35 મિનિટ પેહલાલેખક: પ્રકાશ.એ.પરમાર
- કૉપી લિંક
દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સત્તા પક્ષ અને વિપક્ષ પોતપોતાનું જોર લગાવી રહ્યા છે. 24*7 ચૂંટણી મોડમાં રહેતુ ભાજપ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે. તો રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે દેશના ભ્રમણે નીકળ્યા છે અને વિપક્ષો સાથે મળી નવા સોગઠા ગોઠવી રહ્યા છે. આ બધા વચ્ચે છેલ્લા બે દિવસમાં દેશમાં બનેલી 5 ઘટના ધ્યાન આકર્ષિત કરનારી છે. આ 5 ઘટના ન માત્ર સત્તા પક્ષ પણ વિપક્ષ માટે પણ આવનારી લોકસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થશે. તો આવો જાણીએ કે છેલ્લા બે દિવસમાં બનેલી એ 5 ઘટના કઇ છે? તે કેવી રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં અસર કરશે? તેનાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન?. દેશની રાજનીતિ પર તેની શું અસર પડશે?
આ 5 ઘટનાએ ધ્યાન આકર્ષિત કર્યું
ઘટના-1
ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ
ઉત્તરાખંડ વિધાનસભામાં બુધવારે સમાન નાગરિક સંહિતા કાયદો (યુસીસી) બિલ પાસ થઇ ગયું છે. યુસીસી બિલ પાસ કરનાર ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બન્યુ છે. અગાઉ મંગળવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સમાન નાગરિક સંહિતા કાયદા (યુસીસી)નો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. ધામીએ કહ્યું કે, આ બિલમાં બધા ધર્મ અને બધા વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બિલ રજૂ કરતા પહેલાં મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે જેની લાંબા સમયગાળાથી રાહ જોવાઈ રહી હતી, તે ક્ષણ આવી ગઇ છે. પ્રદેશની સવા કરોડ જનતા જ નહીં પરંતુ આખા દેશની નજર ઉત્તરાખંડ ઉપર અડગ છે. આ કાયદો મહિલા ઉત્થાનને મજબૂત કરવાનું પગલું છે જેમાં દરેક સમુદાય, દરેક વર્ગ, દરેક ધર્મ અંગે વિચાર કરવામાં આવ્યો છે. તો આવો સૌપ્રથમ જાણીએ કે સમાન નાગરિક સંહિતા કાયદો (યુસીસી) શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) છે શું?
દેશમાં બે પ્રકારના કાયદા છે. ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગૂ પડે છે. જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસ ચાલે છે. છુટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્ન, રીત રિવાજ અલગ અલગ છે. આજ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો પણ કહેવાય છે. પર્સનલ લો એટલા માટે કે, મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લો છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લો ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય તે તમામ માટે એક સમાન કાયદા રહેશે જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.
યુસીસીને આ ઉદાહરણથી સમજો
અત્યારે પર્સનલ લો છે. તેમાં મુસ્લિમ પુરૂષ 4 નિકાહ કરી શકે છે. પણ હિન્દુઓમાં બીજા લગ્ન કરવા ગુનો છે. પણ હવે હિન્દુ હોય કે મુસલમાન, ઈસાઈ હોય કે શીખ, બધા માટે એક સમાન કાયદો રહેશે. આ કાયદો દરેક ધર્મ, સમુદાયને એક સમાન લાગૂ પડશે.
યુસીસી બિલમાં આ રહી મહત્વની 12 જોગવાઈઓ…
- છોકરીઓની લગ્નની ઉંમર વધારવામાં આવશે જેથી તેઓ લગ્ન પહેલા ગ્રેજ્યુએટ થઈ શકે.
- તમામ ધર્મ અને જાતિઓમાં લગ્નની ઉંમર 18 વર્ષ હશે.
- લગ્નને એક વર્ષ સુધી કોઈ પુરુષ કે સ્ત્રી છૂટાછેડા માટે કોર્ટમાં જઈ શકશે નહીં.
- બહુપત્નીત્વની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
- લગ્ન કોઈ પણ ધાર્મિક પ્રથા મુજબ થયા હોય, પણ છુટાછેડા માત્ર કાનૂની પ્રક્રિયાથી જ લઈ શકાશે.
- કાયદા વિરુદ્ધ લગ્ન કરવા પર છ મહિનાની જેલ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
- નિયમો વિરુદ્ધ છૂટાછેડા લેવા પર ત્રણ વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.
- પુરુષ અને સ્ત્રી વચ્ચે બીજા લગ્ન ત્યારે જ થઈ શકે છે જ્યારે બંનેમાંથી કોઈ એક પાર્ટનર હયાત ન હોય.
- પરિણીત હોવા છતાં પુરુષ અથવા સ્ત્રી બંનેએ કોઈ ત્રીજી જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તે છુટાછેડા માટેનો આધાર ગણાશે.
- જો કોઈએ નપુંસકતાના કારણે અથવા જાણી જોઈને બદલો લેવાના કારણે લગ્ન કર્યા છે, તો કોઈપણ વ્યક્તિ છૂટાછેડા માટે કોર્ટમાં જઈ શકે છે.
