- Gujarati News
- National
- Chandigarh Mayor Election Supreme Court Hearing Update; Returning Officer Anil Masih
ચંદીગઢ7 કલાક પેહલા
- કૉપી લિંક
આ CCTV ફૂટેજ 30 જાન્યુઆરીના છે. જેમાં ચંદીગઢના મેયર ચૂંટણી અધિકારી અનિલ મસીહ બેલેટ પેપર પર નિશાન લગાવતા જોવા મળે છે.
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને મંગળવારે (20 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે AAP-કોંગ્રેસના ઉમેદવારને મેયર તરીકે જાહેર કર્યા હતા અને ભાજપના ઉમેદવારની જીતને રદ કરી હતી. ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર)ને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અધિકારી જૂઠું બોલે છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મેયર જાહેર કરાયેલા કુલદીપ કુમારને મીઠાઈ ખવડાવતા પરિવારના સભ્યો અને AAP કાર્યકરો.
CJIના આદેશની 5 મહત્વપૂર્ણ વાતો
- નિયમો અનુસાર, મતદાન સમયે, દરેક સભ્યએ જે ઉમેદવારને મેયર તરીકે ચૂંટવા માંગતા હોય તેની સામે બેલેટ પેપરની જમણી બાજુએ ક્રોસ ચિહ્ન લગાવવાનું હતું.
- આ સમગ્ર મામલો 8 જેટલા બેલેટ પેપરનો છે, જેને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ 8 મતપત્રોમાં AAP ઉમેદવારનું નામ સૌથી ઉપર અને ભાજપના ઉમેદવારનું નામ સૌથી નીચે હતું.
- તપાસ બાદ જાણવા મળ્યું કે આ બેલેટ પેપરમાં AAP ઉમેદવારની તરફેણમાં વોટ પડ્યા હતા. ચૂંટણી અધિકારી મસીહે તેની પર શાહીથી નિશાન કર્યું હતુ.
- ચૂંટણી અધિકારીએ જાણી જોઈને 8 બેલેટ પેપરને ખરાબ કરવાનું કામ કર્યું હતુ. કોઇ પણ બેલેટ પેપર ખરાબ ન હતું.
- આ પ્રવૃત્તિથી તેમણે (અનિલ મસીહ) મેયરની ચૂંટણીના પરિણામો બદલી નાખ્યા. તેમણે કોર્ટમાં સતત ખોટું બોલ્યું, જેના માટે તે જવાબદાર છે.
મુખ્ય ન્યાયાધીશ સહિત આ ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ચંદીગઢના મેયર ચૂંટણી કેસની સુનાવણી કરી હતી.
વાંચો, 20 ફેબ્રુઆરીએ કોર્ટમાં કોણે શું દલીલો આપી
ભાજપના મેયર ઉમેદવારના વકીલ: જો સુપ્રીમ કોર્ટ એવા નિષ્કર્ષ પર આવે છે કે ચૂંટણી રદ કરવી જોઈએ તો કાયદાકીય જોગવાઈ મુજબ નવી ચૂંટણી યોજવી જોઈએ. આ અમારા માટે ન્યાયી રહેશે.
AAP ઉમેદવારના વકીલ: તેઓ ફરીથી એટલા માટે ચૂંટણી ઇચ્છે છે જેથી તેઓ ફાયદો ઉઠાવી શકે. નવી ચૂંટણી દરમિયાન મળતા સમય દરમિયાન તેઓ લોકોને તોડી શકે.
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહના વકીલ મુકુલ રોહતગી: તે (મસીહ) કેમેરા તરફ કેમ જોઈ રહ્યા હતા? ત્યાં હંગામો થયો અને મસીહ ચેક કરી રહ્યા હતા કે કેમેરા કામ કરે છે કે નહીં. એવું નથી કે કોઈ ગુનેગાર કેમેરા સામે જોઈ રહ્યો હોય. તેમની પાસે સહી કરવાની સત્તા છે. પ્રથમ મતપત્રમાં એક નાનો ડોટ છે. કેટલાક મતપત્રો ઉપરના ભાગેથી ફોલ્ડ થયેલા છે. આ જોઈને મસીહે તેને ગેરકાયદેસર જાહેર કરવા માટે નિશાન કર્યા હતા.
પંજાબ સરકારના વકીલ: એક વ્યક્તિની ભૂલનું પરિણામ અન્ય લોકો ભોગવી શકે નહીં. આ માણસ (મસીહ) શરૂઆતથી જ પોતાને બચાવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની સામે પણ તેને આવું જ કર્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં પડેલા મતોની ફરીથી ગણતરી થવી જોઈએ. તમામ 8 ચિહ્નિત મતપત્રો માન્ય ગણવા જોઈએ અને તેમના આધારે મતોની ગણતરી થવી જોઈએ.
