નવી દિલ્હી8 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટેટ બેંકના ચેરમેન દિનેશ કુમારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી બોન્ડ વિશેની માહિતી જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે.
એફિડેવિટ અનુસાર, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024 સુધી 22 હજાર 217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. SBIએ કહ્યું કે 1 એપ્રિલ, 2019થી 11 એપ્રિલ, 2019ની વચ્ચે એટલે કે 12 દિવસમાં 3,346 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી 1,609 રિડીમ કરવામાં આવ્યા હતા.
12 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધી કુલ 18,871 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. 20,421 રિડીમ કરવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 22 હજાર 217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા છે. જેમાંથી 22 હજાર 30 રાજકીય પક્ષોએ રિડીમ કર્યા હતા.
187 બોન્ડના પૈસા જે કોઈએ રોકડ કર્યા ન હતા તે પીએમ રિલીફ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પેનડ્રાઈવમાં બે ફાઈલ આપી
SBI ચેરમેને કહ્યું- અમે પેન ડ્રાઈવમાં બે ફાઈલો ECIને આપી છે. એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો હોય છે. તેમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે. બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને ઈનકેસ કરવામાં આવ્યા હોવાની માહિતી છે.
પરબીડિયામાં 2 PDF ફાઇલો પણ છે. આ પીડીએફ ફાઇલો પેન ડ્રાઇવમાં પણ રાખવામાં આવી છે, તેને ખોલવાનો પાસવર્ડ પણ તેમાં આપવામાં આવ્યો છે. SBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જે પક્ષકારોએ 15 દિવસની વેલિડિટીની અંદર ઈલેક્ટોરલ બોન્ડને રોકડ કરાવ્યા નથી, તેમની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
SBIએ સમય માગ્યો હતો
CJIએ SBIને કહ્યું- તમે 26 દિવસમાં શું કર્યું?
SBIએ કોર્ટને કહ્યું હતું- અમને બોન્ડ સંબંધિત માહિતી આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ એમાં થોડો સમય જોઈએ છે. એના પર CJI ડીવાય ચંદ્રચૂડે પૂછ્યું હતું- તમે છેલ્લી સુનાવણી (15 ફેબ્રુઆરી)થી 26 દિવસમાં શું કર્યું?
સુપ્રીમ કોર્ટે SBIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું કે બેંક આપેલા આદેશોનું પાલન કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે અત્યારે કોઈ કન્ટેમ્પ નથી લગાવતા, પરંતુ અમે SBIને નોટિસ આપી રહ્યા છીએ કે જો આજના આદેશનું સમયસર પાલન કરવામાં નહીં આવે તો અમે તેની સામે કાયદાકીય પગલાં લઈ શકીએ છીએ.
હકીકતમાં 15 ફેબ્રુઆરીએ સુપ્રીમના 5 જજની બંધારણીય બેન્ચે ચૂંટણી બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત SBIને 12 એપ્રિલ, 2019થી અત્યારસુધીમાં ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણીપંચને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
4 માર્ચે SBIએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને એની માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. આ સિવાય કોર્ટ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની અરજી પર પણ સુનાવણી કરશે, જેમાં 6 માર્ચ સુધી માહિતી ન આપવા બદલ SBI સામે તિરસ્કારનો કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી છે.
જુઓ કોર્ટ રૂમમાં શું થયું હતું..
SBI: વરિષ્ઠ વકીલ સાલ્વેએ કહ્યું હતું કે હું સ્ટેટ બેંક વતી આવ્યો છું. તમારા આદેશને પૂરો કરવા માટે અમને થોડો વધુ સમય જોઈએ છે. SBIએ ઈલેક્ટોરલ બોન્ડ જારી કરવાનું બંધ કરી દીધું છે.
SBI: અમે એક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, અમે સમગ્ર પ્રક્રિયાને પલટવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એસઓપી બનાવવામાં આવી હતી કે બોન્ડ ખરીદનારનું નામ અમારી કોર બેંકિંગ સિસ્ટમમાં ન હોવું જોઈએ. અમને કહેવામાં આવ્યું હતું કે એને ગુપ્ત રાખો.