- પુરૂષો અને સ્ત્રીઓને મિલકત અંગે સમાન અધિકાર હશે. આમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં.
ઉત્તરાખંડના આદિવાસીઓને કાયદાથી દૂર રાખવામાં આવશે
ઉત્તરાખંડમાં આદિવાસીઓને યુસીસીના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. કારણ કે ત્યાં આદિવાસીઓની વસ્તી બહુ ઓછી છે. આ બિલ જો કાયદો બની જશે તો આદિવાસીઓને લાગુ પડશે નહીં. રાજ્યમાં પાંચ પ્રકારના આદિવાસી સમુદાયો છે જેમાં થારુ, બોક્સા, રાજી, ભોટિયા અને જૌનસારી સમુદાયનો સમાવેશ થાય છે. ચીન સાથેના 1962ના યુદ્ધ પછી તેઓને 1967માં બંધારણની કલમ 342 હેઠળ આદિવાસી સમુદાયમાં સમાવેશ માટે સૂચિત કરવામાં આવ્યા હતા. હાલમાં જ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ કહ્યું છે કે તે તેમના રાજ્યમાં આદિવાસીઓને પણ આ કાયદાથી મુક્ત રાખશે.
740 પાનાં અને ચાર દળદાર વોલ્યુમમાં બન્યો યુસીસીનો ડ્રાફ્ટ
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી પેનલે અનેક ભલામણો ધરાવતો ચાર વોલ્યુમનો 740 પાનાનો અહેવાલ તૈયાર કર્યો છે. પેનલે 2.33 લાખ લેખિત પ્રતિસાદ ઓનલાઈન એકત્રિત કર્યા અને 70 થી વધુ લોકદરબારોનું આયોજન કર્યું. આ દરમિયાન, પેનલના સભ્યોએ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે લગભગ 60 હજાર લોકો સાથે વાતચીત કરી. ત્યારબાદ જ યુસીસીનું બિલ તૈયાર કરવામાં આવ્યું, જેને આજે ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
- યુનિફોર્મ સિવિલ કોડની ચૂંટણી પર શું અસર થશે યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં બિલ પાસ થતા હવે ભાજપ શાસિત રાજ્યો આ ઉત્તરાખંડ મોડેલને અપનાવશે. લોકસભાની ચૂંટણી પહેલાં યુસીસી બિલ લાવવાનો પ્રયોગ ઉત્તરાખંડથી થયો છે. ભાજપ માટે ગુજરાત લેબોરેટરી રહ્યું છે. મોટાભાગના પ્રયોગ ગુજરાતથી થયા છે પણ આ વખતે ઉત્તરાખંડથી યુસીસીની શરૂઆત કરી છે. ભાજપના ત્રણ મુખ્ય એજન્ડા હતા. એમાંથી રામ મંદિર નિર્માણ અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વાયદો પૂરો થયો છે. હવે માત્ર યુસીસી બાકી છે. યુસીસીના અમલથી વિપક્ષ ભાજપ પર લઘુતમીઓ સાથે ભેદભાવ અને અન્યાયની વાતને હવા આપશે. આ સાથે જ આદિવાસીઓને યુસીસીથી અલગ રખાયા હોવાથી બંધારણીય રીતે પણ કોર્ટમાં આ કાયદાને પડકારવામાં આવી શકે છે. તો બીજી તરફ ભાજપની હાડકોર હિન્દુત્વની છબી વધુ મજબૂત થશે જેથી તેમને ચૂંટણીમાં ફાયદો થશે.
યુસીસીનો અમલ કરવો સરળ નથી
નિષ્ણાતો એવું કહે છે કે દેશમાં યુસીસી લાગુ કરવું સરળ નથી. કારણ કે, બંધારણ દરેકને પોતાના ધર્મનું પાલન કરવાનો અને માનવાનો અધિકાર આપે છે. કલમ 25માં ધાર્મિક સ્વતંત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. યુસીસી લાગુ થતાં જ આ તમામ નિયમો સમાપ્ત થઈ જશે. જો કે, બંધારણ નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમના સ્થાનિક રિવાજોને માન્યતા અને રક્ષણ આપવાની વાત કરે છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું માનવું છે કે આ કાયદો મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. જો આનો અમલ થશે તો મુસલમાનોના ઘણા અધિકારો જતા રહેશે. ઉદાહરણ તરીકે, કાયદેસરના છૂટાછેડા વિના એકથી વધુ લગ્નનો કોઈ અધિકાર રહેશે નહીં. શરિયત મુજબ મિલકતની વહેંચણી થશે નહીં.
ઘટના-2
પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હટાવવાની માગ
ભાજપના સાંસદ હરનાથ સિંહ યાદવે રાજ્યસભામાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હટાવવાની માગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સમાજ માટે બે કાયદા ન હોઈ શકે. આ કૃત્ય સંપૂર્ણપણે ગેરબંધારણીય અને અતાર્કિક છે. આ કાયદો બૌદ્ધ, જૈન, શીખ અને હિંદુ સમુદાયના અનુયાયીઓના ધાર્મિક અધિકારોને ઘટાડે છે અને ભગવાન રામ અને કૃષ્ણ વચ્ચે ભેદભાવ પણ ઉભો કરે છે.
શું છે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991?
