નવી દિલ્હી8 કલાક પેહલા
- કૉપી લિંક
ગુરુવારે સવારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ પછી લોકોએ કડકડતી ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. યુપીના મુઝફ્ફરનગરમાં પારો 4.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. શિયાળાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજની શાળાઓમાં 6 જાન્યુઆરી સુધી રજા જાહેર કરવામાં આવી છે.
રાજસ્થાનના સીકરમાં પારો 1 ડિગ્રી પર પહોંચી ગયો છે. માઉન્ટ આબુમાં પણ તાપમાન શૂન્યની આસપાસ રહે છે. અહીં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આજે કોલ્ડ ડે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુરુવારે મધ્યપ્રદેશ, યુપી, બિહાર, રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં ધુમ્મસ સાથે દિવસની શરૂઆત થઈ હતી. ભોપાલ અને જયપુર સહિત ઉત્તર અને મધ્ય ભારતના 22 શહેરોમાં વિઝિબિલિટી 200 મીટરથી ઓછી રહી. જેના કારણે દિલ્હી પહોંચતી 26 ટ્રેનો મોડી દોડી રહી છે.
ભવિષ્યમાં હવામાન કેવું રહેશે?
- ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તર ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.
- 5 જાન્યુઆરીએ સવારે થોડા કલાકો માટે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.
- ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, સિક્કિમ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે.
- અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે આગામી 3-4 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશ અને ઝારખંડમાં હળવો વરસાદ પડી શકે છે.
- પૂર્વ મધ્ય પ્રદેશમાં 5 જાન્યુઆરીએ હળવા છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં 5 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગની એડવાઈઝરી – વાહન ચલાવતી વખતે સાવચેત રહો
- ટ્રાફિક – ધુમ્મસમાં કોઈપણ વાહનવ્યવહારમાં વાહન ચલાવતી વખતે અથવા મુસાફરી કરતી વખતે સાવચેત રહો. ધીમે ચલાવો અને ફોગ લાઇટનો ઉપયોગ કરો. મુસાફરીના સમયપત્રક માટે એરલાઇન્સ, રેલવે અને રાજ્ય પરિવહન સાથે સંપર્કમાં રહો. એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોને એરપોર્ટ માટે રવાના થતા પહેલા ફ્લાઇટ્સનું સ્ટેટસ ચેક કરવા કહ્યું છે.
- હેલ્થ- ઈમરજન્સી ન હોય તો બહાર જવાનું ટાળો અને ચહેરો ઢાંકીને રાખો. અસ્થમા અને બ્રોન્કાઇટિસથી પીડિત લોકોએ લાંબા સમય સુધી ગાઢ ધુમ્મસમાં રહેવાનું ટાળવું જોઈએ. તેનાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી શકે છે.
રાજ્યોમાં હવામાનની સ્થિતિ…
મધ્યપ્રદેશઃ ભોપાલ, રાયસેન, ટીકમગઢ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ, આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ આવુ જ રહેશે
નવા વર્ષની શરૂઆતથી જ સમગ્ર મધ્યપ્રદેશ ઠંડા પવનોથી ધ્રૂજી રહ્યું છે. ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું હતું. ગુરુવારે રાત્રે ભોપાલ, ઈન્દોર રાયસેન, ટીકમગઢ, નર્મદાપુરમ અને રાયસેનમાં હળવો વરસાદ થયો હતો. બુધવારે ગ્વાલિયર સૌથી ઠંડું રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 14.5 ડિગ્રી હતું. નૌગાંવ, ગુના, રતલામ, સાગર, ખજુરાહો સહિત 6 શહેરોમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હતું.
રાજસ્થાનઃ સમગ્ર રાજ્યમાં ઠંડીની અસર વધી, અલવરમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ.

અલવર શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયું છે
રાજસ્થાનમાં જાન્યુઆરીની શરૂઆતથી શરૂ થયેલી શિયાળાની અસર ધીરે ધીરે વધી રહી છે. દરરોજ રાત્રે તાપમાનનો પારો ગગડી રહ્યો છે જેના કારણે ઠંડી પણ વધી રહી છે. ગુરુવારે સવારે અલવરમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી વાતાવરણ આવું જ રહેશે.
પંજાબઃ 8 જિલ્લામાં ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ, 9 જાન્યુઆરીએ વરસાદની શક્યતા

પંજાબમાં 6 દિવસથી સૂર્યપ્રકાશ નથી. દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત માત્ર 5 ડિગ્રી જેટલો છે. સમગ્ર પંજાબમાં ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું છે. હવામાન વિભાગે પંજાબમાં 8મી જાન્યુઆરી સુધી યલો એલર્ટ અને આજે રાજ્યના 8 જિલ્લાઓમાં સ્મોગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
છત્તીસગઢ: દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો થશે, ઘણા વિસ્તારોમાં વાદળછાયા રહેશે

છત્તીસગઢના હવામાનમાં ગુરુવારે પલટો આવ્યો છે. આજે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કોરિયા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા ઝરમર વરસાદ પડી શકે છે. સાથે જ આજે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ થોડો વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.