CJI: તમારી અરજી જુઓ. તમે કહી રહ્યા છો કે દાતાની વિગતો સંબંધિત શાખામાં સીલબંધ કવર રાખવામાં આવે છે. આવી તમામ સીલબંધ કવર ડિપોઝિટ મુંબઈની મુખ્ય શાખામાં મોકલવામાં આવે છે અને બીજી તરફ, 29 અધિકૃત બેંકોમાંથી દાન મેળવી શકાય છે.
CJI: તમે કહો છો કે દાતા અને રાજકીય પક્ષ બંનેની વિગતો મુંબઈ શાખાને મોકલવામાં આવે છે. એટલે કે બે પ્રકારની માહિતી છે. તમે કહો છો કે આ માહિતી એકત્ર કરવી એ સમય માગી લે એવી પ્રક્રિયા છે. અમારા ઓર્ડરમાં અમે માહિતીને મેચ કરવાની વાત કરી નથી. અમે માહિતી જાહેર કરવાની વાત કરી છે.
SBI: જ્યારે બોન્ડ ખરીદવામાં આવે છે, ત્યારે અમે માહિતી શેર કરીએ છીએ.
CJI: પરંતુ આખરે તમામ માહિતી મુંબઈની મુખ્ય શાખાને મોકલવામાં આવે છે.
SBI: માત્ર બોન્ડ નંબર જ જાહેર કરવામાં આવે છે. બોન્ડ નંબરનો ઉપયોગ જ માત્ર આગળની ખરીદી માટે થાય છે અને આવું એટલા માટે કરવામાં આવે છે કે કોણે-કોણે બોન્ડ ખરીદ્યા એવી ચર્ચાઓ ઊભી ન થાય.
CJI: તમારા FAQ પણ જણાવે છે કે દરેક ખરીદી માટે અલગ KYC થાય છે. મતલબ કે જ્યારે પણ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવે છે ત્યારે KYC જરૂરી છે.
જસ્ટિસ ખન્ના: તમે કહો છો કે બધી માહિતી સીલબંધ કવરમાં છે. તમારે ફક્ત કવર ખોલીને માહિતી આપવાની રહેશે.
SBI: બોન્ડ્સ કોણે ખરીદ્યા છે એની સંપૂર્ણ માહિતી છે. એનું એક સ્થાન છે. બીજી માહિતી એ છે કે કયા રાજકીય પક્ષે બોન્ડ કેશ કર્યા છે. આ કોઈ સમસ્યા નથી.
CJI: અમે 15મી ફેબ્રુઆરીએ ચુકાદો આપ્યો હતો. આજે 11મી માર્ચ છે. છેલ્લા 26 દિવસમાં તમે કયાં પગલાં લીધાં છે? કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તમારે માહિતી આપવી જોઈએ. તમારે સ્પષ્ટતા બતાવવી હતી.
SBI: અમે એફિડેવિટ આપી શકીએ છીએ, પરંતુ અમે તમને નંબરોની માહિતી આપવા માટે ઉતાવળ કરવાની ભૂલ કરવા માગતા નથી. આ સમસ્યા છે.
CJI: અમે ચૂંટણીપંચ (ECI)ને માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપીએ છીએ. સાલ્વે, તમે પણ આદેશનું પાલન કરો.
SBI: અમે કોઈ ભૂલ કરીને કોઈ હોબાળો કરવા માગતા નથી.
જસ્ટિસ ખન્ના: અહીં કોઈ ભૂલનો પ્રશ્ન જ નથી. તમારી પાસે KYC છે. તમે દેશની નંબર વન બેંક છો. અમે માનીએ છીએ કે તમે આને સંભાળી શકશો.
CJI: બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર એફિડેવિટ ફાઇલ કરશે અને આ કોર્ટની બંધારણીય બેંચને તેના આદેશમાં ફેરફાર કરવા કહેશે.
SBI: આ એ જ વ્યક્તિ છે, જેણે આ કરવાનું છે. કૃપા કરીને અમને થોડો સમય આપો, અમે એ કરીશું. જો બોન્ડની ખરીદી અને દાન મેળવનારા પક્ષકારો મેળ ખાતા નથી, તો અમે 3 અઠવાડિયાંની અંદર બધું આપીશું.
જસ્ટિસ ગવઈ: તમારે 3 અઠવાડિયાંની જરૂર કેમ છે?
