- Gujarati News
- International
- Two Years’ Worth Of Rain Fell In Dubai In Just A Few Hours, Is Artificial Rain Responsible For The Flood?
7 કલાક પેહલા
- કૉપી લિંક
15 એપ્રિલની રાત્રે UAE, સાઉદી અરેબિયા, બહેરીન અને ઓમાનમાં ભારે વરસાદ શરૂ થયો હતો. થોડી જ વારમાં એ વાવાઝોડામાં ફેરવાઈ ગયો. સ્થિતિ એવી બની કે મંગળવાર સુધીમાં આ દેશોનાં ડઝનબંધ શહેરોમાં પૂર આવ્યું.
રણની વચ્ચે આવેલા દુબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 6.26 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન સંબંધિત માહિતી આપતી વેબસાઈટ ‘ધ વેધરમેન ડોટ કોમ’ના જણાવ્યા અનુસાર અહીં બે વર્ષમાં આટલો વરસાદ થાય છે.
કેટલાક નિષ્ણાતો ગલ્ફ દેશોમાં આ પૂરનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદને જવાબદાર ગણાવી રહ્યા છે. એસોસિયેટેડ પ્રેસે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે દુબઈ પ્રશાસને સોમવારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવવા માટે એક વિમાન ઉડાવ્યું હતું. આના થોડા સમય બાદ ખાડી દેશોને ભારે વરસાદ અને પૂરનો સામનો કરવો પડ્યો હતો.
આ તસવીર 16 એપ્રિલની છે, તોફાન અને ભારે વરસાદને કારણે દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર વીજળી ચમકતી દેખાઈ રહી છે.
આ સ્ટોરીમાં જાણીએ કે કૃત્રિમ વરસાદ શું છે, ઋતુ સિવાય વરસાદ કેવી રીતે આવે છે?
સવાલ 1: ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ શું છે, જે UAE સહિત ગલ્ફ દેશોમાં પૂર માટે જવાબદાર હોવાનું કહેવાય છે?
જવાબ: જ્યારે ક્યાંય કુદરતી વરસાદ પડતો નથી, ત્યારે વાદળોને કૃત્રિમ રીતે વરસાદમાં રૂપાંતરિત કરવાની તકનીકને ક્લાઉડ સીડિંગ કહે છે. ક્લાઉડ સીડિંગ માટે, સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અને ડ્રાય આઈસ (સોલિડ કાર્બન ડાયોક્સાઇડ) જેવાં રસાયણો હેલિકોપ્ટર અથવા પ્લેન દ્વારા વાદળોની નજીક આકાશમાં વેરવિખેર કરવામાં છે.
આ કણો હવામાં વરાળને આકર્ષે છે, તોફાની વાદળો બનાવે છે અને અંતે વરસાદ પડે છે. આ રીતે વરસાદ પડતાં અડધો કલાક જેટલો સમય લાગે છે.
સવાલ 2: શું આ ટેક્નોલોજીનો દુબઈમાં પહેલાં ઉપયોગ કરવામાં આવ્યો છે?
જવાબઃ હા, જુલાઈ 2021માં જ્યારે દુબઈમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું ત્યારે ત્યાં ગરમીથી રાહત આપવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું. આ ટેક્નિકનો ઉપયોગ અખાતના દેશોમાં દુષ્કાળનો સામનો કરવા માટે થાય છે. તેની શરૂઆત 1990ના દાયકામાં યુએઈમાં થઈ હતી.
સવાલ 3: વિશ્વના કેટલા દેશો પાસે કૃત્રિમ વરસાદ બનાવવાની ટેક્નોલોજી છે અને શું તે ભારતમાં પણ ઉપલબ્ધ છે?
જવાબ: હા, ભારત પાસે કૃત્રિમ વરસાદ બનાવવાની ટેક્નોલોજી પણ છે. તેનો ઉપયોગ ઘણા પ્રસંગોએ પણ કરવામાં આવ્યો છે. આ સિવાય ચીન અને અમેરિકા સહિત વિશ્વના 60 દેશોએ કૃત્રિમ વરસાદ બનાવવાની ટેક્નોલોજી વિકસાવી છે.
