19 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યો
ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં અનેક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને તેની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. આ ધારાસભ્યોએ પોતાની પાર્ટી લાઇનથી વિરુદ્ધ જઇને ક્રોસ વોટિંગ તો કરી દીધું પણ હવે તેમના રાજકીય ભવિષ્યનું શું?. તો આવો જાણીએ કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યના સભ્યપદનું શું થશે?, આ ધારાસભ્યો પર પક્ષાંતર ધારો લાગુ પડશે કે કેમ?
કેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું?
ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોનું સભ્યપદ રહેશે કે નહીં તેની ચર્ચા કરતા પહેલાં આપણે સૌપ્રથમ એ જાણી લઇએ કે કઇ પાર્ટીના કેટલા ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પોતાની પાર્ટી લાઇનથી વિરુદ્ધ જઇને ક્રોસ વોટિંગ કર્યું. યુપીમાં SPના 8 ધારાસભ્યોએ અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. તો કર્ણાટકમાં ભાજપના એક ધારાસભ્યએ અને યુપીમાં NDAના એક ધારાસભ્યે પણ ક્રોસ વોટિંગ કર્યું હતું.
પાર્ટી લાઇનની વિરુદ્ધ મતદાન
હિમાચલમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ તો ઉત્તર પ્રદેશમાં SPના 7 ધારાસભ્યો અને સુભાસપાના એક ધારાસભ્યએ પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કર્યું છે. હિમાચલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીના સ્થાને ભાજપના હર્ષ મહાજનને મત આપ્યો, જ્યારે યુપીમાં, SPના સાત ધારાસભ્યોએ ભાજપના સંજય સેઠની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે સુભાસપાના એક ધારાસભ્યએ NDAને બદલે SPના ઉમેદવારને મત આપ્યો.

રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યો
યુપીમાં 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું
યુપીની રાજ્યસભાની ચૂંટણીમાં 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને એક ધારાસભ્યએ વોટિંગમાં ભાગ લીધો ન હતો. SPના 7 ધારાસભ્યોએ પાર્ટી લાઇનની વિરુદ્ધ જઈને ભાજપના ઉમેદવારને મત આપ્યો છે, જેમાં મનોજ પાંડે, રાકેશ પાંડે, રાકેશ પ્રતાપ સિંહ, વિનોદ ચતુર્વેદી, પૂજા પાલ, અભય સિંહ અને આશુતોષ મૌર્યનો સમાવેશ થાય છે. આ સિવાય SPના ધારાસભ્ય મહારાજી દેવી ગેરહાજર રહ્યાં હતાં. તે જ સમયે, ભાજપની આગેવાની હેઠળના NDA કેમ્પના સુભાસપાના ધારાસભ્ય જગદીશ નારાયણ રાયે તેમની પાર્ટી લાઇનની વિરુદ્ધ જઈને SP ઉમેદવાર આલોક રંજનને મત આપ્યો છે.
હિમાચલમાં 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું
હિમાચલ પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ચૂંટણી હારી ગયા અને ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની જીત થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યો સુધીર શર્મા, રાજેન્દ્ર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, રવિ ઠાકુર, ચૈતન્ય શર્મા અને દેવેન્દ્ર ભુટ્ટોએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત સરકારને ટેકો આપતા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને મત આપ્યો હતો.
કર્ણાટકમાં પણ ક્રોસ વોટિંગ
ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ થયું હતું. તે જ સમયે કર્ણાટકમાં ભાજપ ધારાસભ્યએ કોંગ્રેસની તરફેણમાં વોટ કર્યો. આ સિવાય યુપીમાં NDAના એક ધારાસભ્યે પણ SPની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. આવા સંજોગોમાં એવો સવાલ ઊઠવો સ્વાભાવિક છે કે જે ધારાસભ્યોએ પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કર્યું છે તેમનું શું થશે?
ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો વ્હીપના દાયરામાં આવે?
ક્રોસ વોટિંગના કારણે ઉત્તર પ્રદેશમાં SPની હાર થઈ અને હિમાચલમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. SP પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે ક્રોસ વોટિંગ કરનારા SP ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, દરેકના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટી લાઇન વિરુદ્ધ ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોનું સભ્યપદ ગુમાવવાનો ભય છે કે પછી તેઓ વ્હીપના દાયરામાં નથી આવતા?

હર્ષ મહાજન અને અભિષેક મનુ સિંઘવી
ક્રોસ વોટિંગ કરવા પર કાર્યવાહી?
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે પક્ષો કાર્યવાહી કરી શકે છે, પરંતુ તે બંધારણ કે જોગવાઈઓના દાયરામાં આવશે નહીં. આ કાર્યવાહી પાર્ટીની આંતરિક બાબત છે. ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યો પોતાનું સભ્યપદ ગુમાવતા નથી. ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને પાર્ટીઓ કારણ બતાવો નોટિસ આપી શકે છે. જો જવાબથી સંતુષ્ટ નહીં થાય, તો તેમને પક્ષમાંથી સસ્પેન્ડ અથવા બરતરફ કરી શકાય છે. જો કોઈપણ પક્ષ તેના ધારાસભ્યોને બરતરફ કરે છે, તો તેનું સભ્યપદ વિધાનસભામાંથી સમાપ્ત થતું નથી. રાજ્યસભા, વિધાન પરિષદ અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા સાંસદો અને ધારાસભ્યો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આવતા નથી.
વ્હીપ બિનઅસરકારક કેમ છે?
રાજ્યસભા, વિધાન પરિષદ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓને ગૃહની પ્રક્રિયાનો ભાગ ગણવામાં આવતો નથી. જેમાં સાંસદ કે ધારાસભ્ય પોતાની ઈચ્છા મુજબ મતદાન કરી શકે છે. બંધારણ મુજબ, રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા વ્હીપ જારી કરી શકાય છે, પરંતુ તે બિનઅસરકારક છે. આવી ચૂંટણીઓમાં, પક્ષ દ્વારા જાહેર કરાયેલા વ્હીપનો સ્વીકાર કરવો કે તેની વિરુદ્ધ જવું તે સંપૂર્ણપણે ધારાસભ્યો અને સાંસદોની ઇચ્છા પર આધારિત છે. વ્હીપ સંસદ અને વિધાનસભાના ગૃહોના કામકાજ દરમિયાન લાગુ પડે છે. રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીને ગૃહની પ્રક્રિયાનો ભાગ માનવામાં આવતો નથી.
રાજ્યસભા અને વિધાન પરિષદના વોટિંગમાં વ્હીપ લાગુ પડતો નથી
રાજ્યસભા અને વિધાન પરિષદના વોટિંગમાં વ્હીપ લાગુ પડતો નથી. રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કરવા પર પણ પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી. જો કે, તે અપેક્ષા રાખે છે કે તેના ધારાસભ્યો અને સાંસદો માત્ર પાર્ટી લાઇન પર જ મતદાન કરે. આ પણ પક્ષપલટા કાયદા હેઠળ આવતું નથી. એટલા માટે માત્ર યુપી, કર્ણાટક અને હિમાચલમાં જ નહીં પરંતુ તે પહેલાં હરિયાણામાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં પણ ક્રોસ વોટિંગ થયું હતું. તેથી જ ધારાસભ્યો અને સાંસદોને તેમનું સભ્યપદ ગુમાવવાનો ભય નથી.