વાસ્તવમાં, પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સ્થળ એ જ સ્વરૂપમાં રહેશે જે રીતે તે આઝાદી પહેલા હતું અને તેની સાથે કોઈપણ રીતે છેડછાડ કરવામાં આવશે નહીં. જોકે, અયોધ્યા કેસને આમાં અપવાદ માનવામાં આવ્યો હતો. પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની તત્કાલીન કોંગ્રેસ સરકાર દરમિયાન આ કાયદો ઘડવામાં આવ્યો હતો. તે સમયે રામ મંદિરનો મુદ્દો ચરમસીમાએ હતો.
આઝાદી પછી સત્તામાં રહ્યા તે ધર્મસ્થળોનું મહત્વ સમજી શક્યા નથી
ભાજપના સાંસદ હરનાથ સિંહે કહ્યું કે, પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 ન્યાયિક સમીક્ષાને પ્રતિબંધિત કરે છે, જે બંધારણની મૂળભૂત વિશેષતા છે. આ કાયદો બંધારણમાં ઉલ્લેખિત સમાનતા અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જે બંધારણની પ્રસ્તાવના અને તેની મૂળભૂત રચનાનો અભિન્ન ભાગ છે. આ સાથે હરનાથ સિંહે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે પીએમએ કહ્યું હતું કે જે લોકો આઝાદી પછી લાંબા સમય સુધી સત્તામાં રહ્યા તેઓ ધર્મસ્થળોનું મહત્વ સમજી શક્યા નથી. તે લોકોએ પોતાના રાજકીય ફાયદા માટે પોતાની સંસ્કૃતિથી શરમાવાની વૃત્તિ સ્થાપિત કરી. હરનાથ સિંહે કહ્યું કે પીએમ મોદીએ કહ્યું હતું કે કોઈ પણ દેશ તેના ભૂતકાળને ભૂલીને, તેને ભૂંસી નાખવાથી અને તેના મૂળ કાપીને ક્યારેય પ્રગતિ કરી શકતો નથી.
‘દેશહિતમાં કાયદો નાબૂદ થવો જોઈએ’
ભાજપ સાંસદ હરનાથ સિંહે કહ્યું કે આ કાયદાનો અર્થ એ છે કે તલવારના જોરે વિદેશી આક્રમણકારો દ્વારા જ્ઞાનવાપી અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ સહિત અન્ય ધર્મસ્થાનો પર કબજો અગાઉની સરકાર દ્વારા કાયદેસર રીતે ન્યાયી ઠેરવવામાં આવ્યો છે. ભાજપ સાંસદે કહ્યું કે સમાન કૃત્યો અને સમાન સંજોગો માટે બે કાયદા હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે કોઈપણ સરકાર કોઈપણ નાગરિક માટે કોર્ટના દરવાજા બંધ કરી શકે નહીં. તેમણે કહ્યું કે આ કાયદો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. આવી સ્થિતિમાં તેઓ દેશના હિતમાં આ કાયદાને નાબૂદ કરવાની માગ કરે છે.
- પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હટાવવાની માગની શું અસર? રામમંદિરના ઉદ્ઘાટન બાદથી જ ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર છે. દેશભરમાં આ થકી ભાજપ હિન્દુત્વની લહેર ઉભી કરવા માગે છે તો બીજી તરફ ભાજપના સાંસદે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હટાવવાની માગ કરતા ભાજપ હિન્દુ મતદારોમાં વધુ મજબૂત થશે. હાલ જ્ઞાનવાપીનો કેસ ચાલી રહ્યો છે અને આવનારા સમયમાં મથુરા અને કાશી મુદ્દે પણ કોઇ નિર્ણય આવશે તે વાતને વધુ વેગ મળશે. અને જેની અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળશે. અયોધ્યામાં રામ મંદિર બાદ હવે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહને લઈને વિવાદ ઉભો થયો છે. આ બંને ધાર્મિક સ્થળો પર હિન્દુ સમુદાય દાવો કરી રહ્યો છે. તાજેતરમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપીમાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો, જેના પર મુસ્લિમ પક્ષે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ એક્ટને નાબૂદ કરવાની માગ કરવામાં આવી હોય. આ પહેલા પણ ઘણા સાંસદો આ મુદ્દો સંસદમાં ઉઠાવી ચૂક્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે, જેના પર વધુ સુનાવણી થવાની છે.
ઘટના-3
વડાપ્રધાનના લોકસભામાં વિપક્ષ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ પર આભાર-ભાષણ આપતા વિપક્ષ, કોંગ્રેસ અને પરિવારવાદ પર જોરદાર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે એક જ પ્રોડક્ટને ઘણી વખત લોન્ચ કરવાને કારણે કોંગ્રેસની દુકાન તાળાં વાગવાના આરે છે. દેશની સાથે કોંગ્રેસને પણ પરિવારવાદનો માર સહન કરવો પડ્યો. સાથે જ વડાપ્રધાને ભાજપ 370 બેઠક જીતશે તેવો દાવો કરી દીધો. ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બની જશે તેવી પણ મોદીએ ગેરંટી આપી.
