23 મિનિટ પેહલાલેખક: મનીષા પાંડેય
- કૉપી લિંક
વિવાદિત ગ્લેમર ગર્લ પૂનમ પાંડેનું આજે સવારે સર્વાઇકલ કેન્સરના કારણે નિધન થયું છે. સર્વાઇકલ કેન્સર એ ભારતમાં મહિલાઓમાં બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને કેન્સરથી થતા મૃત્યુનું બીજું મુખ્ય કારણ પણ છે. આ જ કારણે કેન્દ્ર સરકાર 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી મફત આપશે. આ મોટા પાયે રસીકરણ અભિયાન સર્વાઇકલ કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરવાની શરૂઆત છે.
સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) સર્વાઇકલ કેન્સરને રોકવા માટે Cervavac નામની રસી બનાવશે. આ રસી HPV 16, 18, 6 અને 11ના ચારેય પ્રકારો સામે રોગપ્રતિકારક શક્તિ આપશે. આ રસીની કિંમત પ્રતિ ડોઝ 200-400 રૂપિયા હશે. હાલમાં, બજારમાં ઉપલબ્ધ સર્વાઇકલ કેન્સરની રસીની કિંમત પ્રતિ ડોઝ રૂ. 3000 થી રૂ. 5000 છે.
આજે કામના સમાચારમાં આપણે સર્વાઇકલ કેન્સર વિશે વાત કરીશું અને સમજીશું કે-
- સર્વાઇકલ કેન્સર શું છે?
- આ કેમ થાય છે?
- સર્વાઇકલ કેન્સરને રોકવામાં રસી કેવી રીતે ઉપયોગી છે?
- આ કેન્સરને અટકાવવું કેવી રીતે શક્ય છે?
આજના અમારા એક્સપર્ટ છે- ડૉ. શીરૂ જમીનદાર, વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ, એપોલો હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાત.
નીચેના ગ્રાફિકમાં ભારતમાં સર્વાઇકલ કેન્સરના આંકડાઓ પર એક નજર નાખો.
પ્રશ્ન: સર્વાઇકલ કેન્સર શું છે?
જવાબ: કેન્સર એ શરીરના કોઈપણ ભાગમાં કોષોનો અનિયંત્રિત વિકાસ છે. સર્વિક્સના વિસ્તારમાં જ્યારે આ કોષો વધવા લાગે છે ત્યારે સર્વાઇકલ રોગ શરૂ થાય છે. સર્વિક્સ વિસ્તાર એટલે ગર્ભાશયનો ઉપરનો ભાગ. તેને સર્વિક્સ કહેવામાં આવે છે. આ શરીરનો તે ભાગ છે જે વજાઇનલને ગર્ભાશય સાથે જોડે છે.
પ્રશ્ન: સર્વાઇકલ કેન્સર શા માટે થાય છે?
જવાબ: સર્વાઇકલ કેન્સર HPV (હ્યુમન પેપિલોમાવાઇરસ) નામના વાઇરસથી થાય છે. આ વાઇરસ જાતીય સંસર્ગ દ્વારા ફેલાય છે અને કેન્સરનું કારણ બની શકે છે. આ વાઇરસ શરીરમાં પ્રવેશવાથી લઈને કેન્સર થવામાં ઘણો સમય લે છે.
દરેક વ્યક્તિ તેમના જીવનના અમુક સમયે HPV વાઇરસના સંપર્કમાં આવે છે. પરંતુ આપણું શરીર તેમની સાથે લડે છે અને તેને ખતમ કરે છે. જો કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આ વાઇરસ સર્વિક્સ વિસ્તારના કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. આ પાછળથી સર્વાઇકલ કેન્સર બની જાય છે.
સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ અસુરક્ષિત અને એકથી વધારે સેક્સ પાર્ટનર છે. જાતીય સંપર્કનો અવકાશ જેટલો વધારે છે, તેટલો HPV વાઇરસના સંપર્કમાં આવવાની શક્યતા વધારે છે.