સવાલ 4: ક્લાઉડ સીડિંગ વરસાદનું કારણ બને એ સિવાય બીજું શું કરે છે?
જવાબ: આ ટેક્નોલોજીનો ઉપયોગ મોટા ભાગે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો અથવા વાયુ-પ્રદૂષણનો સામનો કરવા માટે થાય છે. કેટલીકવાર કેટલાક એરપોર્ટની આસપાસના ધુમ્મસને દૂર કરવા માટે પણ ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 2008 બીજિંગ ઓલિમ્પિક્સ આનું એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં ચીને બીજિંગમાં એક દિવસ અગાઉથી વાદળોને ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદમાં રૂપાંતરિત કરીને વરસાદ કરાવ્યો હતો.
NBC ન્યૂઝ અનુસાર, ચીને ક્લાઉડ સીડિંગ માટે 11 હજાર હથિયારોનો ઉપયોગ કર્યો હતો. તેમાં 6,781 રોકેટ લોન્ચર અને 4,110 આર્ટિલરી ગનનો સમાવેશ થાય છે. ક્લાઉડ સીડિંગના બે મુખ્ય ઉદ્દેશ્યો છે – કાં તો વરસાદ અથવા હિમવર્ષા વધારવા માટે અથવા તો એક કે બે દિવસ અગાઉથી કોઈ ચોક્કસ જગ્યાએ વરસાદ કરાવવો.
બીજિંગ ઓલિમ્પિક દરમિયાન રોકેટ લોન્ચર વડે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ કરી રહેલા અધિકારી.
સવાલ 5: શું ક્લાઉડ સીડિંગને કારણે યુએઈ સહિતના ગલ્ફ દેશોમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું છે?
જવાબ: જ્યારે કોઈ ચોક્કસ જગ્યાએ કોઈ ચોક્કસ સમયે વધુ પડતો વરસાદ પડે ત્યારે આપણે એને વાદળ ફાટવું કહીએ છીએ. વાદળ ફાટવું એ વાત પર નિર્ભર કરે છે કે ક્લાઉડ સીડિંગથી કેટલાં વાદળ જમા થયાં છે.
જો અતિશય વરાળથી ભરેલાં વાદળોને ઓળખી અને તેમાં ક્લાઉડ સીડિંગ કરવામાં આવે તો વાદળો ફાટી શકે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે તેના કારણે UAE સહિત ખાડી દેશોમાં ભારે વરસાદ પડ્યો હોય. જે પૂરનું કારણ બન્યું હતું.
સવાલ 6: અમેરિકાનું ઓપરેશન પોપોય શું છે, જેમાં યુદ્ધ જીતવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું?
જવાબ: અમેરિકાએ 1967 અને 1972 વચ્ચે વિયેતનામ યુદ્ધ દરમિયાન ક્લાઉડ સીડિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ યુદ્ધમાં અમેરિકાએ વિયેતનામ પર વિજય મેળવવા માટે ઓપરેશન પોપોય શરૂ કર્યું હતું.
આ અંતર્ગત અમેરિકાએ વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં ક્લાઉડ સીડિંગ દ્વારા ક્લાઉડ બર્સ્ટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેના કારણે ત્યાં અચાનક વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે વિયેતનામ આર્મીને ભારે નુકસાન થયું હતું.
દુબઈમાં પૂરની તસવીરો…
મેટ્રો સ્ટેશનની અંદર વરસાદી પાણી ભરાઈ ગયાં.
રસ્તા પર પાણી ભરાવાને કારણે વાન ડૂબી ગઈ હતી.
રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક જગ્યાએ લોકોનાં વાહનોને નુકસાન થયું છે.
બુર્જ ખલીફા ટાવર પાસે પણ પૂર આવ્યું હતું.
રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકોએ પોતાની ગાડીઓ રસ્તા પર છોડી દીધી હતી.
બુર્જ ખલીફા પર આકાશમાં વીજળી ચમકે છે.
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 45 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી
વરસાદના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનોની અવરજવર બંધ થઈ ગઈ છે. દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યું હતું કે મંગળવારે 45 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. 3 ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાણીમાં ડૂબી ગયેલા આ વીડિયોને મીડિયા હાઉસ અલ અરેબિયાએ શેર કર્યો છે…