તમારામાંથી ઘણાએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે
વડાપ્રધાને કહ્યું કે આ વિપક્ષ ઘણા દાયકાઓથી સત્તામાં બેઠો હતો. એવી જ રીતે આ વિપક્ષે ઘણા દાયકાઓથી વિપક્ષમાં બેસવાનો સંકલ્પ કર્યો છે. આગામી ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી તેઓ આગામી ચૂંટણીમાં દર્શક ગેલરીમાં જોવા મળશે. આ વખતે 400ને પાર કરીશું, આ વાત દેશ જ નહીં ખડગેજી પણ કહી રહ્યા છે. જનતા ચોક્કસપણે ભાજપને 370 બેઠક આપશે. હું જોઉં છું કે તમારામાંથી ઘણાએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. મેં સાંભળ્યું છે કે સીટ બદલવાની તૈયારીઓ થઈ રહી છે. ઘણા લોકો લોકસભાને બદલે રાજ્યસભામાં જવાના છે.
ભારતીયો આળસુ, ઓછી બુદ્ધિવાળા હોવાની નેહરુજીની વિચારસરણી
વડાપ્રધાને નેહરુ-ગાંધી પરિવાર પર પ્રહાર કરતા જણાવ્યું કે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર પીએમ નેહરુએ કહ્યું હતું- ભારતમાં સામાન્ય રીતે ખૂબ મહેનત કરવાની આદત નથી. આપણે જાપાન, ચીન, રશિયા, અમેરિકા જેટલું કામ કરતા નથી. એવું ન વિચારો કે એ સમુદાયો કોઈ જાદુથી ખુશ થયા, તેઓ પોતાની મહેનતથી ખુશ થયા, એટલે કે ભારતીયો પ્રત્યે નેહરુજીની વિચારસરણી એવી હતી કે ભારતીયો આળસુ અને ઓછી બુદ્ધિવાળા છે. ઇન્દિરાજીની વિચારસરણી પણ એનાથી અલગ ન હતી. ઈન્દિરાજીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કહ્યું હતું- દુર્ભાગ્યવશ, આપણી આદત છે કે જ્યારે કોઈ શુભ કાર્ય પૂર્ણ થવાનું હોય છે ત્યારે આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ અને મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ થઈ જઈએ છીએ. ક્યારેક એવું લાગે છે કે સમગ્ર રાષ્ટ્રએ હારની લાગણી અપનાવી લીધી છે.
કોંગ્રેસ એક જ પરિવારમાં ફસાઈ ગઈ
તેમણે વધુમાં જણાવ્યું હતું, જો એક પરિવારમાંથી બે જણ પ્રગતિ કરે તો આવકાર્ય છે, જો 10 લોકો પ્રગતિ કરે તો આવકાર્ય છે, પરંતુ પરિવાર પાર્ટી ચલાવે છે. તેમના પુત્રને અધ્યક્ષ બનાવવાનો વિરોધ થવો જોઈએ. કોંગ્રેસ પરિવારમાં ફસાઈ ગઈ. તે દેશના કરોડો પરિવારોની આકાંક્ષાઓ અને સિદ્ધિઓ જોઈ શકતી નથી. કોંગ્રેસમાં કેન્સલ કલ્ચર વિકસ્યું છે. અમે કહીએ છીએ મેક ઇન ઇન્ડિયા, તેઓ કહે છે કેન્સલ વંદે ભારત, આત્મનિર્ભર ભારત, નવી સંસદ. આ મોદીની સિદ્ધિ નથી, આ દેશની સિદ્ધિ છે. આજે પણ કોંગ્રેસમાં આ જ વિચાર જોવા મળે છે. કોંગ્રેસ હંમેશાં માત્ર એક પરિવારમાં માનતી હતી. તેઓ તેમના પરિવારથી આગળ કંઈપણ વિચારી શકતી નથી. જોઈ શકતી નથી.
યુપીએ સરકારે ઓબીસી નેતાઓનું અપમાન કર્યું
યુપીએ સરકારે ઓબીસી નેતાઓનું અપમાન કરવાનું કામ કર્યું. અમે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યો. 1970માં તેઓ બિહારના સીએમ બન્યા, તેમને હટાવવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું. 1987માં કોંગ્રેસે કર્પૂરી ઠાકુરને વિરોધપક્ષના નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કહ્યું- તેઓ બંધારણનું સન્માન કરી શક્યા નથી. કોંગ્રેસ આજકાલ ઓબીસીને લઈને ચિંતિત છે. આજકાલ આપણા કોંગ્રેસના સાથીદારો સરકારમાં કેટલા ઓબીસી છે અને તેઓ કેટલા હોદ્દા ધરાવે છે એની ચિંતામાં છે. મને નવાઈ લાગે છે કે તેમને આટલા મોટા ઓબીસી નથી દેખાતા. યુપીએના સમયમાં એક વધારાની બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. એમાં કોઈ ઓબીસી નહોતું.
