17 મિનિટ પેહલા
- કૉપી લિંક
12 માર્ચ 2024ના રોજ જૈન સમુદાયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ જર્મનીના રાજદૂત ડૉ.ફિલિપ એકરમેનના નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને જઈને રૂબરુ મુલાકાત કરી હતી.
જમર્નીની ચાઈલ્ડ સર્વિસ દ્વારા ફસાયેલી ત્રણ વર્ષની ગુજરાતી જૈન દીકરી અરિહા શાહને ભારત લાવવા માટે લાંબા સમયથી અભિયાન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ જર્મનીમાં અરિહાની પાલક માતાને ફરીથી મે 2024માં એટલે કે માત્ર અઢી વર્ષમાં જ ત્રીજી વખત બદલવા જઈ રહ્યા છે. ત્યારે હવે 12 માર્ચ 2024ના રોજ જૈન સમુદાયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ જર્મનીના રાજદૂત ડૉ.ફિલિપ એકરમેનના નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને જઈને રૂબરુ મુલાકાત કરી હતી. આ અંગે આગેવાન યતીન શાહે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન અમે એક ભારતીય દીકરી સાથે જમર્નીમાં થઈ રહેલા માનવ, સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકારોના બેફામ હનન વિશેની સચોટ માહિતીઓ પુરાવા સાથે જર્મન રાજદૂતને સોંપી હતી.આ સાથે તેમને જમીની હકીકીતથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
પાલક માતાના વારંવાર બદલાવથી દીકરીની માનસિક અવસ્થામાં અસ્થિરતા
જૈન સમુદાયે જર્મન રાજદૂતને જણાવ્યું કે અમારી દીકરી અરિહાની સ્થિતિ હૃદયદ્રાવક છે. જર્મનીમાં અરિહાની પાલક માતાને ફરીથી મે 2024માં એટલે કે માત્ર અઢી વર્ષમાં ત્રીજી વખત બદલવા જઈ રહ્યા છે. પાલક માતાના આવા વારંવારના બદલાવના કારણે અમારી નાની દીકરીની માનસિક અવસ્થામાં નોંધપાત્ર અસ્થિરતા આવી રહી છે.
3 વર્ષના બાળક માટે ઊંડી મનોવૈજ્ઞાનિક અસર
દર વખતે નવી પાલક માતાને “માતા” તરીકે બોલાવવાનું શીખવવામાં આવે છે અને થોડા મહિનામાં જ અરિહાના પાલક માતા બદલાઇ જાય છે. અને ફરીથી નવી વ્યક્તિને “માતા” તરીકે બોલવાનું શીખવામાં આવે છે. 3 વર્ષ જેટલી કુમળીવયના બાળક માટે આ એક ઊંડી મનોવૈજ્ઞાનિક અસર અને માનસિક આઘાતની બાબત છે.
જર્મનીની પાલક પ્રણાલીમાં ભારતીય બાળકનું ભવિષ્ય જોખમમાં
જૈન સમુદાયે જણાવ્યું કે અરિહાની પાલક માતામાં વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પાલક માતામાં આવા વારંવારના ફેરફારો પરથી સ્પષ્ટ થાય છે કે જર્મન બાળ સેવા સંસ્થા નાના બાળકોને પ્રેમ અને સ્નેહથી ઉછેરવા માટે જરૂરી એવી પાલક માતા માટે અસમર્થ છે તેમજ સંવેદનશીલતાનો પણ અભાવ છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે જર્મનીની આવી પાલક પ્રણાલીમાં આપણા ભારતીય બાળકનું ભવિષ્ય જોખમમાં છે અને તેથી દીકરી અરીહાને ભારતમાં ભારત સરકારને સોંપવામાં આવે જેથી તે ભારતીય સંસ્કૃતિમાં ઉછરી શકે.
અરિહાની પાલક માતા 60 વર્ષથી વધુ ઉંમરના છે
જર્મન રાજદૂતને એ પણ જણાવવવામાં આવ્યું કે જર્મન ચાઈલ્ડ સર્વિસ દીકરી અરિહાને જે માતા સાથે સોંપી રહી છે તે તમામ 60 વર્ષથી વધુ ઉંમરના હોય છે. જે રીતે એક પછી એક વૃદ્ધ દાદીની ઉંમરની મહિલાને પાલક માતા ગણાવી તેઓ 3 વર્ષની દીકરીના ભવિષ્યને એમના હાથમાં સોંપી રહ્યા છે તે જમર્નીની ચાઈલ્ડ સર્વિસની નિર્દયતા અને અક્ષમતાને પણ છતી કરે છે.