જસ્ટિસ ખન્ના: રાજકીય પક્ષોએ દાન વિશે પહેલેથી જ માહિતી આપી દીધી છે. બોન્ડ ખરીદનારાઓની માહિતી પણ ઉપલબ્ધ છે.
કોર્ટે ચુકાદો આપ્યો: લગભગ 40 મિનિટ પછી કોર્ટે ચુકાદો લખવાનું શરૂ કર્યું. કોર્ટે SBIને 12 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવાનો આદેશ આપતાં 30 જૂન સુધીનો સમય માગતી અરજીને ફગાવી દીધી હતી. આ સિવાય ચૂંટણીપંચને 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ માહિતી એકઠી કરીને વેબસાઈટ પર પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.
ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ક્યારે થઈ?
- 15 ફેબ્રુઆરી 2024: સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અસરથી રાજકીય ભંડોળ માટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું- આ યોજના ગેરબંધારણીય છે. બોન્ડની ગુપ્તતા જાળવવી એ ગેરબંધારણીય છે. આ યોજના માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.
- 2 નવેમ્બર 2023: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો. જોકે આગામી સુનાવણીની તારીખ જણાવવામાં આવી નથી. અદાલતે પક્ષોને મળેલા ભંડોળના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણીપંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. પંચે રાજકીય પક્ષોને 30 સપ્ટેમ્બર સુધીમાં શક્ય એટલી વહેલી તકે ચૂંટણી બોન્ડ મારફત મળેલી રકમની માહિતી આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
- 1 નવેમ્બર, 2023: સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડથી રાજકીય દાનમાં પારદર્શિતા આવી છે. દાતાઓ ઇચ્છતા નથી કે અન્ય પક્ષને તેમના દાન વિશે ખબર પડે. આનાથી તેમના પ્રત્યે અન્ય પક્ષની નારાજગી વધશે નહીં. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો આવું છે તો શાસક પક્ષ વિપક્ષના દાનની માહિતી કેમ લે છે? વિપક્ષ ડોનેશનની માહિતી કેમ નથી લઈ શકતો?
- 31 ઓક્ટોબર 2023: પ્રશાંત ભૂષણે દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બોન્ડ માત્ર લાંચ છે, જે સરકારના નિર્ણયોને અસર કરે છે. જો કોઈ નાગરિકને ઉમેદવારો, તેમની મિલકતો, તેમના ગુનાહિત ઈતિહાસ વિશે જાણવાનો અધિકાર છે, તો તેણે એ પણ જાણવું જોઈએ કે રાજકીય પક્ષોને કોણ ભંડોળ પૂરું પાડે છે?
ઇલેક્ટોરલ બોન્ડ શું છે?
2017ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી. કેન્દ્ર સરકારે એને 2 જાન્યુઆરી 2018ના રોજ સૂચિત કર્યું. આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે.
જો તમે એને ખરીદવા માગો છો તો તમને એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયત કરેલી શાખામાં મળશે. ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બોન્ડ દાન કરી શકે છે. માત્ર તે પક્ષ આ માટે લાયક હોવો જોઈએ.
આ બાબતે વિવાદ કેમ…
2017માં અરુણ જેટલીએ એને રજૂ કરતી વખતે દાવો કર્યો હતો કે તે રાજકીય પક્ષોના ભંડોળ અને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા લાવશે. કાળાં નાણાં પર અંકુશ આવશે. બીજી તરફ, એનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે એ ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ કરવાનું માધ્યમ બની શકે છે.
બાદમાં આ યોજનાને 2017માં જ પડકારવામાં આવી હતી, પરંતુ સુનાવણી 2019માં શરૂ થઈ હતી. 12 એપ્રિલ, 2019ના રોજ, સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને 30 મે, 2019 સુધીમાં ચૂંટણીપંચને એક પરબીડિયામાં ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી સબ્મિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે કોર્ટે આ યોજનાને અટકાવી ન હતી.
પાછળથી ડિસેમ્બર, 2019માં પિટિશનર એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ યોજના પર સ્ટે મૂકવા માટે અરજી દાખલ કરી, જેમાં મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણીપંચ અને રિઝર્વ બેંકની ઈલેક્ટોરલ બોન્ડ યોજના અંગેની ચિંતાઓને કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતે અવગણવામાં આવી હતી.