અમારા માટે નેશન ફર્સ્ટ, ચાલો સાથે મળીને કામ કરીએ
અમારા માટે નેશન ફર્સ્ટ છે. હું તમામ રાજકીય પક્ષોના તમામ સભ્યોને અપીલ કરું છું – દેશ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. ચાલો દેશના નિર્માણ માટે ખભેખભા મિલાવીને આગળ વધીએ. હું તમારું સમર્થન માગું છું. દુનિયામાં જે તક આવી છે એનો ફાયદો ઉઠાવવા માટે હું તમારો સાથ ઈચ્છું છું, પરંતુ જો તમે સાથ ન આપી શકો, તમારો હાથ માત્ર ઈંટો ફેંકવા માટે છે, તો હું તમને કહી દઉં કે તમારા દ્વારા ફેંકવામાં આવેલી દરેક ઈંટ અને પથ્થરને હું વિકસિત ભારતનો પાયો બનાવવામાં ઉમેરી દઈશ.
- PMના ભાષણની શું અસર થશે?
વડાપ્રધાન મોદીએ નેહરુ-ગાંધી પરિવાર પર પ્રહારની સાથે જ ભારતની વિકાસની વાત પણ કહી. તેમણે ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે તેવી ગેરંટી આપી. તેમણે કોંગ્રેસ અને વિપક્ષ પર પરિવારમાં ફસાયા હોવાનું જણાવ્યું. તેમણે દેશના વિકાસની વાત પણ કરી. સાથે જ યુપીએ સરકારે ઓબીસી નેતાઓનું અપમાન કર્યું હોવાનું જણાવી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યો તે વાત જણાવી. પોતાને ઓબીસી ગણાવી જાતિ આધારિત વસતી ગણતરી અને ઓબીસીની ભાગીદારીની વાતનો છેદ પણ ઉદાડી દીધો. સાથે જ અમારા માટે નેશન ફર્સ્ટ છે તેવું જણાવી વડાપ્રધાને તમામ રાજકીય પક્ષોના તમામ સભ્યોને દેશના નિર્માણ માટે ખભેખભા મિલાવીને આગળ વધવા સમર્થન માગી લીધુ.
ઘટના-4
ચંપઇ સોરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો
આ ઘટનાની સાથે જ ઝારખંડમાં ચાલતા રાજકીય ડ્રામાનો અંત થયો છે. ઝારખંડના નવનિયુક્ત મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી દીધો. 5 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે વોટિંગ થયું હતું, જેમાં ચંપઈ સરકારને સમર્થનમાં 47 વોટ મળ્યા જ્યારે વિપક્ષને કુલ 29 વોટ મળ્યા. અને ઝારખંડની નવી સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પાસ કરી લીધો.
ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની જરૂર કેમ પડી?
જમીન પચાવી પાડવાના કેસમાં હેમંત સોરેનની EDએ ધરપકડ કરી હતી. જ્યારે જમીનના ઈતિહાસની તપાસ શરૂ થઈ અને આ કેસમાં પ્રથમ સમન્સ હેમંત સોરેનને 14 ઓગસ્ટ 2023ના રોજ જારી કરવામાં આવ્યું, ત્યારે જ સરકારી તંત્રએ દસ્તાવેજો મેળવવાનું શરૂ કર્યું. બડગાઈ ઝોનનો તપાસ અહેવાલ અને એસએઆર કોર્ટનો આદેશ તે કાર્યવાહીનો એક ભાગ છે. આમાં જમીન માલિક દ્વારા અરજી મેળવવાથી લઈને તેની તરફેણમાં નિર્ણય ન આવે ત્યાં સુધીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. 29 જાન્યુઆરીના રોજ, જ્યારે EDએ જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેનના દિલ્હીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, તે જ દિવસે જમીન પરત કરવા અંગે SAR કોર્ટનો નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો હતો.
જમીનના દસ્તાવેજોમાં ક્યાંય હેમંત સોરેનનું નામ નથી
જમીન કૌભાંડ કેસમાં બડગઈ ઝોનના તત્કાલિન રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદની ધરપકડ, તેના ઠેકાણામાંથી મળી આવેલા દસ્તાવેજો અને મોબાઈલમાં મળી આવેલા પુરાવાઓ બાદ ઈડી સક્રિય થઈ હતી. ભાનુ પ્રતાપ પ્રસાદના મોબાઈલમાં ઉલ્લેખિત બોસની જમીન અંગે ભાનુએ EDને કહ્યું હતું કે તે હેમંત સોરેનની જમીન છે. જો કે જમીનના દસ્તાવેજોમાં ક્યાંય હેમંત સોરેનનું નામ નથી. EDની તપાસમાં સામે આવ્યું છે કે તેના અને તેના પરિવારના સભ્યોના નામે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને આ જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
7 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરાઇ
અગાઉ EDએ મની લોન્ડરિંગ કેસમાં 7 કલાકની પૂછપરછ બાદ ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. સોરેને ED કસ્ટડીમાં રાજ્યપાલને મળ્યા બાદ સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હેમંત સોરેને ED દ્વારા કરાયેલી ધરપકડને પડકારી હતી. હેમંત સોરેને ધરપકડની વિરુદ્ધમાં ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જ્યાં તેને ઝટકો લાગ્યો. સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. આ પછી ઝારખંડ હાઈકોર્ટે હવે આ મામલે ED પાસે જવાબ માંગ્યો છે.
મામલો હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
ઝારખંડમાં હેમંત સોરેનની ધરપકડનો મામલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાને કારણે રાજકીય સંકટ વધતું જોવા મળી રહ્યું હતુ. એવી અટકળો ચાલી રહી છે કે આવી સ્થિતિમાં સરકાર બનાવવાને બદલે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે અથવા ભાજપ ચાલાકીથી સરકાર બનાવી શકે છે. કારણ કે ભાજપ વિધાનસભામાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે હાજર છે.