પ્રશ્ન: કઈ સ્ત્રીઓને સર્વાઈકલ કેન્સરનું જોખમ વધારે છે?
જવાબ: જો કે, કોને સર્વાઇકલ કેન્સર થશે કે કોને નહીં તે ગેરંટી સાથે કહી શકાય નહીં. HPV વાઇરસના સંપર્કમાં આવનારી દરેક મહિલાને કેન્સર થાય તે જરૂરી નથી. પરંતુ કેટલાક કારણોસર આ કેન્સરનું જોખમ ચોક્કસપણે વધી જાય છે.
પ્રશ્ન: સર્વાઇકલ કેન્સરનાં લક્ષણો શું છે?
જવાબ: આ કેન્સર ખૂબ જ ધીરે ધીરે વધતું હોવાથી તેનાં લક્ષણો દેખાવામાં સમય લાગી શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી કેન્સરના પ્રારંભિક લક્ષણોને સમજો.
પ્રશ્ન: સર્વાઇકલ કેન્સરનું ટેસ્ટિંગ કેવી રીતે થાય છે?
જવાબ: સર્વાઇકલ કેન્સર એ કેટલાક કેન્સરમાંથી એક છે જે કેન્સર થતાં પહેલાં જ શોધી શકાય છે. તેનો અર્થ એ કે નિયમિત તપાસ દરમિયાન તેને ઓળખી શકાય છે.
તેનું કારણ એ છે કે, આ કેન્સર વર્ષોથી ખૂબ જ ધીરે ધીરે વિકસે છે. તેથી, જો સ્ત્રી નિયમિત તપાસ કરાવે તો આ કેન્સર વિશે જોખમ ઊભું થાય તે પહેલાં જ જાણી શકાય છે.
સર્વાઇકલ કેન્સરની તપાસ માટે એક ટેસ્ટ છે, જેને પેપસ્મીયર ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટ દેશની તમામ નાની-મોટી હૉસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ છે.
પેપસ્મીયર ટેસ્ટમાં સર્વિક્સ એરિયામાંથી કોષો લેવામાં આવે છે અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તે જોવામાં આવે છે કે તેમાં કોઈ અસામાન્ય વૃદ્ધિ છે કે નહીં.
જો પેપસ્મીયર ટેસ્ટ પોઝિટિવ હોય, તો પછીનો ટેસ્ટ HPV PapSmear છે, જે સર્વિક્સ કોષોમાં HPV વાયરસની હાજરીને ઓળખે છે. જો આ ટેસ્ટ પણ પોઝિટિવ આવે તો બાયોપ્સી કરવામાં આવે છે.
30 વર્ષ પછીની મહિલાઓએ નિયમિતપણે પેપસ્મીયર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો જોઈએ. સર્વાઇકલ કેન્સર ત્યારે જ જોખમકારક અને જીવલેણ બની જાય છે જ્યારે તેમને સમયસર પકડવામાં ન આવે.
પ્રશ્ન: સર્વાઇકલ કેન્સરને રોકવામાં રસી કેવી રીતે ઉપયોગી છે?
જવાબ: આ કેન્સર વાઇરસ દ્વારા ફેલાય છે, અન્ય વાઇરસજન્ય રોગોની જેમ, તેને પણ રસી દ્વારા અટકાવી શકાય છે. જેમ તબીબી વિજ્ઞાને પોલિયો, ઓરી અથવા કોવિડ જેવા વાયરસથી સંક્રમિત રોગો સામે રોગપ્રતિકારક શક્તિ ઊભી કરતી રસીઓ બનાવી છે, તેવી જ રીતે સર્વાઇકલ કેન્સર સામે લડવામાં પણ રસીઓ ખૂબ જ ઉપયોગી છે.
આ રસી શરીરમાં HPV વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે. આ કારણે વાઇરસના સંપર્કમાં આવ્યા પછી પણ તે કેન્સરમાં પરિવર્તિત થતું નથી.
