14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિસેમ્બર 2023માં આયોજિત COP28 સમિટમાં PM મોદી અને રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા માટે સત્તાવાર રીતે 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે. રવિવારે મીડિયા સાથે વાત કરતાં માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા અબ્દુલ્લા નઝીમ ઈબ્રાહિમે આ જાણકારી આપી. તેમણે કહ્યું- ભારતીય સૈનિકો માલદીવમાં રહી શકતા નથી. રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ અને તેમની સરકારની આ જ નીતિ છે.
માલદીવ મીડિયાએ ત્યાંની સરકારને ટાંકીને કહ્યું કે હાલમાં 88 ભારતીય સૈનિકો માલદીવમાં હાજર છે. બંને દેશો વચ્ચે સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ રવિવારે માલદીવના વિદેશ મંત્રાલય સાથે તેની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના હાઈકમિશનર મુનુ મહાવર પણ હાજર હતા.
સપ્ટેમ્બર 2023માં આયોજિત માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન મુઈઝ્ઝુએ ભારતીય સેનાની હાજરી સામે ‘ઈન્ડિયા આઉટ’ ના નારા લગાવ્યા હતા.
શું ભારત માલદીવમાંથી સૈનિકો હટાવશે?
હજુ સુધી વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ COP28માં કહ્યું હતું કે ભારત સરકારે માલદીવમાં હાજર તેના સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ કહ્યું હતું- આ મુદ્દે ભારત સરકાર સાથે ચર્ચા થઈ છે. ભારત સૈનિકો પાછા ખેંચવા માટે સંમત થઈ ગયું છે. વિકાસ પરિયોજનાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા માટે પણ સહમતિ બની છે.
માલદીવમાં ભારતીય સૈનિકો શું કરી રહ્યા છે?
ભારતે 2010 અને 2013માં માલદીવને બે હેલિકોપ્ટર અને 2020માં એક નાનું એરક્રાફ્ટ ભેટમાં આપ્યું હતું. આને લઈને માલદીવમાં ભારે હોબાળો થયો હતો. મુઈઝ્ઝુના નેતૃત્વમાં વિપક્ષે તત્કાલીન રાષ્ટ્રપતિ સોલિહ પર ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
ભારતનું કહેવું છે કે ભેટમાં મળેલા એરક્રાફ્ટનો ઉપયોગ સર્ચ-એન્ડ-રેસ્ક્યૂ ઓપરેશન્સ અને દર્દીઓના પરિવહન માટે થવાનો હતો. માલદીવની સેનાએ 2021માં કહ્યું હતું કે આ વિમાનના ઓપરેશન અને સમારકામ માટે 70થી વધુ ભારતીય સેનાના જવાનો દેશમાં હાજર છે.આ પછી માલદીવના વિરોધ પક્ષોએ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન શરૂ કર્યું. તેમની માંગ એવી હતી કે ભારતીય સુરક્ષા દળોના જવાનોએ માલદીવ છોડવું જોઈએ.
‘ભારતીય સૈનિકોને હટાવવાની માલદીવની જનતાની ઈચ્છા છે’
જાન્યુઆરીની શરૂઆતમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુને ભારતની સૈન્ય હાજરીના મુદ્દે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સવાલ એ હતો કે શું ભારત તેના સૈનિકોને બહાર કાઢવાના આગ્રહથી ચિંતિત છે.
જો તેઓ નીકળી જશે તો ભારતીય સંપત્તિઓ અથવા નેવલ હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ જેવા પ્લેટફોર્મનું શું થશે. તે સ્થાનિક લોકોના જીવન બચાવવા અને અન્ય HADR પ્રવૃત્તિઓને સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે?
આનો મુઈઝ્ઝુએ જવાબ આપ્યો હતો – આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માલદીવના લોકોએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ દેશમાં વિદેશી સૈનિકોની હાજરી નથી ઈચ્છતા. હાલમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેના સૈનિકો અહીં હાજર છે. માલદીવના નાગરિકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મેં ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા કહ્યું છે.
મને પૂરો વિશ્વાસ છે કે વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ ભારત માલદીવની જનતાની ઈચ્છાઓનું સન્માન કરશે. હું માનું છું કે અમારા દ્વિપક્ષીય સંબંધો એટલા મજબૂત છે કે બંને દેશો આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકે છે.
ઉપરાંત, તેઓ લશ્કરી હાજરી વિના તેમના સંબંધોને વધુ મજબૂત કરી શકે છે. મને કોઈ શંકા નથી કે ભારત અથવા હિંદ મહાસાગરમાં હિત ધરાવતો અન્ય કોઈ દેશ આપણા નાગરિકોની લોકશાહી ઈચ્છાનું સન્માન કરશે.
‘ઇન્ડિયા આઉટ’ અભિયાન 2 વર્ષ પહેલાં માલદીવમાં શરૂ થયું હતું
2018 ની વાત છે. રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન, ચીનના નજીકના અને પીપીએમના નેતા, રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા. બાદમાં તેને એક બિલિયન ડોલરના સરકારી ભંડોળની હેરાફેરી અને દુરુપયોગ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 2019માં યામીનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ નવા રાષ્ટ્રપતિ બન્યા, જેમણે ‘ઈન્ડિયા ફર્સ્ટ’ની નીતિનું પાલન કર્યું.
કોરોનાને કારણે યામીનની જેલની સજાને નજરકેદમાં ફેરવવામાં આવી હતી. નવેમ્બર 2021 માં, યામીન સામેના તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા હતા અને 30 નવેમ્બરના રોજ તેને મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, તેમના માટે ફરીથી રાજકારણમાં પ્રવેશવાનો રસ્તો સાફ થઈ ગયો. આ પછી તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા અને ઘણીવાર પોતાના ભાષણોમાં લોકોને તેમના ઘરની દિવાલો પર ‘ઈન્ડિયા આઉટ’ લખવાની અપીલ કરવા લાગ્યા.
મોહમ્મદ મુઈઝ્ઝુએ 2023ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોહમ્મદ સોલિહ સામે પોતાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે માલદીવમાં ભારતીય સેનાની કથિત હાજરી સામે ‘ઈન્ડિયા આઉટ’ ના નારા લગાવ્યા અને તેને લઈને અનેક વિરોધ પ્રદર્શનો પણ કર્યા. આ ઓપરેશન એ માન્યતા પર આધારિત હતું કે ભારતીય સૈનિકોની હાજરી માલદીવની સાર્વભૌમત્વ માટે ખતરો છે.
પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (PPM)ના નેતા મોહમ્મદ મુઈઝ્ઝુએ ઑક્ટોબરમાં યોજાયેલી માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી હતી. PPM જોડાણ ચીન સાથેના તેના ગાઢ સંબંધો માટે જાણીતું છે. મુઈઝ્ઝુની જીત સાથે, એવી અટકળોએ જોર પકડ્યું છે કે અત્યાર સુધી વર્તમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિને અનુસરતા માલદીવનું વલણ બદલાશે અને આ ભારત માટે સમસ્યા બની શકે છે.