હેમંત સોરેને ઈમોશનલ વીડિયો રીલીઝ કર્યો
આ દરમિયાન હેમંત સોરેને એક ઈમોશનલ વીડિયો પણ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે હું ED દ્વારા ધરપકડથી ચિંતિત નથી. તેમણે કહ્યું કે હું શિબુ સોરેનનો પુત્ર છું. સંઘર્ષ આપણા લોહીમાં છે. અમે લડીશું અને જીતીશું. તેઓએ મારી સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા કેસમાં મારી ધરપકડ કરવાનું નક્કી કર્યું છે.
ધારાસભ્યોને સુરક્ષિત રાખવાનો મોટો પડકાર હતો
EDની પૂછપરછ અને હેમંત સોરેનની દિલ્હીથી પરત ફર્યાના બીજા દિવસે ધરપકડ બાદ ધારાસભ્યોને સુરક્ષિત રાખવાનો મોટો પડકાર હતો. શાસક ગઠબંધનના રણનીતિકારોએ સંયમ દાખવ્યો અને આ દિશામાં કામ શરૂ કર્યું. ચંપઇ સોરેનને વિધાનસભા દળના નેતા ચૂંટવામાં આવ્યા. આ દરમિયાન સરકાર બનાવવા માટે ત્રણ વખત રાજભવન જવું પડ્યું હતુ. એક વખત એવું લાગતું હતું કે આ પ્રક્રિયામાં વિલંબ થશે. ધારાસભ્યોની પૂરતી સંખ્યા ન હોવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ધારાસભ્યોની વીડિયોગ્રાફી અને મતગણતરી કરવામાં આવી અને જાહેર કરવામાં આવી ત્યારે શંકાના વાદળો દૂર થવા લાગ્યા. મોડી રાત્રે સરકાર રચવાનું આમંત્રણ મળ્યું.
ધારાસભ્યોને હૈદરાબાદ લઇ જવાયા
એક તરફ ચંપાઈ સોરેન કેબિનેટનો શપથ ગ્રહણ થઈ રહ્યો હતો, તો બીજી તરફ ધારાસભ્યોને સલામત સ્થળે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. ધારાસભ્યોને હૈદરાબાદ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન મહત્વપૂર્ણ વાત એ હતી કે બોરિયોના જેએમએમ ધારાસભ્ય લોબીન હેમબ્રમ, જેમણે હેમંત સરકાર સામે વિરોધનો ઝંડો ઉઠાવ્યો હતો, તે પણ સમર્થનમાં ઉભા રહ્યા હતા. રણનીતિકારોએ હેમંત સોરેનના પરિવારમાં વિવાદ અંગે હરીફ પક્ષ દ્વારા કરવામાં આવતી અટકળોને પણ નિષ્ફળ બનાવી દીધી હતી. જામાના ધારાસભ્ય સીતા સોરેન ખુલ્લેઆમ સમર્થનમાં આવ્યા હતા જ્યારે દુમકાના ધારાસભ્ય બસંત સોરેન સમગ્ર ઘટના દરમિયાન ખૂબ જ સક્રિય રહ્યા હતા.
- ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અને તેની અસર
ઝારખંડમાં હેમંત સોરેનની EDએ 31 જાન્યુઆરીએ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી. ભાજપ આ દરમિયાન રાજકીય અસ્થિરતા અને નેતા વિહોણા ગઠબંધનને ઉઠલાવવાની પૂરી તૈયારીમાં હતુ. ભાજપે ઝારખંડમાં સરકાર બદલવાની પૂરી તૈયારી કરી લીધી હતી. નેતાઓ સક્રિય થઇ ગયા હતા અને ગમે તે ઘડીએ ઓપરેશન લોટસ થાય તેવી પૂરી સંભાવના હતી. પણ આ દરમિયાન હેમંત સોરેને સ્થિતિ સમજી તાત્કાલીક ચંપઇ સોરેનને ધારાસભ્ય દળના નેતા બનાવી દીધા. પક્ષ અને ગઠબંધનને એકજૂટ કરી રાજકીય પરિપક્વતા દર્શાવી સરકાર બચાવી લીધી.
આ લોકોનું ચાલે તો આપણને ફરીથી જંગલમાં મોકલી દે
તાબડતોડ ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પણ પાસ કરી લેવાયો. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ગૃહમાં કહ્યું હતું કે લાગે છે કે મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે. 23 મિનિટના ભાષણમાં હેમંત સોરેને કેન્દ્ર સરકાર અને ભાજપને આકરા સૂરમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ છે. મને જમીન હડપ કરવાનો એક કાગળ તો બતાવો, રાજકારણ તો શું, ઝારખંડ છોડી દઈશ. તેમણે આગળ ઉમેર્યું કે આ લોકોને કોઇ આદિવાસી મુખ્યમંત્રી BMWમાં ફરે તે પસંદ નથી. આ લોકોનું ચાલે તો આપણને ફરીથી જંગલમાં મોકલી દે. આપણી પાસે બેસવાથી આ લોકોના કપડા ગંદા થાય છે.
