40 મિનિટ પેહલા
- કૉપી લિંક
AUKUSની છેલ્લી બેઠક ગયા વર્ષે કેલિફોર્નિયામાં યોજાઈ હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને બ્રિટિશ પીએમ સુનક અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝને મળ્યા હતા.
અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના સભ્યપદવાળા સંગઠન AUKUSમાં ટૂંક સમયમાં જાપાન જોડાઈ શકે છે. ચીનનો મુકાબલો કરવા માટે, ત્રણેય દેશો ટૂંક સમયમાં વાતચીત શરૂ કરશે, જેનાથી જાપાન માટે સભ્ય બનવાનો માર્ગ મોકળો થઈ શકે છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલને ટાંકીને ન્યૂઝ એજન્સી રોઈટર્સે આ માહિતી આપી છે.
રિપોર્ટ અનુસાર, જાપાનને સંગઠનના પિલર 2નો ભાગ બનાવવામાં આવશે. સંધિ હેઠળ, સભ્ય દેશો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, હાઇપરસોનિક્સ, AI અને સાયબર ટેક્નોલોજી પર સાથે મળીને કામ કરશે. જાપાન AUKUSના પ્રથમ પિલરનો ભાગ નહીં હોય, જેનું ફોકસ હાલમાં ઓસ્ટ્રેલિયાને ન્યુક્લિયર પાવરવાળી સબમરીન આપવાનું છે.
યુએસ પ્રમુખ બિડેન 10 એપ્રિલે વ્હાઇટ હાઉસમાં જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરશે. (ફાઈલ)
અમેરિકાએ કહ્યું- સબમરીન પ્રોજેક્ટ ચીનને રોકવામાં ઉપયોગી થશે
યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે બુધવારે જણાવ્યું હતું કે, “AUKUS નો સબમરીન પ્રોજેક્ટ તાઈવાન વિરુદ્ધ ચીનના કોઈપણ પગલાને રોકવામાં મદદરૂપ થશે. અમે આવતા સપ્તાહે સંગઠન સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકીએ છીએ.” રિપોર્ટ અનુસાર, સોમવારે સભ્ય દેશોના રક્ષા મંત્રી જાપાનના સંગઠનમાં સામેલ થવા અંગે જાહેરાત કરી શકે છે.
આ સિવાય જાપાનમાં હાજર યુએસ એમ્બેસેડર રાહ્મ ઈમેન્યુઅલે પણ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જાપાન પિલર 2નું પ્રથમ પાર્ટનર બનવા જઈ રહ્યું છે. હવે તેમના નિવેદનને જાપાનના AUKUSમાં જોડાવા અંગે જોવાઈ રહ્યું છે.
અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સંયુક્ત રીતે પરમાણુ સબમરીન બનાવશે
ગયા વર્ષે કેલિફોર્નિયામાં યોજાયેલી AUKUS બેઠકમાં ઓસ્ટ્રેલિયાને 2030 સુધીમાં ન્યુક્લિયર પાવરવાળી સબમરીન આપવાની ડીલ કરવામાં આવી હતી. પ્રોજેક્ટ હેઠળ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સંયુક્ત રીતે 8 SSN-AUKUS સબમરીન બનાવશે, જેમાં અમેરિકન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
AUKUS ડીલ અનુસાર, અમેરિકા ઓસ્ટ્રેલિયાને 3 યુએસ વર્જિનિયા ક્લાસ ન્યુક્લિયર પાવર્ડ સબમરીન આપશે. જો જરૂર પડશે તો તેને વધુ 2 સબમરીન પણ આપવામાં આવશે. ચીને હંમેશા AUKUSને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક ગણાવ્યું છે. 1950 પછી આ પહેલી વખત હતું જ્યારે અમેરિકા પોતાની પરમાણુ ટેક્નોલોજી અન્ય કોઈ દેશ સાથે શેર કરવા માટે તૈયાર થયું હતું.
AUKUS શું છે?
AUKUS, સપ્ટેમ્બર 2021માં રચાયેલ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યુએસ વચ્ચેનું એક નવું સંરક્ષણ ગ્રુપ છે, જે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર કેન્દ્રિત છે. આ ગઠબંધન (AUKUS) દ્વારા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતાને અંકુશમાં લઈ શકાશે.
આ સંગઠનનું કાર્ય બે પિલરમાં વહેંચાયેલું હતું. પ્રથમ પિલરનો હેતુ પરમાણુ સબમરીન ટેકનોલોજી શેર કરવાનો છે. બીજા પિલરનો ઉદ્દેશ્ય હાઇપરસોનિક અને AI જેવી અદ્યતન ટેક્નિક પર સાથે મળીને કામ કરવાનો છે.
2021માં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે AUKUS ભારત માટે પરમાણુ સહયોગના નવા માર્ગો ખોલશે. પરંતુ અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે AUKUSમાં ભારતને સામેલ નહીં કરે.
QUADથી કેટલું અલગ છે AUKUS?
ક્વોડ દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતનો સમાવેશ થાય છે. આ ચારેય મળીને બહુપક્ષીય વાટાઘાટો કરે છે. આમાં કોઈ ઉચ્ચ ટેકનોલોજી કે કોઈ મોટી ડીલ હોતી નથી. QUAD સિવાય, ઓસ્ટ્રેલિયા સાથે AUKUS કરાર એ નવા લશ્કરી ગઠબંધનની શરૂઆત છે. આ પ્રકારનું સૈન્ય જોડાણ કરવામાં ભારત એક પ્રકારની ખચકાટ અનુભવી રહ્યું છે, કારણ કે તે અમેરિકા ઉપરાંત રશિયા અને ઈરાન સાથે સંબંધો જાળવી રાખવા માંગે છે.