ભારતમાં જૈન પાલક પરિવારની વિચારણા કરવા વિનંતી કરી
જૈન પ્રતિનિધિ મંડળે જર્મન રાજદૂતને અરિહા માટે ભારતમાં જૈન પાલક પરિવારની વિચારણા કરવા વિનંતી કરી છે. એમને જણાવ્યું કે ઘણા જૈન યુવાન દંપતી દીકરી અરિહાના પાલક માતા-પિતા બનવા તૈયાર છે. આ વિકલ્પને પણ ભારતીય વિદેશ મંત્રાલય અને ગુજરાત બાળ સેવાઓએ એક વર્ષ પહેલા સમર્થન આપ્યું હતું, પરંતુ આજદિન સુધી જર્મન સત્તાવાળાઓ દ્વારા આ અંગે હજી સુધી વિચારણા કરવામાં આવી નથી એ ચિંતાનો વિષય છે.
બંને દેશની સરકારોએ મળીને ત્વરિત નિર્ણય લેવો જોઈએ
જૈન કોમ્યુનિટી ડેલિગેશનના પ્રવક્તા યતીન શાહે જણાવ્યું હતું કે, “અરિહા એક નિર્દોષ બાળક છે જે એક દુઃખદાયક પરિસ્થિતિમાં ફસાયેલી છે. “અમે જર્મન સરકારને વિનંતી કરીએ છીએ કે તેણીની સુખાકારીને પ્રાથમિકતા આપે. તેના વિકાસ માટે સ્થિર અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ વાતાવરણ સર્વોપરી છે. જર્મન કસ્ટડી કેસના નિરાકરણની રાહ જોતી વખતે ભારતમાં એક જૈન પાલક પરિવાર તેના ભારતીય સાથેના તેના જોડાણને પોષતી વખતે પ્રેમ, સમર્થન અને સ્થિરતા પ્રદાન કરી શકે છે જેનો બંને દેશની સરકારોએ મળીને ત્વરિત નિર્ણય લેવો જોઈએ.
જૈન સમુદાયની એકમાત્ર આશા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર
પ્રતિનિધિમંડળે રાજદૂતના સમય માટે આભાર વ્યક્ત કર્યો અને વિનંતી કરી હતી કે આ એક ત્વરિત નિર્ણય લેવાનો સમય છે. ભારતીય વિદેશ મંત્રાલય તેની ચેનલો સાથે લાંબા સમયથી આ કેસ પર કામ કરી રહ્યું છે. જૈન સમુદાયની એકમાત્ર આશા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે. વડાપ્રધાન મોદી તેમના સક્રિય હસ્તક્ષેપથી દીકરી અરિહાને ભારતમાં ચોક્ક્સ લાવી શકે એમ છે જેથી ભારતની આ દીકરીને તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ મળી શકે છે જેની તે દીકરીને જરૂરત છે.
આ કેસનો અંતિમ ચુકાદો લાખો NRI પરિવારોને અસર કરશે
યતીન શાહે જણાવ્યું કે બે વર્ષથી સમગ્ર વિશ્વની નજર આ કેસ ઉપર છે. આ માત્ર એક દીકરીની કસ્ટડીની લડાઈ નથી, પરંતુ વિદેશોમાં ભારતીય બાળકો તેમજ પરિવારો સાથે ખોટી રીતે થઈ રહેલા શોષણ સામેની લડાઈ છે. આ કેસનો અંતિમ નિર્ણય વિદેશમાં વસી રહેલા લાખો NRI પરિવારો માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કરશે, જેઓ વિદેશમાં આવી બાળ સેવાઓ સંબંધિત કેસોમાં ન્યાય મેળવવા માટે લાંબો સંઘર્ષ કરી રહ્યા છે.
શું છે આ ઘટના?
સોફ્ટવેર એન્જિનિયર ભાવેશ શાહ તેમની પત્ની ધારા સાથે ઓગસ્ટ 2018માં બર્લિનમાં સ્થાયી થયા હતા. દરમિયાન ફેબ્રુઆરી 2021માં તેમને ત્યાં દીકરી અરિહાનો જન્મ થયો હતો. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં એક દિવસ તેની નેપીમાં લોહી દેખાતાં તેમણે ડૉક્ટરને બતાવ્યું હતું. પછી અમુક દિવસો બાદ તેઓ અરિહાને ફરી ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોક્ટરે ચાઇલ્ડ સર્વિસને બોલાવી અરિહાને તેમને સોંપી દીધી હતી. ત્યારથી જૈન દંપતી વિદેશની ધરતી પર પોતાની બાળકીને પરત લાવવા માટે લડત લડી રહ્યું છે. કસ્ટડી બેટલ ફાઇટ કરી રહ્યું છે.
ફોસ્ટરની સિસ્ટમ શું છે?
ફોસ્ટરમાં કોઈ ડાયરેક્ટ ફેમિલી હોતી નથી. ફોસ્ટર પીપલ બાળકને 1-2 કે 3 વર્ષ રાખે એનું કંઈ નક્કી હોતું નથી. જે બાળકનો પરિવાર ના હોય તેમને ફોસ્ટરમાં રાખવામાં આવે છે.