એક કલાક પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલની સેનાએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હમાસના આતંકીઓએ હથિયારો છુપાવવા માટે બાળકોના રમકડાંનો ઉપયોગ કર્યો હતો. IDF દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એક સૈનિક ટેડી બિયરને ફાડતો જોવા મળે છે. તે તેમાંથી ગન કાઢે છે. IDF એ એવો પણ દાવો કર્યો હતો કે હમાસ ગાઝામાં યુએનની સ્કૂલમાંથી તેમના પર ગોળીબાર કરી રહ્યું હતું.
ગાઝાની અડધી વસ્તી એટલે કે લગભગ 1 મિલિયન લોકો પાસે ખાવા માટે કંઈ બચ્યું નથી. યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અનુસાર, ગાઝાની વસ્તી ભૂખમરાથી મરી રહી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડેપ્યુટી ડાયરેક્ટર કાર્લ સ્કોએ કહ્યું છે કે તેઓ ગાઝાના 10 લાખ લોકોની એક મહિનાની ભૂખ સંતોષવા માટે પૂરતા સામાનની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમજ, કતાર મીડિયા અલ જઝીરા અનુસાર, ખાન યુનિસમાં ઇઝરાયલના બોમ્બ ધડાકાને કારણે ડઝનેક લોકોના મોત થયા છે.
હમાસના આતંકવાદીઓ જરુરી ચીજવસ્તુઓની ચોરી કરે છે
ઇઝરાયલનું કહેવું છે કે હમાસના આતંકવાદીઓ ગાઝાના લોકો સુધી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચવા દેતા નથી. તેઓ ખોરાકની ચોરી કરે છે. આવશ્યક સામાન લેવા આવેલા લોકો પર હુમલો કર્યા બાદ આતંકવાદીઓ આ સામાન લઈને ભાગી રહ્યા છે. ઈઝરાયેલની સેનાએ આનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં હમાસના આતંકવાદીઓ રાહત સામગ્રીની ચોરી કરતા જોવા મળે છે. સેનાએ વીડિયોની સાથે લખ્યું- ગાઝાના લોકોની જરૂરિયાતો કરતા આતંકવાદીઓની જરૂરિયાતો વધુ મહત્વની છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ આ વીડિયો જાહેર કર્યો છે. જેમાં હમાસના આતંકવાદીઓ લોકોને માર મારતા અને જરૂરી સામાન સાથેના વાહનોને લઈ જતા જોવા મળે છે.
અમેરિકન વીટોથી નારાજ આરબ દેશો
ગાઝામાં યુદ્ધવિરામ પ્રસ્તાવ સામે યુએનએસસીમાં વીટો પાવરના ઉપયોગથી આરબ દેશો નારાજ છે.સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે અમેરિકા તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.
તેમણે કહ્યું કે એક પક્ષ એવો છે જે સીઝફાયરને ખરાબ શબ્દ માને છે. હું સમજી શકતો નથી કે આવું કેમ છે. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે અમેરિકાના યુદ્ધવિરામને રોકવાથી મધ્ય પૂર્વમાં મોટા વિસ્ફોટ થશે. બીજી તરફ, યમનના હુતી બળવાખોરોએ જાહેરાત કરી છે કે હવેથી તેઓ ઇઝરાયલ જનારા તમામ જહાજો પર હુમલો કરશે, પછી ભલે તેમનો માલિક કોઈ પણ દેશ હોય.
યુદ્ધ સાથે જોડાયેલી 3 તસવીરો…
ખાન યુનિસમાં ઇઝરાયલના બોમ્બ ધડાકામાં માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કાર કરી રહેલા સંબંધીઓ.
ઇઝરાયલના બોમ્બ ધડાકામાં ઘાયલ બાળકો નાસેર હોસ્પિટલમાં સારવાર માટે રાહ જોઈ રહ્યા છે.
અંતિમ સંસ્કાર દરમિયાન તેના પરિવારના સભ્યની મોતથી રડતી છોકરી.
પોતાના બાળકને ખોળામાં લઈને ઉભેલી આ મહિલા રાફામાં પોતાના ઘરની તબાહી જોઈ રહી છે.
અમેરિકા ઇઝરાયલને 45 હજાર શેલ આપશે
બાઈડેન વહીવટીતંત્ર યુદ્ધમાં સીધા પ્રવેશવાને બદલે શસ્ત્રો આપીને ઇઝરાયલને મદદ કરી રહ્યું છે. શનિવારે યુએનએસસીમાં યુદ્ધવિરામ પ્રસ્તાવને વીટો કર્યા પછી, અહેવાલ છે કે બાઈડેન વહીવટીતંત્ર યુએસ કોંગ્રેસને ઇઝરાયેલને વધુ દારૂગોળો આપવા માટે રાજી કરી રહ્યું છે.
આ હોવા છતાં, તેમના ઉપયોગથી ગાઝામાં નાગરિકોની હત્યા પણ થઈ શકે છે. આ દારૂગોળો, જેની કિંમત $500 મિલિયન છે, તે અમેરિકાની ઇઝરાયલને $110.5 બિલિયનની સહાયથી અલગ છે.
અમેરિકા પર હાલમાં ઇઝરાયલની સાથે સાથે યુક્રેનને પણ મદદ કરવા દબાણછે.
યુદ્ધમાં 2 હજાર ઇઝરાયલી સૈનિકો દિવ્યાંગ બન્યા
ઇઝરાયલના Y-Net ન્યૂઝ અનુસાર, હમાસના આતંકીઓ સામે લડતી વખતે ઘાયલ થયેલા 5 હજાર ઇઝરાયલી સૈનિકો પરત ફર્યા છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝામાંથી દરરોજ 60 સૈનિકો ઘાયલ થઈને પરત ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં પરત ફરેલા 5 હજાર ઘાયલ સૈનિકોમાંથી 2 હજાર સૈનિક વિકલાંગ બન્યા છે.
આ યુદ્ધમાં એક પ્રખ્યાત પેલેસ્ટિનિયન પ્રોફેસર પણ માર્યા ગયા હોવાની માહિતી છે. અમેરિકન મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર પ્રોફેસર રિફાત અલારીર ગાઝાની ઈસ્લામિક યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તેમણે ગાઝા રાઈટસ બેક અને ગાઝા અનસાઈલેન્સ્ડ નામના બે પુસ્તકો લખ્યા હતા.