હેમંત સોરેનનો મુદ્દો આદિવાસી અસ્મિતા સાથે જોડી દીધો
EDએ જ્યારથી હેમંત સોરેનને સમન્સ પાઠવ્યો હતો ત્યારથી હેમંત સોરેને અને વિપક્ષે આ મુદ્દાને આદિવાસી અસ્મિતા સાથે જોડી દીધો હતો. હેમંત સોરેન સાથે બનેલી દરેક ઘટનાને JMM અને વિપક્ષે આદિવાસીના સન્માન સાથે જોડી દીધી. તેમણે હેમંત સોરેન પરની કાર્યવાહીને આદિવાસી સમાજ પર થતા અત્યાચાર તરીકે દર્શાવી. ઝારખંડમાં આદિવાસી સંગઠનોએ બંધનું એલાન આપ્યું. તો દેશભરમાંથી આદિવાસી સંગઠનો હેમંત સોરેનની પડખે આવી ગયા. અને આ મુદ્દે ક્યાંક ને ક્યાંક દેશભરના આદિવાસી સંગઠિત થતા જોવા મળ્યા.
દેશમાં આશરે 10 કરોડથી વધુ આદિવાસી મતદારો
દેશમાં આશરે 10 કરોડથી વધુ આદિવાસી મતદારો છે. લોકસભાની 543 બેઠકોમાંથી 47 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. 2019માં આરક્ષિત 47 બેઠકોમાંથી 31 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. આ સાથે દેશના 18 રાજ્યોમાં આદિવાસી સમાજની સારા એવા પ્રમાણમાં વસતી છે. જેમાં હિન્દી બેલ્ટના મોટા રાજ્યો એવા મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, તો ગુજરાત, મહારાષ્ટ્ર, નોર્થ ઇસ્ટ સહિત સમગ્ર દેશમાં આદિવાસી મતદારો બહોળા પમાણમાં અને પ્રભાવશાળી છે. લોકસભામાં બહુમતી માટે આ રાજ્યોમાં મોટા પ્રમાણે બેઠકો જીતવી જરૂરી છે અને તેમાં આદિવાસી મતદારોનો સાથ જરૂરી છે.
લોકસભામાં મોટુ નુકસાન થાય
જો હેમંત સોરેન અને વિપક્ષ આ મુદ્દાને આદિવાસી અસ્મિતા સાથે જોડવામાં સફળ થાય તો મોટી સંખ્યામાં આદિવાસી મતદારો શિફ્ટ થાય અને તેની સીધી અસર લોકસભામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં થાય અને તે કારણે ભાજપને મોટું નુકસાન વેંઠવાનો વારો આવે.
ઓપરેશન લોટસ ફેલ ગયું તેવો મેસેજ આપવામાં વિપક્ષ સફળ
બીજી તરફ ઝારખંડમાં ઓપરેશન લોટસ ફેલ ગયું તેવો મેસેજ આપવામાં JMM અને વિપક્ષ સફળ રહ્યું છે. જેની સીધી અસર આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષના રાજ્યોની સરકાર ઉથલાવવાના પ્રયાસો પર પણ અસર પડશે. જેની વિપક્ષ મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત થશે. અને તેમને નવું આત્મબળ મળશે.
ઘટના-5
ચંડીગઢ મેયરની ચૂંટણીને SCએ લોકશાહીની હત્યા ગણાવી
ચંડીગઢ મેયરની ચૂંટણીને લઇને સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે તેને લોકશાહીની હત્યા ગણાવી છે. કોર્ટે કહ્યું કે મેયરની ચૂંટણી યોગ્ય રીતે યોજવી એ સૌથી મહત્વપૂર્ણ છે. ચૂંટણી અધિકારી અનિલ મસીહને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે મેયરની ચૂંટણીનો તમામ રેકોર્ડને જપ્ત કરીને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટાર જનરલ પાસે રાખવામાં આવે. બેલેટ પેપર અને વીડિયોગ્રાફીને સુરક્ષિત રાખવામાં આવે.
ચંડીગઢ મેયરની ચૂંટણીનો વિવાદ શું છે?
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં એક સાંસદ અને 35 કાઉન્સિલરો સહિત 36 મત પડ્યા હતા. તેમાં ભાજપના 14 કાઉન્સિલરો, એક બીજેપી સાંસદ કિરણ ખેર, 1 અકાલી દળનો અને બાકીના 20 મત AAP અને કોંગ્રેસના કાઉન્સિલરોના હતા. બધાએ મતદાન કર્યું. મતગણતરી બાદ ચૂંટણી અધિકારીએ કહ્યું કે ભાજપને 16 મત મળ્યા છે. જ્યારે, AAP-કોંગ્રેસના ઉમેદવારને 12 મત મળ્યા, જ્યારે 8 મત અમાન્ય જાહેર કરાયા હતા. AAP-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર કુલદીપ કુમારે આ મામલે અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે ભાજપના નવા ચૂંટાયેલા મેયર મનોજ સોનકરને હટાવીને ફરીથી ચૂંટણી કરાવવાની માગ કરી છે.
હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી
સુપ્રીમ કોર્ટમાં જતા પહેલા કુલદીપ કુમાર વતી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે સુનાવણી દરમિયાન તેમને કોઈ રાહત મળી નથી. જેમાં જસ્ટિસ સુધીર સિંહ અને હર્ષ બાંગરની ડિવિઝન બેંચે ચૂંટણી પર રોક લગાવવાની AAPની માગને નકારી કાઢી હતી. તે જ સમયે ચંડીગઢ પ્રશાસનને નોટિસ જારી કરવામાં આવી હતી અને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો હતો. કુલદીપ કુમાર વતી આ મામલે વહેલી તકે સુનાવણી કરવાની માગ કરવામાં આવી હતી. પરંતુ, હાઈકોર્ટ દ્વારા ચંડીગઢ પ્રશાસનને ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. હવે આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં 26 ફેબ્રુઆરીએ સુનાવણી થવાની છે.
આ કારણે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો
AAP કાઉન્સિલરે વચગાળાની રાહત નકારવા અને અરજીને ત્રણ અઠવાડિયાનો સમય આપવા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી 26 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, AAP ઉમેદવારે નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ મુક્ત અને નિષ્પક્ષ રીતે નવી ચૂંટણીઓ કરાવવાની માગ કરી છે.
સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે નોટિસ ઇશ્યૂ કરી
અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ચૂંટણી અધિકારી અનિલ મસીહે મત ગણતરીમાં છેડછાડ કરી હતી. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ તેમના વતી દલીલો રજૂ કરી હતી. સીજેઆઈ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે આ લોકશાહીની હત્યા કરવા જેવું છે. આ માણસ સામે કાર્યવાહી થવી જોઈએ. આ લોકશાહી સાથે મજાક છે. સાથે જ સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે નોટિસ ઇશ્યૂ કરી છે.
સ્પષ્ટ છે કે તેઓએ બેલેટ પેપરમાં ગડબડ કરી હતી
સીજેઆઈ જસ્ટિસ ચંદ્રચુડે વકીલ મનિન્દર સિંહને કહ્યું, “તે સ્પષ્ટ છે કે તેઓએ બેલેટ પેપરમાં ગડબડ કરી હતી. તેના પર કાર્યવાહી થવી જોઈએ, તે કેમેરા તરફ કેમ જોઈ રહ્યા છે, વકીલ સાહેબ, આ લોકશાહીની મજાક અને લોકશાહીની હત્યા છે, અમને નવાઈ લાગે છે. શું આ રિટર્નિંગ ઓફિસરનું વર્તન છે? જ્યાં પણ ક્રોસ નીચે હોય ત્યાં કઇ કરતા નથી અને જ્યારે તે ઉપર હોય ત્યારે તે તેને બદલે છે, કૃપા કરીને રિટર્નિંગ ઓફિસરને જણાવો કે સુપ્રીમ કોર્ટ તેના પર નજર રાખી રહી છે.
- ચંડીગઢ મેયરની ચૂંટણીની શું અસર થશે? ચંડીગઢ મેયરની ચૂંટણીની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે તેને લોકશાહીની હત્યા ગણાવી છે. એક તરફ દેશભરમાં વિપક્ષ EVM પર સવાલ ઉઠાવી રહ્યું છે. ભાજપ ચૂંટણીમાં અધિકારીઓનો અને સરકારી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ કરી રહ્યું છે. તેવામાં ચૂંટણી અધિકારીનો બેલેટ પેપર સાથે છેડછાડનો વીડિયો વાઇરલ થતા સરકાર બેકફૂટ પર જોવા મળી રહી છે. આવનારા સમયમાં વિપક્ષ આ મુદ્દાને દેશભરમાં જોરશોરથી ઉઠાવશે. કેન્દ્રીય એજન્સીઓ પર વિપક્ષ વધુ આક્રમક થશે. અને તેની સીધી અસર લોકસભાની ચૂંટણી પર પણ જોવા મળશે. આ મુદ્દામાં કોંગ્રેસ અને AAPએ સાથે મળીને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે જેથી I.N.D.I.A ગઠબંધનને પણ નવુ બળ મળશે.
આ પાંચેય ઘટના લોકસભાની ચૂંટણીને લઇને ખૂબજ મહત્વપૂર્ણ
આમ આ પાંચેય ઘટના આગામી લોકસભાની ચૂંટણીને લઇને ખૂબજ મહત્વપૂર્ણ સાબિત થશે. ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અને ચંડીગઢ મેયરની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીથી વિપક્ષને નવુ બળ મળશે તો બીજી તરફ ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ થવાથી, ભાજપના સાંસદની પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હટાવવાની માગથી ભાજપ હિન્દુ મતદારોમાં વધુ મજબૂત થશે. તો લોકસભામાં નેહરુ-ગાંધી પરિવાર, આર્થિક વિકાસ અને પોતાને ઓબીસી ગણાવી વડાપ્રધાન મોદીએ આવનારી ચૂંટણીમાં વિપક્ષને તમામ મોરચે ઘેરવા સજ્જ હોવાનો મેસેજ આપી દીધો છે. ત્યારે હવે આવનારા સમયમાં આ પાંચેય ઘટનાની ભારતની રાજનીતિ પર શું અસર થશે તેની પર સૌની નજર રહેશે.