બાલ્ટીમોર2 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકાના બાલ્ટિમોરમાં એક કાર્ગો શિપના અથડાવાથી ‘ફ્રાન્સિસ સ્કોટનો બ્રિજ’ તૂટી ગયો. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે અમેરિકાના સમય પ્રમાણે રાત્રે લગભગ અઢી વાગ્યે શિપ અથડાવાથી બ્રિજ ધરાશાયી થયો. તે પછી તેમાં આગ લાગી ગઈ અને શિપ ડૂબી ગયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે બ્રિજ ધરાશાયી થયા બાદ તેઓ લગભગ 7 લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિજ ધરાશાયી થવાને કારણે તેના પર ચાલી રહેલી ડઝનેક ગાડીઓ નદીમાં ખાબકી હતી. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણાવ્યું કે બ્રિજ પર દુર્ઘટના બાદ બંને તરફની તમામ લેન બંધ કરીને ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો છે.
ફૂટેજ તે સમયના છે જ્યારે જહાજ પુલ સાથે અથડાયું હતું. કાર્ગો શિપમાં હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.
સિંગાપોરના ધ્વજવાળું જહાજ શ્રીલંકા જઈ રહ્યું હતું
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, સિંગાપોરના ધ્વજવાળા આ જહાજનું નામ ‘ડાલી’ છે અને તે શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. આ જહાજ 948 ફૂટ લાંબું હતું. ફ્રાન્સિસ કી બ્રિજ 1977માં પટાપ્સકો નદી પર બનાવવામાં આવ્યો હતો. તેનું નામ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
જહાજનો ક્રૂ સુરક્ષિત છે, અથડામણનું કારણ હજુ જાણી શકાયું નથી
ડાલી જહાજની માલિકી ધરાવતી કંપનીએ કહ્યું કે જહાજ પર હાજર બે પાઇલટ સહિત બધા જ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તેઓ ઘાયલ થયા નથી. જહાજ અને પુલ વચ્ચે અથડામણનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જહાજના માલિક અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
હાલમાં બાલ્ટીમોર હાર્બરમાં પાણીનું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, જ્યારે તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય છે, ત્યારે શરીરનું તાપમાન પણ ઝડપથી ઘટે છે. જેના કારણે પાણીમાં ડૂબેલા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.
શિપના અથડાયા બાદ પુલનો મોટો ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન અનેક ગાડીઓ પણ પાણીમાં ખાબકી હતી
ગયા વર્ષે બાલ્ટીમોર પોર્ટમાંથી 6.67 લાખ કરોડનો માલ પસાર થયો હતો
મેરીલેન્ડ સરકારની વેબસાઇટ અનુસાર ગયા વર્ષે લગભગ 52 મિલિયન ટન આંતરરાષ્ટ્રીય કાર્ગો બાલ્ટીમોર બંદરમાંથી પસાર થયો હતો. તેની કિંમત 6.67 લાખ કરોડ રૂપિયા હતી. આ પોર્ટ દ્વારા 15 હજારથી વધુ લોકોને સીધી રોજગારી મળી છે. આ કારણે મેરીલેન્ડમાં લગભગ 1.39 લાખ લોકોની રોજગારી ચાલે છે.