સોમવારે સીજેઆઈએ પોતે બેલેટ પેપરની તપાસ કરવાનું કહ્યું હતું
સોમવાર 19 ફેબ્રુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હીના મેયર ચૂંટણીના તમામ બેલેટ પેપર અને વીડિયો મંગાવ્યા હતા. CJI DY ચંદ્રચુડે કહ્યું કે તેઓ પોતે બેલેટ પેપરની તપાસ કરશે જેમાં છેડછાડનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત મેયરની ચૂંટણી નવેસરથી યોજવાને બદલે હાલના બેલેટ પેપરના આધારે જાહેર કરવા આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે તે નિર્દેશ કરશે કે મેયરની ચૂંટણીમાં પડેલા મતોની ગણતરી અગાઉના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે પેન વડે કરેલા ચિહ્નોને અવગણીને કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મંગળવારે કોર્ટમાં બેલેટ પેપર અને વીડિયો લાવવા માટે ન્યાયિક અધિકારીની નિમણૂક કરવા જણાવ્યું હતું. અદાલતે વહીવટીતંત્રને ન્યાયિક અધિકારીઓ અને રેકોર્ડની સુરક્ષા માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટ મંગળવારે બપોરે 2 વાગ્યા પછી ચૂંટણીના સંપૂર્ણ વીડિયો અને બેલેટ પેપરની તપાસ કરશે.
CJI: મસીહનો વીડિયો બધાની સ્ક્રીન પર અપલોડ કરવામાં આવે. બધા જ આ વીડિયો જુએ, થોડું એન્ટરટેઇનમેન્ટ બધા માટે સારું છે
CJI: સારું છે કે આપણે આ મામલાને ટાઇમલાઇન પ્રમાણે જોઈ રહ્યા છીએ, નહીંતર આ ગતિએ તો આપણે અહીં પોણા છ વાગ્યા સુધી બેઠવું પડે
19 ફેબ્રુઆરી:કોર્ટરૂમમાં CJI અને અનિલ મસીહ વચ્ચે સવાલ-જવાબ
CJI: SC એ મસીહને પૂછ્યું કે તમે કયા કાયદા હેઠળ બેલેટ પેપર પર સહી કરી છે.
મસીહ: જે મતપત્ર ખરાબ થઈ ગયા હતા, તેને અલગ કરવાના હતા અને તેની ઓળખ કરવા માટે જ હું આવું કરી રહ્યો હતો. ત્યાં એટલાં બધા કેમેરા હતા કે હું બસ તેમને જોઈ રહ્યો હતો.
CJI: વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તમે ક્રોસનું નિશાન લગાવી રહ્યા હતા? આવું શા માટે કર્યું અને કેટલાં બેલેટ પેપર પર કર્યું?
મસીહ: એવું મેં એટલાં માટે કર્યું જેથી ખરાબ પેપરની પછી ઓળખ કરી શકાય અને મેં આવું 8 બેલેટ પેપર પર કર્યું હતું. ઉમેદવારોએ મતપત્રોને છીનવી લીધા હતા, તેમને વાળીને ખરાબ કરી દીધા હતા. એટલે તેની ઓળખ કરવા માટે જ ક્રોસનું નિશાન કર્યું.
CJI: તમે ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરી રહ્યા હતા. બેલેટ પેપર બગાડવાનું કામ તમે કેમ કરી રહ્યા હતા? તમારે ફક્ત કાગળો પર સહી કરવાની હતી. નિયમોમાં ક્યાં જોગવાઈ છે કે તમે બેલેટ પેપર પર અન્ય ચિહ્નો મૂકી શકો છો? સોલિસિટર સાહેબ, તમારી સામે કાર્યવાહી થવી જોઈએ. અમે જિલ્લા ડેપ્યુટી કમિશનરને નવા રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવા સૂચના આપીશું અને બેલેટ પેપર પર મૂકવામાં આવેલા માર્ક્સને અવગણીને ફરીથી ગણતરી કરીને પરિણામ જાહેર કરીશું. આ સમગ્ર પ્રક્રિયા હાઈકોર્ટની દેખરેખ હેઠળ હોવી જોઈએ.
કોર્ટરૂમ લાઈવ…
CJI: (સોલિસિટર જનરલ તુષાર મહેતાને) શું મેયરે પદ પરથી રાજીનામું આપ્યું છે?
સોલિસિટર જનરલ: હા, આ ચૂંટણી અંગેના આક્ષેપોને ધ્યાનમાં રાખીને રાજીનામું આપવામાં આવ્યું છે. તેમની વિનંતી છે કે કોર્ટે આ કેસમાં રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ.
CJI: બેલેટ પેપરમાં કેટલા વોટ છે?
અરજદાર કુલદીપ કુમાર: 36. અમને ડર હતો કે આ સમગ્ર મામલે હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે. મામલો કોર્ટમાં આવ્યા બાદ આ પણ શરૂ થઈ ગયું છે.
સોલિસિટર જનરલઃ તેમની અરજીમાં એવી માગણી છે કે ફરીથી ચૂંટણી યોજવી જોઈએ, જે યોગ્ય નથી.
