ટેલ અવીવ2 કલાક પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન 7 વખત મિડલ ઈસ્ટની મુલાકાત લઇ ચૂક્યા છે. બુધવારે (1 મે), તેમની 7મી મુલાકાતના છેલ્લા દિવસે, બ્લિંકને હમાસ સીઝફાયર ડીલ સ્વીકારે તેવી માગ કરી હતી.
તેલ અવીવમાં ઇઝરાયલના રાષ્ટ્રપતિ હર્ઝોગ સાથેની મુલાકાત દરમિયાન બ્લિંકને કહ્યું, ‘અમે શક્ય તેટલી વહેલી તકે સીઝફાયર માટે પ્રતિબદ્ધ છીએ. જેથી કરીને ઈઝરાયલના તમામ બંધકો સ્વદેશ પરત ફરી શકે. હમાસ આમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. તેણે કહ્યું, ‘અમે પ્રસ્તાવ મૂક્યો છે, હવે તેને સ્વીકારવાનો સમય આવી ગયો છે.’
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન (ડાબે) ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે.
શું છે પ્રસ્તાવમાં?
અમેરિકન મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ-હમાસ યુદ્ધને રોકવા માટે પ્રસ્તાવિત સીઝફાયર ડીલમાં શરૂઆતમાં ઇઝરાયલના 33 બંધકોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. બદલામાં, ઇઝરાયલ તેની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ઉપરાંત, ઇઝરાયલ ગાઝામાં પણ તેના હુમલા બંધ કરશે.
હમાસના પ્રવક્તા ઓસામા હમદાને બુધવારે રાત્રે લેબનીઝ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે આ ડીલને સ્વીકારશે નહીં. જો કે, બાદમાં હમાસની પ્રેસ ઓફિસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ ડીલ અંગે તેમનું વલણ નકારાત્મક છે, પરંતુ તેઓ હજુ પણ તેના પર વાટાઘાટો કરવા તૈયાર છે.
ડીલ વિશે બાઈડન શા માટે પરેશાન છે
હમાસના જણાવ્યા અનુસાર યુદ્ધમાં અત્યાર સુધીમાં 34 હજાર લોકોના મોત થયા છે. અમેરિકન યુનિવર્સિટીઓમાં આને લઈને કેટલાંક અઠવાડિયાંથી દેખાવો થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓની માંગ છે કે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ તેના મિત્ર ઇઝરાયલનું સમર્થન ન કરવું જોઈએ. PBS ન્યૂઝ અનુસાર, બાઈડનની ઈઝરાયલ નીતિ અમેરિકામાં વર્ષના અંતમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને અસર કરી શકે છે. તેઓ યુવા મતદારો ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં, બાઈડન કોઈપણ વિલંબ કર્યા વિના સીઝફાયર ડીલ કરાવવા માંગે છે.
આ ફૂટેજ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનના છે. જ્યાં બુધવારે પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના ટેન્ટ તોડી નાખ્યા હતા.
બ્લિંકન-નેતન્યાહુ વચ્ચે યુદ્ધ મામલે 3 કલાકની મુલાકાત
મિડલ ઈસ્ટની મુલાકાત દરમિયાન બ્લિંકન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને યુદ્ધને લઈને 3 કલાક સુધી મળ્યા હતા. આ પછી બ્લિંકને મોડી રાત્રે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, ‘ગાઝાના રાફા વિસ્તારમાં ઇઝરાયલના સૈન્ય ઓપરેશનને અમેરિકા સમર્થન નહીં આપે. આમાં સામાન્ય લોકોના જીવ પર જોખમ છે. રાફહમાં સૈન્ય કાર્યવાહીને લઈને ઇઝરાયલ હજુ સુધી અમને આવી કોઈ યોજના બતાવી શક્યું નથી. જેમાં સામાન્ય લોકોના જીવનને નુકસાન નહીં થાય.
ઇઝરાયલની રાફા યોજનાની ટીકા કરતા બ્લિંકને કહ્યું કે, ‘હમાસ સાથે વ્યવહાર કરવાના બીજા ઘણા રસ્તાઓ છે, જે સૈન્ય ઓપરેશન કરતા ઘણા સારા છે.’ તેમજ, બ્લિંકનના મિડલ-ઈસ્ટ પ્રવાસ પહેલા, નેતન્યાહૂએ ચેતવણી આપી હતી કે ઇઝરાયલ રાફામાં લશ્કરી કાર્યવાહી કરશે. સીઝફાયર ડીલ થાય કે ન થાય.
ઇઝરાયલ રાફામાં ઓપરેશનને લઈને આટલું મક્કમ કેમ છે?
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ દાવો કર્યો છે કે ગાઝાના રાફા વિસ્તારમાં હમાસની ચાર બટાલિયન હાજર છે અને IDF તેમને ખતમ કરી દેશે. ઇઝરાયલની સરકાર અને સેના બંનેનું કહેવું છે કે રાફાના શરણાર્થી શિબિરોમાં નાગરિકોની સાથે હજારો હમાસ આતંકવાદીઓ હાજર છે અને અહીંથી તેઓ ગાઝાના અન્ય ભાગોમાં જઈને ઇઝરાયલની સેના પર હુમલો કરી રહ્યા છે.
એક અંદાજ મુજબ, હાલમાં 14 લાખ લોકો રાફામાં છે. આમાંના મોટાભાગના લોકો એવા છે કે જેઓ ઇઝરાયલની કાર્યવાહી શરૂ થયા બાદ ગાઝાના જુદા જુદા ભાગોમાંથી ભાગીને અહીં આશ્રય લેવા આવ્યા છે. જો ઇઝરાયલની સેના અહીં સૈન્ય કાર્યવાહી કરશે તો તેમની પાસે ભાગવા માટે બીજી કોઈ જગ્યા રહેશે નહીં.
હાલમાં યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટિશ વિદેશ સચિવ લોર્ડ કેમરોને નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ઇઝરાયલના વડાપ્રધાનને રાફામાં સૈન્ય કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું. આના પર ઇઝરાયલના વડાપ્રધાને કહ્યું હતું – કેટલાક લોકો અમને રાફામાં હુમલા રોકવાની સલાહ આપી રહ્યા છે. હું તેમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ સમયે રાફા પર હુમલા રોકવાનો અર્થ એ થશે કે ઇઝરાયલ આ યુદ્ધ હારી જશે અને એવું ક્યારેય થશે નહીં