પ્રશ્ન: શું કોઈપણ મહિલા કોઈપણ ઉંમરે સર્વાઈકલ કેન્સરની રસી લઈ શકે છે?
જવાબ : નહીં. સર્વાઇકલ કેન્સરની રસી માત્ર ત્યારે જ અસરકારક છે જો તે સેક્સ્યુઅલ એક્ટિવ થતા પહેલાં આપવામાં આવે. તેથી, છોકરીઓએ આ રસી 9 થી 14 વર્ષની વય વચ્ચે લેવી જોઈએ.
પ્રશ્ન: જો કોઈ મહિલાએ તે વયમર્યાદા ઓળંગી હોય અથવા પહેલેથી જ સેક્સ્યુઅલી એક્ટિવ હોય, તો તેમણે સર્વાઇકલ કેન્સરથી બચવા શું કરવું જોઈએ?
જવાબ: જે મહિલાઓ સેક્સ્યુઅલી એક્ટિવ છે અને અત્યારે સર્વાઇકલ કેન્સરની રસી નથી મેળવી શકતી, તેઓએ સાવચેત રહેવાની અને કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આને સમજો-
પ્રશ્ન: ભારતમાં સર્વાઇકલ કેન્સરના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ પાછળનું કારણ શું છે?
જવાબ: ઘણા લોકો આ માટે આધુનિકતાને દોષ આપી શકે છે, પરંતુ અનુભવ પરથી કહી શકાય છે કે આનું સૌથી મોટું કારણ અજ્ઞાન છે.
મહિલાઓના સ્વાસ્થ્યને લઈને સમાજ, પરિવાર અને મહિલાઓમાં પણ જાગૃતિનો ઘણો અભાવ છે. તમારી આસપાસની છોકરીઓ વચ્ચે આ પ્રયોગ અજમાવો. તેમને આ પ્રશ્નો પૂછો-
- સર્વાઇકલ કેન્સર શું છે?
- પેપ સ્મીયર ટેસ્ટ શું છે?
- મેમોગ્રામ શું છે?
10 માંથી 9 છોકરીઓ આ પ્રશ્નોના જવાબો જાણતી નથી. જ્યારે તેઓની પાસે જ્ઞાન નથી ત્યારે તે કેવી રીતે સાવચેતી રાખશે? અજ્ઞાનતાને કારણે છોકરીઓનું નિયમિત કેન્સર સ્ક્રીનિંગ થતું નથી. શરૂઆતના લક્ષણોની અવગણના કરો અને જ્યારે તેની જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.
પ્રશ્ન: છોકરીઓ અને સ્ત્રીઓ તેમના શરીર પ્રત્યે વધુ જાગૃત અને જવાબદાર કેવી રીતે બની શકે?
જવાબ: સૌથી પહેલાં તમારા શરીરને સમજો. પીરિયડ્સ, ગર્ભાવસ્થા, ગર્ભનિરોધકનું વિજ્ઞાન સમજો. તમારા શરીર પર ધ્યાન આપો અને કોઈપણ ફેરફારોને અવગણશો નહીં. જેમ કે-
- સમયસર પીરિયડ્સ ન આવવા
- વધારે બ્લિડિંગ થવું
- પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો
- પિરિયડ્સ વચ્ચે કયારેક ઓછું બ્લીડિંગ થવું
- સેક્સ દરમિયાન દુખાવો
- યુરિન ઇન્ફેક્શન
- વજાઇનલ ઇન્ફેક્શન
ધ્યાનમાં રાખો કે, જ્યારે પણ શરીરમાં કોઈ વિકાર થાય છે, ત્યારે શરીર હંમેશા તેના વિશે સંકેતો આપે છે. આપણે તેને ઓળખી શકતા નથી કારણ કે આપણે આપણી જાત પ્રત્યે બેદરકાર છીએ.
તેથી, જો તમને શરીરમાં કોઈ ફેરફાર દેખાય છે જે સામાન્ય કરતાં અલગ છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.