CJI: હોર્સ ટ્રેડિંગ એ ગંભીર બાબત છે. અમે આ અંગે ચિંતિત છીએ. પરંતુ અમે માનીએ છીએ કે ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામો નવી ચૂંટણીઓને બદલે હાલના મતોના આધારે જાહેર કરવી જોઈએ.
અરજદારઃ અમારો મત એ છે કે શું રિટર્નિંગ ઓફિસરના માર્કિંગથી બેલેટ પેપર અમાન્ય થશે? ના, આવું ન થવું જોઈએ અને અમે એમ પણ માનીએ છીએ કે નવેસરથી ચૂંટણીઓ કરાવવાને બદલે વર્તમાન બેલેટ પેપરની ગણના કરવી જોઈએ અને પરિણામ જાહેર કરવું જોઈએ. નવા રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ.
વરિષ્ઠ એડવોકેટ મનિન્દર સિંહઃ (વાંધો ઉઠાવતા) આ નિયમો પ્રમાણે થઈ શકે નહીં.
સોલિસિટર જનરલ: કેટલાક બેલેટ પેપર ફાટી ગયા હતા અને ખરાબ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટને આ બેલેટ પેપર જોવા માટે કહેવામાં આવે.
અરજદારઃ માત્ર તે 8 બેલેટ પેપર જ જોવાની જરૂર છે અને તે ફાટેલા નથી.
સોલિસિટર જનરલ: તમામ મતપત્રો નિષ્પક્ષતા માટે જોવા જોઈએ. રિટર્નિંગ ઓફિસરના નિવેદનોની સત્યતા ચકાસવા માટે તમારે આખો વીડિયો પણ જોવો જોઈએ.
મેયરની ચૂંટણીમાં શું થયું: AAP-કોંગ્રેસ પાસે બહુમતી હતી, 8 મત અમાન્ય થતાં BJP મેયર બન્યા
મતગણતરી જાહેર થતાં જ ચૂંટણી અધિકારી અનિલ મસીહ (ડાબે) દોડી આવેલા મનોજ સોનકરને મેયરની ખુરશી પર બેસાડ્યા.
ચંદીગઢમાં 30 જાન્યુઆરીએ મેયરની ચૂંટણી યોજાઈ હતી. આમાં, પ્રથમ વખત, AAP અને કોંગ્રેસ I.N.D.I.A. હેઠળ એકસાથે ચૂંટણી લડ્યા હતા. જેમાં એક સાંસદ અને 35 કાઉન્સિલરોએ મતદાન કર્યું હતું. મતદાન બાદ ચૂંટણી અધિકારી અનિલ મસીહે પરિણામ જાહેર કર્યું. જેમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને 16 મત મળ્યા હતા.
તેમાં ભાજપના 14 કાઉન્સિલર, ચંદીગઢના એક બીજેપી સાંસદ કિરણ ખેર અને અકાલી દળના એક વોટનો સમાવેશ થાય છે. જ્યારે આમ આદમી પાર્ટીના 13 અને કોંગ્રેસના 7 કાઉન્સિલરોએ મતદાન કર્યું હતું. પરંતુ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ ટીટાને માત્ર 12 મત મળ્યા હતા.
ચૂંટણી અધિકારી અનિલ મસીહે ગઠબંધનના ઉમેદવારના 8 મત અમાન્ય જાહેર કર્યા હતા. આના પર AAP અને કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મસીહે આ મત ઉપર નિશાન લગાવીને તેમને અમાન્ય કર્યા છે.
ફરી ચૂંટણી થશે તો સમીકરણો બદલાશે
પૂનમ દેવી (ડાબે), નેહા મુસાવત (ડાબેથી બીજા) અને ગુરચરનજીત સિંહ કાલા (જમણે) ચંદીગઢ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અરુણ સૂદ (વચ્ચે)ની હાજરીમાં ભાજપમાં જોડાયા.
AAPના 3 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા બાદ મહાનગરપાલિકાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે. ભાજપ પાસે પહેલાથી જ એક સાંસદ સહિત 15 વોટ છે. AAPના 3 કાઉન્સિલરો ભાજપમાં જોડાતા આ આંકડો વધીને 18 થયો છે.
એક અકાલી દળના વોટ ઉમેરવાથી આ સંખ્યા વધીને 19 થઈ જશે. આવી સ્થિતિમાં જો સુપ્રીમ કોર્ટ ફરીથી મેયરની ચૂંટણી યોજવાનો નિર્ણય કરશે તો ભાજપ પૂર્ણ બહુમતી સાથે પોતાને મેયર બનાવશે.
મેયરે રાજીનામું આપી દીધું
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના કડક વલણને જોતા ભાજપમાંથી મેયર તરીકે ચૂંટાયેલા મનોજ સોનકરે રવિવારે રાત્રે રાજીનામું આપી દીધું હતું. તેઓ કોર્પોરેશન કમિશનરના ઘરે ગયા હતા, જ્યાં રાજીનામું સુપરત કરવામાં આવ્યું હતું.