વોશિંગ્ટન20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિવેદન પર મેક્સિકોએ ચેતવણી આપી છે. પ્રમુખ ક્લાઉડિયા શિનબામે જણાવ્યું હતું કે, જો યુએસ મેક્સિકો પર ટેરિફ વધારશે, તો તે પણ તેના જવાબમાં ટેરિફ વધારશે.
શિનબામે ટ્રમ્પના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે, મેક્સીકન રાષ્ટ્રપતિ અમેરિકામાં સ્થળાંતર રોકવા માટે તેની સરહદો સીલ કરવા માટે તૈયાર છે. શિનબામ કહ્યું કે, તેનો સરહદ સીલ કરવાનો કોઈ ઇરાદો નથી.
મેક્સિકોના અર્થતંત્ર પ્રધાન માર્સેલો એબ્રાર્ડે પણ અમેરિકાને પ્રાદેશિક વેપાર યુદ્ધ શરૂ કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકાનું આ પગલું પોતાના પગમાં કુહાડી મારવા જેવું હશે. જેના કારણે 4 લાખ અમેરિકન લોકો તેમની નોકરી ગુમાવી શકે છે.
હકીકતમાં, ટ્રમ્પે બે દિવસ પહેલા કહ્યું હતું કે તેઓ પદના શપથ લીધા બાદ પહેલા દિવસે કેનેડા, મેક્સિકો અને ચીનથી અમેરિકા આવતા સામાન પર ભારે ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી આ ત્રણ દેશો ડ્રગ્સ અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર અંકુશ નહીં રાખે ત્યાં સુધી તેમને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફનો માર સહન કરવો પડશે.
મંત્રીએ કહ્યું- ટેરિફ લાદવામાં આવશે તો અમેરિકન અર્થવ્યવસ્થાને નુકસાન થશે CNN અનુસાર, મેક્સિકોની અર્થવ્યવસ્થામાં ઓટોમોબાઈલ ઉદ્યોગનો મોટો ફાળો છે. USમાં વેચાતા લગભગ 25% વાહનો મેક્સિકોમાં બને છે. ટેરિફ વધવાથી અમેરિકામાં આ વાહનોની કિંમતમાં વધારો થશે.
મેક્સિકોના ઇકોનોમી મિનિસ્ટરે કહ્યું કે, અમેરિકામાં વેચાતી 88% પિક-અપ ટ્રક મેક્સિકોમાં બને છે. આ અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે વેચાય છે, જ્યાંથી ટ્રમ્પને ભારે મત મળ્યા છે. જો ટ્રમ્પ મેક્સિકોથી આવતા સામાન પર ટેરિફ લાદશે તો તે વાહનોની કિંમતમાં $3,000 સુધીનો વધારો કરી શકે છે. આનાથી અમેરિકન કંપનીઓને નુકસાન તો થશે જ, પરંતુ અમેરિકન અર્થતંત્ર પર પણ તેની નકારાત્મક અસર પડશે.
નિષ્ણાતોના મતે ટેરિફ વધારવાનો નિર્ણય અમેરિકન કંપનીઓ માટે ખરાબ સાબિત થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ ટેરિફ ‘ડેટ્રોઈટ થ્રી ઓટોમેકર્સ’ના નફા પર મોટી અસર કરી શકે છે.
ડેટ્રોઇટ થ્રીમાં જનરલ મોટર્સ, ફોર્ડ અને સ્ટેલાન્ટિસનો સમાવેશ થાય છે. આ ત્રણેય અમેરિકાની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે. આ કંપનીઓ તેમના વાહનો મેક્સિકોમાં બનાવે છે અને અમેરિકામાં વેચે છે.
2021થી 1 કરોડથી વધુ સ્થળાંતરીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે, જેમાંથી લગભગ 80 લાખ લોકો મેક્સિકો સરહદ દ્વારા પ્રવેશ્યા છે. (ફાઈલ તસવીર છે.)
મેક્સિકો સ્થળાંતર રોકવા માટે સરહદ સીલ કરશે નહીં બુધવારે રાષ્ટ્રપતિ શેનબામ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. આ પછી ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ શિનબામ મેક્સિકો થઈને અમેરિકા આવતા પ્રવાસીઓને રોકવા માટે પોતાની સરહદો બંધ કરવા માટે સંમત થયા છે. તેના પર શેનબામે કહ્યું કે, મેક્સિકોનો ઇરાદો સરહદ બંધ કરવાનો નથી, પરંતુ સરકાર અને લોકો વચ્ચે સેતુ બનાવવાનો છે.
શિનબામે કહ્યું-
અમે સ્થળાંતર અંગે મેક્સિકોની વ્યૂહરચના અંગે ચર્ચા કરી. મેં તેમને કહ્યું કે માઇગ્રન્ટ્સ ઉત્તરીય સરહદથી આવતા નથી કારણ કે તેઓને મેક્સિકોમાં રોકવામાં આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશનારા માઇગ્રન્ટ્સની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. ડિસેમ્બર 2023 માં આ સ્થળાંતર કરનારાઓની સંખ્યા 2.5 લાખથી વધુ હતી, પરંતુ ઓગસ્ટમાં આ સંખ્યા ઘટીને 58 હજાર થઈ ગઈ છે.