નવી દિલ્હી4 કલાક પેહલા
- કૉપી લિંક
દક્ષિણ સિક્કિમમાં તિસ્તા નદીમાં પુર આવ્યું છે, અનેક ઘરોને ભારે નુકશાન થયું છે.
દેશના ઉત્તરી રાજ્યોમાં હીટવેવ અને ભીષણ ગરમી પડી રહી છે. બીજી તરફ ઉત્તર-પૂર્વમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સિક્કિમમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદને કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયાં છે.
સૌથી વધુ વિનાશ સિક્કિમના મંગન જિલ્લામાં થયો છે. ગુરુવારે (13 જૂન) એક જ દિવસમાં અહીં 220 મિમીથી વધુ વરસાદ થયો હતો. આના કારણે ગયા વર્ષે બનેલો સાંગકલંગ બ્રિજ તૂટી પડ્યો હતો, જેના કારણે ગુરુડોંગમાર તળાવ અને યુન્થાંગ ખીણ જેવાં પ્રવાસન સ્થળો માટે પ્રસિદ્ધ મંગન જિલ્લાના જોંગુ, ચુંગથાંગ, લાચેન અને લાચુંગ જેવાં શહેર દેશના બાકીના ભાગોથી અલગ થઈ ગયાં હતાં.
રાહત અને બચાવકાર્યમાં લાગેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 2 હજાર પ્રવાસીઓ લાચુંગ અને ચુંગથાંગમાં ફસાયેલા છે. હવે તેમને હેલિકોપ્ટર દ્વારા જ બચાવી શકાય છે, પરંતુ ખરાબ હવામાનમાં હેલિકોપ્ટરનું ઉડ્ડયન શક્ય નથી. હાલમાં પ્રવાસીઓને તેઓ જ્યાં ફસાયેલા છે ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
સિક્કિમમાં પણ તિસ્તા નદીમાં પૂર આવ્યું છે, જે સિંગતમ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અસર કરી શકે છે. ગયા વર્ષે, હિમનદી તળાવ ફાટવાથી ઉત્તર સિક્કિમમાં અચાનક પૂર આવ્યું હતું. જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.
IMD એ પણ શુક્રવારે (14 જૂન) સિક્કિમમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ પડી શકે છે.
બિહારનું બક્સર દેશમાં સૌથી ગરમ, તાપમાન 47.2 ડિગ્રી
હવામાન વિભાગે ઉત્તરીય ભાગોમાં હીટવેવની ચેતવણી જાહેર કરી છે. શુક્રવારે (14 જૂન), ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાનાં વિવિધ સ્થળોએ હીટવેવ રહેવાની શક્યતા છે. ચોમાસામાં વિલંબના કારણે આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.
ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં ગુરુવારે (13 જૂન) તાપમાન 46 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. બિહારનું બક્સર 47.2 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર હતું. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ 44 થી 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
IMD અનુસાર, 1 માર્ચથી 9 જૂન વચ્ચે, ઓડિશામાં હીટવેવ મહત્તમ 27 દિવસ સુધી ચાલ્યું છે. રાજસ્થાનમાં 23 દિવસ, પશ્ચિમ બંગાળમાં 21 દિવસ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં 20 દિવસ, મધ્ય પ્રદેશમાં 19 દિવસ અને ગુજરાત અને રાજસ્થાનમાં 17 દિવસ સુધી હીટવેવ રહ્યું હતું.
દેશભરનાં રાજ્યોમાં હવામાન સંબંધિત તસવીરો…

સિક્કિમના મંગનમાં ભારે વરસાદને કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓને નુકસાન થયું છે.

મંગનમાં લોકોને બહાર કાઢવા માટે લાકડાના પુલની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મંગણમાં ભૂસ્ખલનના કારણે રસ્તાઓ કાટમાળ બની ગયા છે. જેમાં વાહનો ફસાઈ ગયાં છે.

મંગનમાં અનેક મકાનોને પણ નુકસાન થયું છે. અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયાં છે.

ગુરુવારે બેંગલુરુમાં વરસાદ પડ્યો હતો. ચોમાસું 2 જૂને કર્ણાટકમાં પ્રવેશ્યું હતું.

મુંબઈમાં શુક્રવારે સવારે ભારે વરસાદ થયો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં સતત વરસાદને કારણે આવેલા પૂરને કારણે ગુરુવારે (13 જૂન) લોકો ઘર છોડીને સલામત સ્થળે જતા જોવા મળ્યા હતા.

શુક્રવારે (14 જૂન) સવારે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો. તસવીર ઈસ્ટર્ન એક્સપ્રેસ વેની છે.
મુખ્ય રાજ્યોના હવામાન સંબંધિત સમાચાર વાંચો…
બિહાર: 13 જિલ્લામાં હીટવેવ એલર્ટ, બક્સર 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ; 18 જિલ્લામાં તાપમાન 40ને પાર

પટના સહિત બિહારના મોટાભાગના જિલ્લાઓમાં તીવ્ર ગરમી અને હીટવેવ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બક્સર, ઔરંગાબાદ, કૈમુર અને રોહતાસમાં હીટવેવનું રેડ એલર્ટ છે. ભોજપુર, અરવાલ, ગયા, સારણ, જહાનાબાદ, નવાદા, નાલંદા, સિવાન અને વૈશાલીમાં ઓરેન્જ એલર્ટ છે.
પંજાબઃ 21 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, 24 કલાકમાં તાપમાન 47.8 ડિગ્રીને પાર; પઠાણકોટ સૌથી ગરમ

પંજાબમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. તમામ 23 જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. પઠાણકોટમાં સૌથી વધુ તાપમાન 47.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આજે 21 જિલ્લાઓ માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. જેમાંથી 19 માટે યલો એલર્ટ અને 2 માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હરિયાણા: આજે ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાનું એલર્ટ, 40 KMની ઝડપે પવનો ફૂંકાશે

હરિયાણામાં આકરી ગરમી વચ્ચે આજે વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ 30થી 40 કિલોમીટરની ઝડપે ધૂળ ભરેલા પવનો ફૂંકાય તેવી સંભાવના છે જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે 15 જૂનથી 19 જૂન સુધી રહેશે.