નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ભારતીય દંડ સંહિતા (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CRPC) અને પુરાવા અધિનિયમ (Evidence Act)ને રિપ્લેસ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાની પ્રશંસા કરી છે. CJIએ કહ્યું કે ત્રણેય નવા કાયદા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત તેની ફોજદારી ન્યાય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફારો માટે તૈયાર છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ત્રણ નવા ક્રિમિનલ કાયદાઓને ઐતિહાસિક ગણાવ્યા છે. CJI એ એમ પણ કહ્યું કે ભારત તેની ફોજદારી ન્યાય વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો માટે તૈયાર છે. આ ફેરફારો ત્યારે જ સફળ થશે જ્યારે તેને અમલમાં મૂકવા માટે જવાબદાર લોકો તેને અપનાવશે.
CJI અનુસાર, આ નવા કાયદાઓએ ફોજદારી ન્યાયના કાયદાકીય માળખાને નવા યુગમાં પરિવર્તિત કરી દીધો છે. આ ઐતિહાસિક છે કારણ કે કોઈ પણ કાયદો ક્રિમિનલ કાયદાની જેમ રોજિંદા જીવનને અસર કરતો નથી.
CJIએ કહ્યું, ‘જૂના કાયદાઓ (IPC, CRPC, Evidence Act)ની સૌથી મોટી ખામી એ હતી કે તે ઘણા જૂના હતા. આ કાયદા અનુક્રમે 1860 અને 1873થી અમલમાં હતા. સંસદ દ્વારા નવા કાયદાઓ પસાર થવું એ સ્પષ્ટ સંદેશ છે કે ભારત બદલાઈ રહ્યું છે અને વર્તમાન પડકારોનો સામનો કરવા માટે આપણને નવા માર્ગની જરૂર છે, જે નવા કાયદા દ્વારા આપણને મળવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે નવા કાયદા મુજબ, દરોડા દરમિયાન પુરાવાનું ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ થશે, જે ફરિયાદી પક્ષની સાથે સાથે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
CJIએ કહ્યું, ‘સંસદ દ્વારા આ કાયદાઓ પસાર થવા એ સ્પષ્ટ સંકેત છે કે ભારત બદલાઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે, અને વર્તમાન પડકારોનો સામનો કરવા માટે નવા કાયદાની જરૂરિયાતોને અપનાવી રહ્યું છે. ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈ, 2024થી અમલમાં આવશે. તેના લાગુ થવાની સાથે, દેશની ક્રિમિનલ ન્યાય વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ જશે. આ નવા કાયદાના અમલ સાથે, જૂના કાયદા IPC, CRPC અને Evidence Act નાબૂદ થઈ જશે.

CJIએ આ વાત દિલ્હીમાં ઈન્ડિયાઝ પ્રોગ્રેસિવ પાથ ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની કોન્ફરન્સમાં કહી હતી. આ કાર્યક્રમમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, એટર્ની જનરલ આર વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા મહેતા હાજર રહ્યા હતા.
ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા સંહિતા ત્રણ નવા કાયદા આ વર્ષે 1 જુલાઈ 2024થી લાગુ થશે. આ કાયદાઓ માટેનું બિલ સંસદ દ્વારા 21 ડિસેમ્બર 2023 ના રોજ પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 ડિસેમ્બરે તેમના પર સહી કર્યા પછી આ ત્રણેય બિલ કાયદા બન્યા હતા.