9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. કેરળમાં કોવિડ JN.1નો નવો પેટા વેરિયન્ટ મળી આવ્યો છે. જેના કારણે એક જ દિવસમાં કેરળમાં ચાર લોકોનાં અને યુપીમાં એકનું મોત થયું છે. યુપીમાં કોવિડ પોઝિટિવ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે ભારતમાં 335 નવા COVID-19 કેસ નોંધાયા છે અને સક્રિય કેસોની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.
કર્ણાટક સરકારે સબ વેરિઅન્ટ JN.1 અંગે ચેતવણી જારી કરી છે. કર્ણાટક સરકારે એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે, વૃદ્ધોએ ખાસ માસ્ક પહેરવું. જ્યારે કેરળમાં સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી. અમે સતત નજર રાખી રહ્યા છીએ.

ભારતમાં નવો વેરિયન્ટ ક્યાંથી આવ્યો?
ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલના જણાવ્યા અનુસાર, આ મામલો 8 ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે 79 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા અને જોકે બાદમાં કોવિડ-19માંથી સાજા થઈ ગયા હતા.

નવા વેરિયન્ટ JN.1નો સિંગાપોરમાં કહેર છે. લોકો માસ્ક પહેરવા લાગ્યા છે.
દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોનાં મોત થયા છે
દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4.50 કરોડને વટાવી ગઈ છે. તો વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ (4,44,69,799) થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં રિકવરી રેટ 98.81 ટકા છે. ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 5,33,316 લોકોનાં મોત થયા છે.

સિંગાપોરમાં એક સપ્તાહમાં 56,000થી વધુ કોરોના કેસ
સિંગાપોરમાં છેલ્લા એક સપ્તાહમાં 56,000થી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે તમામ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 3 થી 9 ડિસેમ્બરની વચ્ચે 56,043 નવા કેસ મળી આવ્યા હતા. જ્યારે તેના એક અઠવાડિયા પહેલા કોવિડના 32,035 કેસ હતા.
વિશ્વમાં કોરોનાને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે: WHOએ દેશો પાસેથી ડેટા માંગ્યો

WHO અનુસાર, માત્ર 43 દેશો કોવિડને કારણે થયેલા મૃત્યુના આંકડા શેર કરી રહ્યા છે. માત્ર 20 દેશો એવા છે જે દાખલ દર્દીઓને લગતી માહિતી આપી રહ્યા છે. સંસ્થાએ કહ્યું કે હાલમાં દુનિયામાં એક પણ પ્રકાર નથી જે સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે, EG.5 Omicron વધી રહ્યો છે અને BA.2.86 પેટા વેરિઅન્ટના કેસ 11 દેશોમાં જોવા મળ્યા છે.JN.1ની સૌથી વધારે અસર સિંગાપોરમાં છે.