનિટના ભાષણમાં શરીફે કલમ 370 અને બુરહાન વાનીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શરીફે કહ્યું હતું કે, ભારત સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. તેનો ઉપયોગ તે પાકિસ્તાન સામે કરી શકે છે. પાકિસ્તાની પીએમએ ભારતને ચેતવણી આપતા કહ્યું કે, એલઓસી પર કોઈપણ હુમલાનો પાકિસ્તાન જવાબ આપશે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 79મા સત્રને સંબોધિત કર્યું.
પાકિસ્તાની PMએ કહ્યું- ભારતે કલમ 370 હટાવી લેવી જોઈએ PM શરીફે કહ્યું કે, કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે ભારતે કલમ 370નો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. તેમણે કહ્યું કે, પેલેસ્ટાઈનના લોકોની જેમ કાશ્મીરના લોકોએ પણ એક સદી સુધી તેમની આઝાદી માટે સંઘર્ષ કર્યો.
શરીફે કહ્યું, ‘ભારતીય દમન છતાં કાશ્મીરના લોકો બુરહાન વાનીની વિચારધારાને જાળવી રાખે છે અને સતત લડી રહ્યા છે. આ લડાઈમાં અમે તેમની સાથે છીએ.
પાકિસ્તાની પીએમએ વિશ્વમાં વધી રહેલા ઈસ્લામોફોબિયા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કુરાનનું અપમાન વધ્યું છે. મસ્જિદો પર હુમલા થઈ રહ્યા છે. આ ચિંતાનો વિષય છે અને આપણે સાથે મળીને તેનો સામનો કરવો જોઈએ.
શરીફે એમ પણ કહ્યું કે, ઇસ્લામોફોબિયાની સૌથી ભયાનક સ્થિતિ ભારતમાં છે. ભારતમાં હિંદુ સર્વોપરિતાનો એજન્ડા પ્રભુત્વ ધરાવે છે. તેનો ઉદ્દેશ્ય 20 કરોડ ભારતીય મુસ્લિમોને નબળા પાડવાનો અને ભારતના ઈસ્લામિક વારસાને ભૂંસી નાખવાનો છે.