વોશિંગ્ટન38 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોન હાર્વર્ડ સ્ટેચ્યુની ઉપર અમેરિકન ધ્વજની જગ્યાએ પેલેસ્ટિનિયન ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
અમેરિકાની યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો અટકવાનું નામ લઈ રહ્યા નથી. સમાચાર એજન્સી APના જણાવ્યા મુજબ, દેશભરમાં અત્યાર સુધીમાં 900 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન, રવિવારે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેલેસ્ટિનિયન ધ્વજ ફરકાવ્યો હતો.
રવિવારે, યુનિવર્સિટીમાં જ્યાં જ્હોન હાર્વર્ડની પ્રતિમાની ઉપર અમેરિકન ધ્વજ લહેરાતો હતો, ત્યાં પેલેસ્ટિનિયન ધ્વજ જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું હતું કે, “આ અમારી પોલિસીની વિરુદ્ધ છે. આ માટે જવાબદાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.”
લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયામાં ઇઝરાયલ સમર્થક અને પેલેસ્ટાઈનના સમર્થ જૂથો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
ઇઝરાયલ સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે અથડામણ
રવિવારે લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયામાં પેલેસ્ટાઈન અને ઇઝરાયલ સમર્થક જૂથો વચ્ચે અથડામણ પણ થઈ હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, બંને જૂથોને એકબીજાથી દૂર રાખવા માટે યુનિવર્સિટીમાં બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, જેને વિરોધીઓએ હટાવ્યા હતો. આ દરમિયાન યુનિવર્સિટીમાં તોડફોડની ઘટનાઓ પણ બની હતી.
રવિવારે વિરોધ પ્રદર્શન પર, વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડનને આ મામલાની અપડેટ આપવામાં આવી રહી છે. જો કે, મામલો સંભાળવાની જવાબદારી માત્ર સ્થાનિક વહીવટીતંત્ર પર જ છોડી દેવામાં આવી છે.
યુનિવર્સિટીમાં ‘યહૂદીઓની હત્યા કરો’ના નારા લાગ્યા
પોલીસે બોસ્ટનની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રદર્શનકારીઓના ટેન્ટ દુર કર્યા હતા. આ દરમિયાન 100 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અલ જઝીરા અનુસાર, યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધીઓએ ‘યહૂદીઓની હત્યા કરો’ જેવા નારા પણ લગાવ્યા હતા. આ લાઇન ક્રોસ કરવા જેવું હતું અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકન યુનિવર્સિટીઓમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી પણ પહોંચ્યા છે. શનિવારે, કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગાઝામાં નરસંહાર રોકવાની માંગ સાથે કેમ્પિંગ કર્યું. તેમજ, સિડની યુનિવર્સિટીમાં પણ ટેન્ટ જોવા મળ્યા હતા.
અમેરિકન યુનિવર્સિટીએ બોઇંગ કંપની પાસેથી ગિફ્ટ- પૈસા ન લેવાની જાહેરાત કરી
કોલંબિયા યુનિવર્સિટીથી લઈને ન્યૂયોર્ક યુનિવર્સિટી સુધી, પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા સંગઠનો માંગ કરી રહ્યા છે કે યુનિવર્સિટીઓ તે કંપનીઓમાંથી અલગ થઈ જાય, જે ઈઝરાયલ પાસેથી નફો કમાય છે. હવે પોર્ટલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીએ આ માંગણી સ્વીકારી છે.
યુનિવર્સિટીએ રવિવારે બોઇંગ કંપની તરફથી ભેટ અને અનુદાન ન સ્વીકારવાની જાહેરાત કરી હતી. ખરેખર, ઇઝરાયલની સેના અને સંરક્ષણ ઉદ્યોગ બોઇંગના લગભગ 9 ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર ઇઝરાયલની અર્થવ્યવસ્થામાં બોઈંગનું 29 હજાર કરોડ રૂપિયાનું યોગદાન છે.
એટલાન્ટામાં ઈમોરી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન સામે પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રદર્શન દરમિયાન મહિલા વિદ્યાર્થીઓએ સીઝફાયર અને પેલેસ્ટાઈનની આઝાદીની માંગ કરી હતી.
એમોરી યુનિવર્સિટીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીની અટકાયત કરતી પોલીસ.
કોલંબિયા યુનિવર્સિટીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિવિધ સ્થળોએ ટેન્ટ લગાવ્યા છે.
શું વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં કંઈ ફેરફાર થશે?
અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અનુસાર, 1980ના દાયકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં ઘણા પ્રદર્શનો થયા હતા. વિરોધીઓએ માંગ કરી હતી કે યુનિવર્સિટી રંગભેદ દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો તોડી નાખે. ખરેખર, તે સમયે દક્ષિણ આફ્રિકામાં ખૂબ જ જાતિવાદ હતો. અશ્વેતોને મૂળભૂત અધિકારો પણ આપવામાં આવ્યા ન હતા.
હાલમાં, કોલંબિયા યુનિવર્સિટીએ ફોસિલ ફ્યૂઅલ અને ખાનગી જેલ કંપનીઓ પાસેથી દાન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રોફેસર ચાર્લી એટોનના જણાવ્યા અનુસાર જો કોલંબિયા યુનિવર્સિટી ઈચ્છે તો ચોક્કસપણે ઇઝરાયલની કંપનીઓ સાથેના સંબંધો તોડી શકે છે. અત્યાર સુધી, સમાનતા અને ન્યાયને ધ્યાનમાં રાખીને ઘણા પ્રસંગોએ આવું કરવામાં આવ્યું છે.
એકેડેમિક એન્ગેજમેન્ટ નેટવર્કના માર્ક યુડોફ માને છે કે આમ કરવાથી યહૂદી વિરોધી હોવાના સંકેત મળશે.